- પાંચ આરોપીઓને દોષિત ઠેરવી સીબીઆઈ કોર્ટે ત્રણ-ત્રણ વર્ષની સજા અને રૂ. 50 હજારનો દંડ ફટકાર્યો
તેલગી બોગસ સ્ટેમ્પ કૌભાંડમાં સંડોવણી બદલ દોષિત ઠેરવ્યા બાદ સોમવારે સીબીઆઈની એક ખાસ કોર્ટે રાજકોટના ઝાકીર હુશેન સહીત પાંચ આરોપીઓને ત્રણ વર્ષની જેલની સજા ફટકારી છે અને દરેકને 50,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ઉલ્લેખનીય છે કે, આ કેસના મુખ્ય આરોપી અબ્દુલ કરીમ તેલગીનું 2017માં મોત થયું હતું અને અન્ય આઠ આરોપીઓને કોર્ટે અગાઉ સજા ફટકારી હતી.
સમગ્ર મામલામાં 16 આરોપીઓમાંથી બેનું 2004થી ચાલી રહેલી ટ્રાયલ દરમિયાન મૃત્યુ થયું હતું અને પાંચ આરોપીઓએ કોર્ટે સજા ફટકારી હતી.
મહારાષ્ટ્રના તેલગી દ્વારા આચરવામાં આવી રહેલ બોગસ સ્ટેમ્પ કૌભાંડનો ખુલાસો ગુજરાતમાં ત્યારે થયો જ્યારે 2001માં અધિકારીઓએ સુરત અને અમદાવાદમાં સ્ટેમ્પ વિક્રેતાઓ પર દરોડા પાડ્યા હતા. સદગુરુ સર્વિસીસ અને સહાય સર્વિસીસના નામે કાર્યરત બે ઓફિસોમાંથી બોગસ સ્ટેમ્પ મળી આવ્યા હતા. તપાસમાં મહારાષ્ટ્ર, કર્ણાટક અને ગુજરાતના ઘણા અન્ય લોકોની સંડોવણી બહાર આવી હતી. ટ્રાયલ દરમિયાન નવ આરોપીઓએ પોતાનો ગુનો કબૂલ કર્યો હતો, બે મૃત્યુ પામ્યા અને બાકીના પાંચ આરોપીઓમાં અમદાવાદના ફાલ્ગુની પટેલ અને કિશોર પટેલ, કર્ણાટકના પ્રશાંત નિંગપ્પા પાટિલ, મહારાષ્ટ્રના અમઝદ અલી અને રાજકોટના ઝાકીર હુસૈન પર નકલી સરકારી સ્ટેમ્પ, ગુનાહિત કાવતરું, છેતરપિંડી અને બનાવટી દસ્તાવેજ બદલ ટ્રાયલ શરૂ કરવામાં આવી હતી.
સજાનું એલાન કરતી વેળાએ સીબીઆઈ કોર્ટનાં મેજિસ્ટ્રેટ એન.એન. પઠારે જણાવ્યું હતું કે, કાયદાની જોગવાઈઓ, કેસના સંજોગો, આરોપીઓની ઉંમર અને તેમની કૌટુંબિક જવાબદારીઓને ધ્યાનમાં રાખીને, કાયદામાં નિર્ધારિત કરતાં ઓછી સજા આપવાના કારણો છે. વધુમાં આ કેસમાં મુખ્ય આરોપીએ પોતાનો ગુનો કબૂલ્યો હતો અને તેને સજા આપવાનો આદેશ અગાઉ પસાર કરવામાં આવ્યો હતો, જ્યારે હાલના આરોપીઓ 20 વર્ષ સુધી ટ્રાયલનો સામનો કરી ચૂક્યા છે. ઓક્ટોબર 2008માં, તેલગીને ગુજરાતમાં 8.50 કરોડ રૂપિયાના કૌભાંડના સંદર્ભમાં અહીંની સીબીઆઈ કોર્ટમાં લાવવામાં આવ્યો હતો. તેણે પોતાનો ગુનો કબૂલ કર્યો હતો અને કોર્ટે માર્ચ 2009 માં તેને સાત વર્ષની કેદનો આદેશ આપ્યો હતો. ઓક્ટોબર 2017 માં તેનું અવસાન થયું.