કેન્દ્રીય ગૃહમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહ અમદાવાદ આવી પહોંચ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ જનમાર્ગ લિ. દ્વારા ગ્રીન અને ક્લિન જાહેર પરિવહન પૂરૂં પાડવાના પ્રયાસરૂપે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી રૂપાણી 8 ઈલેક્ટ્રિક બસોનું લોકોર્પણ કર્યું હતું.
લોકાર્પણ થતાં શહેરમાં 18 ઈલેક્ટ્રિક બસો દોડાવાશે. જ્યારે આગામી બે મહિનામાં બાકીની 32 બસો આવશે. વિજય રૂપાણી અને શાહે ત્યાં વૃક્ષારોપણ કર્યું હતું. શાહ પીડીપીયુના પદવીદાન સમારોહ , સાયન્સ સીટીમાં વૃક્ષારોપણ સહિતના વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે. ગાંધીનગરમાં સર્કિટહાઉસમાં મળનારી બેઠકમાં પણ ઉપસ્થિત રહેશે.
ગાંધીનગરમાં રાયસણ સ્થિતિ પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીનો આજે પદવીદાન સમારોહ છે. જેમાં સંસ્થાના પ્રેસિડેન્ટ મુકેશ અંબાણી તથા મુખ્ય મહેમાન પદે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહેશે. ત્યારે મહાનુભાવોની સુરક્ષામાં ક્યાય કાચું ન કપાય તે માટે જિલ્લા પોલીસ દ્વારા 550 થી વધુ જવાનો-અધિકારીઓનો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
કેન્દ્ર અને ગુજરાત સરકાર મળેલા નિર્દેશ મુજબ , કુલ 50 ઈલેક્ટ્રિક બસોને ગ્રોસ કોસ્ટ મોડલ પર લેવામાં આવશે. આ તમામ બસો 50 મુસાફરોની ક્ષમતા વાળી એસી બસો છે. આ બસોને કારણે વાયુ અને ધ્વનિ પ્રદૂષણ ફેલાતું પણ અટકશે. આ બોસમાં સુરક્ષા માટે ઓટોમેટિક ફાયર ડિટેક્શન એન્ડ સપ્રેશન સિસ્ટમ પણ લાગેલી હશે. જેથી બેટરીમાં આગ લાગવાના કારણે થતી દુર્ઘટના અટકાવી શકાશે. તેમજ ઓટોમેટિક ડોર સેન્સરને કારણે બસના દરવાજા ખુલ્લા હોવાની સ્થિતિમાં બસ ચાલી શકશે નહીં.