- કેન્દ્રીય આરોગ્ય-પરિવાર કલ્યાણ મંત્રી જે.પી. નડ્ડાએ 100 દિવસ સઘન ટી.બી. નિર્મૂલન ઝુંબેશ અંતર્ગત દેશના રાજ્યોમાં થયેલી કામગીરીની વિડીયો કોન્ફેરન્સથી સમીક્ષા કરી
- 7 થી 19 ડિસેમ્બર દરમિયાન ઝુંબેશ અન્વયે ગુજરાતમાં
- 16 જિલ્લા અને ચાર મહાનગરપાલિકા વિસ્તારોમાં ત્રણ 33.92 લાખ હાઈરીસ્ક વસ્તીનું મેપિંગ અને 4.42 લાખ ટી.બી. સ્ક્રિનિંગ થયું
- રાજ્યમાં 10 હજારથી વધુ નિક્ષય મિત્રો દ્વારા 3.21 લાખ પોષણ કિટ આપવામાં આવી
- 34 હજાર થી વધુ એક્સ-રે તપાસ અને નિક્ષય શિબીરોનું આયોજન થયું
- રાજ્યમાં એક પણ દર્દી નિક્ષય મિત્ર સાથે જોડાવાથી વંચિત ન રહે તે સુનિશ્ચિત કરવાની નેમ છે
ભારતને 2025 સુધીમાં ટી.બી. મુક્ત બનાવવાના PM નરેન્દ્ર મોદીએ કરેલા નિર્ધારને સાકાર કરવા ગુજરાત ટાર્ગેટેડ એપ્રોચની પ્રતિબદ્ધતા સાથે આગળ વધ્યું છે તેમ CM ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું હતું. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ “100 દિવસ સઘન ટી.બી. નિર્મૂલન ઝુંબેશ” અંતર્ગત દેશના રાજ્યોમાં થયેલી કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા માટે યોજેલી વિડિયો કોન્ફરન્સમાં CM ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરથી સહભાગી થયા હતા.
આ વિડીયો કોન્ફરન્સમાં દેશના રાજ્યોના CM ઓ તથા આરોગ્ય મંત્રીશ્રીઓએ જોડાઈને પોતાના રાજ્યોમાં હાથ ધરાઈ રહેલી કાર્યવાહીથી કેન્દ્રીય મંત્રીને માહિતગાર કર્યા હતા. કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં તા. 7 ડિસેમ્બર 2024થી આ ઝુંબેશનો પ્રારંભ થયો છે. CM ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં 16 જિલ્લા અને 4 મહાનગરપાલિકા વિસ્તારનો આ ઝુંબેશમાં સમાવેશ કરવામાં આવેલો છે તેની ભૂમિકા આપી હતી.
તેમણે કહ્યું કે, આ ઝુંબેશ અંતર્ગત 33.92 લાખ જેટલી હાઈ રિસ્ક વસ્તીનું મેપિંગ અને 4.42 લાખનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું છે આ ઉપરાંત 34 હજારથી વધુ એક્સ-રે તપાસ પણ કરવામાં આવેલી છે. કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાએલી આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ ટી.બી.ના નવા કેસ ઝડપથી શોધવા તથા નવા તમામ કેસોને સારવાર પર મૂકી મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો લાવવાનો છે.
સ્ક્રિનિંગ દરમિયાન શોધાયેલા દર્દીઓને સારવાર, નિક્ષય પોષણ યોજનાનો લાભ આપવો તેમજ નિક્ષય મિત્ર દ્વારા દત્તક લઈને પોષણ કીટ અપાવવી અને ટી.બી.નો ચેપ ધરાવતા વ્યક્તિઓને પ્રિવેન્ટીવ ટ્રીટમેન્ટ વગેરે જેવી કામગીરી રાજ્યમાં હાથ ધરવામાં આવી છે તેની પણ CM શ્રીએ આ બેઠકમાં વિગતો પૂરી પાડી હતી.
CM ભૂપેન્દ્ર પટેલે એમ પણ જણાવ્યું કેમ, રાજ્યમાં એક પણ દર્દી નિક્ષય મિત્ર સાથે જોડાવાથી વંચિત ન રહે તે સરકાર સુનિશ્ચિત કરશે આ હેતુસર NGO, પ્રતિષ્ઠિત ઉદ્યોગો, સમાજસેવી અગ્રણીઓને પણ નિક્ષય પોષણ કીટ વિતરણમાં જોડવાની નેમ તેમણે દર્શાવી હતી. રાજ્યમાં 2,706 જેટલી નિક્ષય શિબીરો યોજવામાં આવી છે તથા કુલ 10,132 નિક્ષય મિત્રો દ્વારા 3 લાખ 21 હજાર પોષણ કિટ આપવામાં આવી છે તેમ પણ તેમણે જણાવ્યું હતું. ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, ગોવા સહિતના રાજ્યોના CM ઓએ પોતાના રાજ્યોમાં ટી.બી. નિર્મૂલન ઝૂંબેશની થયેલી કામગીરીનું વિવરણ કર્યુ હતું.
ગાંધીનગરથી આ સમીક્ષા બેઠકમાં CM સાથે આરોગ્ય અગ્રસચિવ શ્રી ધનંજય દ્વિવેદી, CM ના સચિવ અવંતિકા સિંઘ, આરોગ્ય કમિશનર હર્ષદ પટેલ અને NHRMના મિશન ડિરેક્ટર રેમ્યા મોહન પણ જોડાયા હતા.