રાજકોટ તાલુકાના હિરાસર નજીક નવા એરપોર્ટની ફિઝિબિલીટી રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ એન્વાયરમેન્ટલ ડિપાર્ટમેન્ટના મંજૂરીના રિપોર્ટની તંત્ર રાહ જોઇ રહ્યું છે ત્યારે બીજીબાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના હસ્તે એરપોર્ટનું ખાતમુહૂર્ત થાય તે માટે ચક્રો ગતિમાન કરાયા છે. જો કે પી.એમ. કાર્યાલય તરફથી હજુ સુધી લીલીઝંડી મળી નથી પરંતુ રાજ્ય સરકાર દ્વારા ઘણા સમય પૂર્વે વડાપ્રધાનનો સમય માગવામાં આવ્યો છે અને હાલમાં વડાપ્રધાન મોદી અમદાવાદ છે ત્યારે નવા એરપોર્ટના ખાતમુહૂર્તનો કાર્યક્રમ નક્કી થઇ જાય તેવી સંભાવના વ્યક્ત થઇ રહી છે.
રાજકોટ-અમદાવાદ હાઇવે પર હિરાસર નજીક નવા એરપોર્ટ બનાવવાનો નિર્ણય થઇ ગયો છે અને હવે તેના ખાતમુહૂર્તના કાર્યક્રમની વાટ જોવાઇ રહી છે. લોકસભામાં રાજકોટના નવા એરપોર્ટની એવિએશન વિભાગના કેન્દ્રીય મંત્રીએ જાહેરાત કર્યા બાદ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ડિરેક્ટર અને જનરલ મેનેજર રાજકોટની મુલાકાતે આવ્યા હતા અને બન્ને અધિકારીઓએ ઇન્ફ્રાસ્ટ્રકચરના અલગ-અલગ વિકલ્પો ચકાસ્યા હતા જેમાં હાઇ-વે પરથી કયાં રસ્તે એન્ટ્રી આપી શકાય, રન-વે સિવાય એરપોર્ટ પર પ્લેન પાર્ક કરવાની જગ્યા કયાં રાખવી, કેટલા પ્લેન માટેની જગ્યા રાખવી, ટેક્સી રૂટ કેટલો રાખવો, પેસેન્જર ડોમના વિકલ્પો ચકાસાયા અને તેમાં વેઇટિંગ લોન્જ, ફૂડ લોન્જ સહિતની સુવિધાઓ કયાં ઉપલબ્ધ કરવી, ગાર્ડનિંગ, પાર્કિંગની સુવિધાઓ, પીકઅપ એન્ડ ડ્રોપની ફેસિલિટી સહિતની સુવિધાઓ ચકાસી હતી.તમામ ચકાસણીમાં હિરાસર એરપોર્ટની જગ્યા યોગ્ય ઠરી છે અને એરપોર્ટની ફિઝિબિલીટી રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ હવે ખાતમુહૂર્ત માટે વડાપ્રધાન કઇ તારીખે આવે તેની રાહ જોવાઇ રહી છે. વડાપ્રધાન બીજી ઓક્ટોબરે પોરબંદરની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે નવા એરપોર્ટના ખાતુમુહૂર્ત કરે તેવી શક્યતા સૂત્રોએ વ્યક્ત કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે નવા એરપોર્ટ માટે કુલ 2500 એકર જગ્યા ફાળવવામાં આવી છે જેમાં પ્રાઇવેટ જગ્યા માટે 87 એકર જેટલી લેવામાં આવી છે જ્યારે બાકીની જગ્યા સરકારી છે.