ફરી એક વખત કલેકટર કચેરીમાં વાલીઓની રજુઆત: તમામ શાળાઓમાં જરૂરી તપાસ કરી યોગ્ય કાર્યવાહીની ખાતરી
રાજકોટના જ‚રીયાતમંદ પરિવારોના બાળકોને આરટીઈ હેઠળ શાળામાં પ્રવેશ ન મળતા છેલ્લા એક મહિનાથી સતત રજુઆતો કરવામાં આવી રહી છે. આટઆટલી રજુઆતો છતાં પણ તંત્ર દ્વારા આ પ્રશ્ર્નનો કોઈ પણ ઉકેલ લાવવામાં આવતો ન હોવાથી વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. જયારે કોંગ્રેસની આગેવાનીમાં આજે ફરી એક વખત કલેકટર કચેરીએ વાલીઓ રજુઆત કરવા માટે આવી પહોંચ્યા હતા. જેમાં રાજકોટની તમામ સ્કૂલોમાં શિક્ષણ તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે અને જે કોઈ સ્કૂલોએ ગેરરીતિ આચરી હશે તેની સામે પગલા લેવામાં આવે તેમ કહેવામાં આવ્યું હતું.
નાયબ કલેકટર હર્ષદ વોરાને રજુઆત કરવા પહોંચેલા કોંગ્રેસી આગેવાનો અને વાલીઓ દ્વારા ઓફિસમાં જ સુત્રોચ્ચારો કરવામાં આવ્યા હતા અને જયાં સુધી કોઈ યોગ્ય જવાબ મળે નહીં ત્યાં સુધી ઓફિસમાંથી બહાર ન જવાની ચિમકી આપી હતી. આ ચીમકીના પગલે તાકીદે ડીઈઓને કલેકટર કચેરીએ બોલાવવામાં આવ્યા હતા. જેમાં વાલીઓએ ડીઈઓ સામે પ્રશ્ર્નનો મારો ચલાવ્યો હતો. આ બેઠકમાં ડીઈઓએ કહ્યું હતું કે તમામ શાળાઓમાં કેટલા પ્રવેશ થયા છે તે બાબતે તપાસ કરવામાં આવી રહી છે. તેમજ કુલ ૪૮૦૦ જગ્યામાંથી ૩૦૦૦ જેટલા પ્રવેશ થયા છે. જયારે બાકી રહેલા પ્રવેશ અંગે ૩૦ તારીખની સમયમર્યાદા આપવામાં આવી હતી. જે પૂર્ણ થતા હવે બાકી રહેલા પ્રવેશ અંગે નિર્ણય કરવામાં આવશે તેવું પણ જણાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત અાગામી દિવસોમાં દરેક શાળાઓમાં આરટીઈ હેઠળ કેટલાક પ્રવેશ આપવામાં આવ્યા છે તે અંગે પણ રીપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે તેવુ ડીઈઓ દ્વારા કહેવામાં આવ્યું હતું.
આ દરમિયાન કોંગ્રેસ અને વાલીઓએ ચિમકી આપી હતી કે જો તંત્ર બાળકોને આરટીઈ હેઠળ પ્રવેશ અપાવવા માટે ગંભીરતાપૂર્વક વિચારણા નહીં કરે તો તેઓ દરેક સ્કુલોએ જઈને દરોડા પાડશે અને દુધનું દુધ અને પાણીનું પાણી કરવાનો તમામ પ્રયાસ કરવામાં આવશે. અા ઉપરાંત જ‚ર પડયે ગાંધીનગર સુધી પણ રજુઆતો કરવાની તૈયારી બતાવવી હતી. છેલ્લા લાંબા સમયથી આરટીઈ હેઠળ પ્રવેશ ન મળતા વાલીઓ બાળકોની ચિંતા કરી રહ્યા છે તો બીજી તરફ દરેક રજુઆતો બાદ માત્ર આશ્ર્વાસનો જ મળી રહ્યા હોવાથી વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.