ગોંડલના મહારાજા સર ભગવતસિંહજી બાલાશ્રમની 7 અનાથ દીકરીઓનો આજે શાહી લગ્નોત્સવ યોજાયો છે. 7 દીકરીઓના લગ્ન હોય શહેરના વિસ્તારોને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યા હતા. તેમજ મંડપને શણગારવામાં આવ્યા છે. 7 દીકરીઓ સાથે લગ્ન કરનાર વરરાજાનો બેન્ડવાજા અને ફટાકડાની આતશબાજી વચ્ચે વરઘોડો નીકળ્યો હતો. જેમાં રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી.
માંડવે જાન પહોંચતા જ વરમાળા યોજાઇ હતી. બાદમાં શાસ્ત્રોક્ત વિધિથી લગ્નવિધિ કરવામાં આવી રહી છે. રાજકોટના નિલેશભાઇ દ્વારા દરેક દીકરીને કરિયાવરમાં 100 વારનો પ્લોટ આપવામાં આવ્યો છે.
આ લગ્નોત્સવમાં ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા, પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, પોરબંદરના સાંસદ રમેશ ધડુક સહિત રાજકીય આગેવાનો અને ગોંડલના રાજવી પણ હાજર રહ્યા છે.જેમાં અનેક વાનગીઓ માંડવીયા અને જાનૈયાઓને પીરસવામાં આવશે. ગઇકાલે મંડપ વિધિ અને રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગોંડલના રાજવી જ્યોતિન્દ્રસિંહજીએ દરેક દીકરીને સોનાની વીંટી આપી આશિર્વાદ આપ્યા હતા.