૩૦થી વધુ ગુનામાં સંડોવાયેલા ઇભલો જામીન પર છુટી વેપારીઓ પાસેથી ખંડણી પડાવવાનું ફરી શરૂ કર્યુ
હિન્દી ફિલ્મના વિલનની જેમ સાગરીતોને મોકલી મોબાઇલમાં વાત કરાવી હપ્તા માટે વેપારીઓને ધમકાવ્યા
જુના મોરબી રોડ પર ચામડીયા ખાટકીવાસના નામચીન ઇભલાએ જેલમાંથી છુટી હિન્દી ફિલ્મના વિલનની જેમ વેપારીઓને ધાક ધમકી દઇ હપ્તા વસુલ કરવાનું ફરી શરૂ કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. પારેવડી ચોકના કારપેન્ટર ટુલ્સની ફેકટરી ધરાવતા જૈન વેપારી અગ્રણીની ઓફિસમાં ચાર થી પાંચ જેટલા શખ્સો ઘુસી ઇભલા સાથે મોબાઇલમાં વાત કરાવી ગોડાઉન પડાવવા ધમકી દીધાની બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મારામારી અને ખંડણી પડાવવાના અનેક ગુનામાં સંડોવાયેલા નામચીન ઇભલો ઉર્ફે ઇબ્રાહીમ કરીમ નામના શખ્સ અને તેના સાગરીતો સલીમ ઉર્ફે સલીયો કરીમ, હમીદ જીકા પરમાર, સાહિદ ગુલાબ ઘાચી અને મહેબુબ ઉર્ફે મેબલો કરીમ સામે કરણપરામાં રહેતા કૌશલભાઇ જસવંતભાઇ વણિક વેપારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
વેપારી એસોસિએશન અને ચેમ્બર ઓફ કોમર્સ સાથે જોડાયેલા કૌશલભાઇ પારેવડી ચોક પાસે લાતી પ્લોટ શેરી નંબર ૧૦માં પોતાની ઓફિસે હતા ત્યારે સલીમ ઉર્ફે સલીયો કરીમ, હમીદ જીકા પરમાર, સાહિલ ગુલાબ ઘાચી અને મહેબુબ ઉર્ફે મેબલો કરીમ નામના શખ્સો ઘસી આવ્યા હતા અને કૌશલભાઇને ઇભલા સાથે મોબાઇલમાં વાત કરાવી હતી. નામચીન ઇભલાએ લાતી પ્લોટ શેરી નંબર ૧૧માં આવેલા ગોડાઉન આપી દેવાનું જણાવી ખૂનની ધમકી દીધા બાદ તેના સાગરીતો ઓફિસમાંથી ભાગી ગયા હતા. કૌશલભાઇએ ઇભલાના સાગરીતો ઓફિસમાં ઘુસી ઇભલા સાથે ફોનમાં વાત કરાવી ગોડાઉન પડાવી લેવા ધમકી દીધાનું ફરિયાદમાં જણાવ્યું છે.
નામચીન ઇભલા સામે અગાઉ ખંડણી પડાવવાના અને મારામારીના અનેક ગુના નોંધાયા છે. તેની સામે ફરિયાદ નોંધાવે તેઓ પર હુમલો કરવાની ટેવ હોવાથી ઇભલા સામે ફરિયાદ નોંધાવતા વેપારીઓ ડરીને હપ્તો આપતા હોવાનું કૌશલભાઇએ જણાવ્યું હતું.બી ડિવિઝનના પી.એસ.આઇ. એમ.એફ.ડામોર સહિતના સ્ટાફે ઇભલા અને તેના સાગરીતો સામે ગુનો નોંધી શોધખોળ હાથધરી છે.