લોકો જ્યારે કહે છે કે હું ડિપ્રેસ છું ત્યારે એનો અર્થ મોટા ભાગે એવો થતો હોય છે કે તેને મજા નથી આવતી, કંટાળો આવે છે, ચિંતા થાય છે, દુખી છે કે પડી ભાંગી છે, પરંતુ ખરું ડિપ્રેશન કોને કહેવાય એની દરેક વ્યક્તિને સમજ નથી હોતી. જો એ સમજ હોય તો ભૂલથી પણ ગમે ત્યારે આ શબ્દ આપણે વાપરી ન શકીએ.
આપણે કેન્સર જેવો શબ્દ ગમે ત્યાં વાપરીએ છીએ કે? કારણ કે આપણને ખબર છે કે કેન્સર શું છે. એવી જ રીતે ડિપ્રેશન શું છે એ સમજાય અને દરેક સુધી પહોંચે એ જરૂરી છે. ફક્ત એ માટે નહીં કે આ શબ્દનો ખોટી જગ્યાએ ઉપયોગ ટળે, પરંતુ ડિપ્રેશનને જેટલું હલકામાં લોકો લે છે એને બદલે એની ગંભીરતાને સમજી શકે અને એનો ઇલાજ કરાવી શકે. અલગ-અલગ કારણોને લીધે ડિપ્રેશન સાથે ઘણી માન્યતાઓ સંકળાયેલી છે. આ માન્યતાઓ કેટલી હદે ખોટી છે એ આજે સમજીએ અનલિમિટેડ પોટેન્શિયલિટીઝના સાઇકિયાટ્રિસ્ટ ડો. અશિત શેઠ પાસેથી.
માન્યતા ૧ : ડિપ્રેશન એક અવસ્થા છે
હકીકત : ડિપ્રેશન એ અવસ્થા નહીં, રોગ છે.
ઘણા લોકો માને છે કે અમુક સમય પૂરતી આવતી ઉદાસીનતા જ ડિપ્રેશન છે. ઉદાસીનતા અને ડિપ્રેશનમાં ઘણો ફરક છે. આ કોઈ અવસ્થા નથી જે આવે અને એની મેળે જતી રહેશે. આ એક રોગ છે. ઘણાં રિસર્ચ સાબિત કરી ચૂક્યાં છે કે આ માનસિક નહીં શારીરિક રોગ છે.
એટલે કે ડિપ્રેશન દરમ્યાન મગજમાં અમુક ખાસ નોંધપાત્ર ફેરફાર થાય છે અને આ ફેરફાર ડિપ્રેશન પાછળનું કારણ હોય શકે છે જે સાબિત થયેલું તથ્ય છે. ડિપ્રેશન એક લાંબા ગાળાનો રોગ છે. અવસ્થા આવે-જાય, પરંતુ આ એક રોગ એવો છે જે જલદીથી જતો નથી રહેતો.
માન્યતા ૨ : ડિપ્રેશન માનસિક રીતે નબળા હોવાની નિશાની છે
હકીકત : ડિપ્રેશન માનસિક રીતે નબળી કે સબળી કોઈ પણ વ્યક્તિને થઈ શકે છે.
માનસિક રીતે સબળ કે નર્બિળ હોવું એ આપણા જ હાથની વાત છે એવું આપણે સમજીએ છીએ. જો આ વાત સત્ય હોય તો ડિપ્રેશન એ માનસિક નર્બિળતા નથી જ, કારણ કે ડિપ્રેશન આપણી ઇચ્છા કે અનિચ્છાને આધીન નથી. જેને ડિપ્રેશન છે એવા લોકો વિશે જાણીએ તો ખબર પડે કે સમાજમાં ઘણી સ્ટ્રોન્ગ પોઝિશન ધરાવતા, અત્યંત સફળ અને આગળ પડતા લોકોને પણ ડિપ્રેશન આવે છે. જે દર્શાવે છે કે માનસિક નબળાઈ ડિપ્રેશન નથી. એ એક રોગ છે. રોગ નબળી હોય કે સબળી કોઈ પણ વ્યક્તિને થઈ શકે છે.
માન્યતા ૩ : જીવનમાં ક્યારેક મોટું દુખ આવી પડે ત્યારે જ એ સામે આવે છે
હકીકત : હંમેશાં મોટું દુખ આવે ત્યારે જ એ સામે આવે એવું જરૂરી નથી.
એવું બનતું હોય છે કે અમુક બનાવો ડિપ્રેશન માટે ટ્રિગર સાબિત થાય છે. જેમ કે સ્વજનનું મૃત્યુ, પરંતુ હંમેશાં ડિપ્રેશન કોઈ મોટી દુખદ ઘટનાને કારણે જ સામે આવે એવું નથી હોતું. કોઈ સામાન્ય ઘટના સાથે પણ એ સામે આવી શકે છે. કોઈ દુખદ ઘટના તમને દુખી કરી જાય એ ડિપ્રેશન છે કે નહીં એ બાબતે જો તમને કન્ફયુઝન હોય તો સરળ રસ્તો એ છે કે આ દુખ બે અઠવાડિયાં સુધી સતત રહેતું હોય તો એ ડિપ્રેશન હોય શકે છે.
