ઇજાગ્રસ્ત સિંહને જખ્મમાં જીવાત પડી જતાં વન વિભાગે બાબરકોટ એનીમલ કેર સેન્ટરમાં ખસેડયો હતો
રાજુલા રેન્જના વાવેરા રાઉન્ડમાં આશરે ર થી ૩ વર્ષનો નર સિંહ ઇન્ફાઇટમાં ઘાયલ થયા બાદ તેને રેસ્કયુ કરી બાબરકોટ એનીમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવ્યો હતો જેનું સારવાર દરમિયાન મોત નિપજયું હતું.
ગીર જંગલમાં પ્રાકૃતિક અવસ્થામાં રહેતા સિંહોમાં જુદા જુદા વિસ્તારો બનાવી પ થી ૬ સિંહણો, બચ્ચાો, એકાદ-બે નાના નર અને એક મુખ્ય નર શિકાર કરી આખા પ્રાઇડનો નિભાવ કરતા હોય છે તેવી સ્થિતિ વચ્ચે આ પ્રાઇડ પર કબ્જો જમાવવા કે વિસ્તાર પર કબ્જો જમાવવા બીજી પ્રાઇડમાંથી બહાર કાઢી મુકાયેલ એક કે વધુ સિંહ અને મુખ્ય પ્રાઇડના સિંહ-સિંહણો વચ્ચે આંતરિક લડાઇ થતી રહેતી હોય છે.
આવી જ લડાઇના એક ભાગરુપે અમરેલી જીલ્લાના રાજુલા રેન્જના વાવેરા રાઉન્ડમાંથી મળેલા ૩ વર્ષના સિંહને ઇન્ફાઇટમાં પાછલા પગે ઇજા થવાથી જખ્મમાં જીવાત પડી જવાથી વન વિભાગે રેસ્કયુ કરી તેને બાબરકોટ એનીમલ કેર સેન્ટર ખાતે ખસેડયો હતો. જયાં તેનું આજે સવારે સારવા દરમિયાન મોત નિપજયું હતું.
મૃત સિંહને પી.એમ. અર્થે ખસેડાયો છે. આ અંગે જાણવા મળતી વિગત મુજબ અગાઉ પણ ઇન ફલાઇટના બહાના તળે ધારી વિસ્તારમાં સિંહોના મોત થયેલા જેને ઇનફાઇટમાં ખપાવી દેવામાં આવેલ છે જેથી આ મુદ્દા પર પણ ખરેખર ઇનફાઇટ છે કે કેમ તેની પણ તપાસ થવી જરુરી છે આ સિંહબાળાનું મોત થતાં આ વિસ્તારમાં અને સમગ્ર અમરેલી જીલ્લામાં જાણે કે સિંહો પર કાલ ઝળુંબી રહ્યો હોય તેવી સ્થિતિ ઉત્પન્ન થયેલ છે.