ઝાડા-ઉલ્ટીમાં સુરતમાં વધુ એકના મોત સાથે મરણઆંક ૧૫
લિંબાયતના ૨૭ વર્ષના યુવાનનું મોત : કોલેરામાં બે દર્દીને હોસ્પિટલમાં દાખલ કરાયા
દર વર્ષની જેમ શહેરમાં વર્ષા ઋતુના પ્રારંભ સાથે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાઓ માથું ઉચકી રહ્યા છે. જો કે ઝાડા-ઉલ્ટીમાં સંપડાયેલા ગોડાદરાના યુવાનના મોત સાથે સુરતમાં રોગચાળાનો કુલ મરણઆંક ૧૫ પર પહોંચ્યો છે.
સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ લિંબાયતમાં ગોડાદરાના મુક્તીનગરમાં રહેતો ૨૭ વર્ષીય પારસમણી દેવનાથ રાય ગઈકાલે બપોરે ઘરે ઝાડા-ઉલ્ટી થવા લાગ્યા હતા. તેથી તેમના પરિવારજનો તરત ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તે મોતને ભેટયા હતા. તે મૂળ ઝારખંડના વતની હતા. તેમના ૨ ભાઈ છે. તે માર્કેટમાં મજુરી કામ કરતા હતા. આ સાથે સુરતમાં રોગચાળો અત્યાર સુધીમાં કુલ ૧૫ વ્યક્તિને ભરખી ગયો છે.
શહેરમાં ઉધના, પાંડેસરા, સચીન, ડીંડોલી, લિંબાયત, કતારગામ, પુણા, વરાછા સહિતના કેટલાક વિસ્તારમાં ગંદકી અને પાણીના ખાબોચિયા ભરાયા હોવાથી મચ્છરોની ઉત્પત્તિના કારણે મચ્છરજન્ય રોગ ફેલાય છે. તથા પાણીજન્ય રોગે પણ માથું ઉંચક્યું છે. જ્યારે જુન માસમાં નવી સિવિલ હોસ્પિટલમાં મેલેરીયાના ૧૦૮ દર્દી, ગ્રેસ્ટ્રોના ૯૬ દર્દી, ડેન્ગ્યુના ૨૦ દર્દી તથા કોલેરામાં આયનશા અસીકશા (ઉ.વ.૧૯, મીઠીખાડી, લિંબાયત) અને લંતીકા પાત્ર (ઉ.વ.૧૯, રહે-મહાદેવનગર,પાંડેસરા)ને સારવાર માટે ખસેડાયા હતા.