ઘણી વાર તમે એકદમ દુખી થઇ જાઓ અને પછી થોડા ઠીક હો અને પાછા અચાનક તકલીફમાં આવી જાઓ તો એ ડિપ્રેશન નથી. અહીં સમજવા જેવી વાત એ છે કે ડિપ્રેશન માટે ઘટના જવાબદાર નથી હોતી. ઘટના થઈ એટલે તમે ડિપ્રેશનમાં છો એવું નથી. જેમ કે સ્વજનનું મૃત્યુ દરેકના જીવનમાં આવે છે તો એને કારણે બધા ડિપ્રેશનમાં આવી નથી જતા.
માન્યતા ૪ : પુરુષોને ડિપ્રેશન જેવું કંઈ ન હોય
હકીકત : ડિપ્રેશન સ્ત્રી અને પુરુષ બન્નેને થઈ શકે છે.
સ્ત્રીઓ પર ડિપ્રેશનનું રિસ્ક બમણું છે એનો અર્થ એવો બિલકુલ જ નથી કે પુરુષો પર આ રિસ્ક નથી. ડિપ્રેશનને એક નબળાઈની જેમ જોવામાં આવે છે અને એટલે જ લોકોને એવું લાગે છે કે પુરુષોને આ રોગ ન થઈ શકે, કારણ કે એવું ધારી લેવામાં આવે છે કે એ શારીરિક રીતે જ નહીં, પરંતુ માનસિક રીતે પણ ખૂબ સ્ટ્રોન્ગ જ હોય છે.
હકીકતમાં આપણે જોયું જ કે સ્ટ્રોન્ગ હોવા બાબતે એને કંઈ લેવાદેવા નથી. પુરુષોને પણ આ રોગ થાય જ છે. હકીકતમાં જોવા જઈએ તો સમાજમાં પુરુષોને જે એક હીરોની છબીમાં ઢાળીને જ જોવામાં આવે છે એને કારણે પુરુષો ડિપ્રેશનના શિકાર હોય તો પણ સામે નથી આવતા. પોતે ઘૂંટાયા કરે છે, પરંતુ સમાજ શું કહેશે એ બીકે બહાર નથી આવતા, જે એક જુદી સમસ્યા છે.
માન્યતા ૫ : જો તમારાં માતા કે પિતાને છે તો તમને પણ ડિપ્રેશન આવશે
હકીકત : ડિપ્રેશન વારસાગત આવી શકે છે, પરંતુ એવું નથી જ કે આવશે જ.
વિજ્ઞાને અત્યાર સુધીમાં એ સાબિત નથી કર્યું કે ડિપ્રેશન એક વારસાગત રોગ છે. વારસાગત રીતે એ આવી શકે છે, પરંતુ આવશે જ એવું ન કહી શકાય. જો તમારા પરિવારમાં ડિપ્રેશન હોય તો તમારા પર એ થવાનું રિસ્ક ૧૦-૧૫ ટકા કદાચ વધી જાય, પરંતુ એવું જરાય નથી કે એ રોગ આવશે જ. આવું માનીને બેસી જઈએ તો ઊલટું વધુ તકલીફો થાય, કારણ કે સાઇકોલોજિકલી તમે એ ડરમાં જ જીવ્યા કરો અને એ ડર તમને બીજા ઘણા પ્રકારની તકલીફો ઊભી કરી શકે.
માન્યતા ૬ : તમે ડિપ્રેશનમાં હો તો જાતપ્રયત્લૃન દ્વારા ઠીક થઈ જવાશે
હકીકત : આ એક રોગ છે જેને પ્રોફેશનલ હેલ્પ એટલે કે ડોક્ટરની જરૂર પડે છે.
આપણને શરદી કે ખાંસી થઈ હોય તો આપણે ડોક્ટરની દવા ન લઈએ તો ચાલે, થોડા દિવસમાં ઇમ્યુનિટી સ્ટ્રોન્ગ હોય તો જાતે ઠીક થઈ શકાય છે, પરંતુ જો તમને કેન્સર હોય તો? ઇલાજ કરાવવો જ પડે છે. જો તમને ડાયાબિટીઝ હોય તો? ઇલાજની જરૂર છે જ. એ જ રીતે ડિપ્રેશનને પણ ઇલાજની જરૂર છે જ. દરદીની પોતાની ઇચ્છાશક્તિ અને પરિવારનો સર્પોટ અત્યંત મહત્વનો છે, પરંતુ આ બધાથી ઉપર મહત્વનો છે એનો ઇલાજ. જરૂરી નથી કે ઍલોપથી ઇલાજ જ કરાવીએ. હોમિયોપથી ઇલાજ પણ કરાવી શકાય, પરંતુ ઇલાજ મહત્વનો છે. જાતે મન મક્કમ કરવાથી દુખ દૂર થાય, ડિપ્રેશન નહીં.