ગુજરાતી ફિલ્મોની ગુણવત્તા ઊંચી લાવવા માટે ગુજરાત સરકારે 2 ફેબ્રુઆરી, 2016ના રોજ ગુજરાતી ફિલ્મોને અપાતી સબસિડીની નવી પોલિસી બહાર પાડી હતી,જે મુજબ એ ગ્રેડ મેળવનાર ગુજરાતી ફિલ્મને સૌથી વધુ ૫૦ લાખ રૃપિયા મળતા હતા, પણ હવે તેમાં એ+ ગ્રેડ ઉમેર્યો છે અને એ+ ગ્રેડ મેળવનાર ફિલ્મને સૌથી વધુ ૭૫ લાખ રૃપિયા સબસિડી પેટે મળશે.જ્યારે મિનિમમ સબસિડીની રકમ પહેલાં પણ ૫ લાખ હતી અને નવી પોલિસીમાં પણ ૫ લાખ છે, પરંતુ પહેલાં ૧૦૦માંથી ઓછામાં ઓછા ૪૧ માર્ક્સ મેળવે તો ૫ લાખ મળતા હતા, જેને બદલે હવે ૨૧ માર્ક્સ મેળવશે તો પણ તે ફિલ્મ ૫ લાખ મેળવવાને પાત્ર બની જશે.
૨૦૧૬માં જાહેર કરાયેલી ગુજરાતી ફિલ્મની નવી પોલિસીમાં A ગ્રેડ મેળવનાર ફિલ્મને ૫૦ લાખ સરકાર તરફથી સબસિડી પેટે આપવામાં આવતા હતા. B ગ્રેડ મેળવનાર ફિલ્મને ૨૫ લાખ, C ગ્રેડ મેળવનારને ૧૦ લાખ અને D ગ્રેડમાં આવતી ફિલ્મને ૫ લાખ આપવામાં આવતા હતા. જ્યારે હવે A+ ગ્રેડ માટે ૭૫ લાખ, A ગ્રેડ ૫૦ લાખ, B ગ્રેડ ૪૦ લાખ, C ગ્રેડ ૩૦ લાખ, D ગ્રેડ ૨૦ લાખ, E ગ્રેડ ૧૦ લાખ અને F ગ્રેડની ફિલ્મને ૫ લાખ સબસિડી આપવામાં આવશે. ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે ગુજરાતી ફિલ્મો માટે વિવિધ કેટેગરીમાં એવોર્ડ જાહેર કરવામાં આવે છે. જે મુજબ હવેથી શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મના નિર્માતા-દિગ્દર્શક બંનેને અઢી-અઢી લાખ રૃપિયા રોકડ પુરસ્કાર મળશે. તેવી જ રીતે દ્રિતિય શ્રેષ્ઠ ફિલ્મના નિર્માતા-દિગ્દર્શક બંનેને સવા-સવા લાખ રૃપિયા મળશે.
તેવી જ રીતે શ્રેષ્ઠ અભિનેતા-અભિનેત્રીને બંનેને ૭૫ હજાર પુરસ્કાર મળશે. ઉપરાંત ગુજરાતી સાહિત્ય પરની શ્રેષ્ઠ ફિલ્મ, મહિલા સશક્તિકરણની શ્રેષ્ઠ ફિલ્મ, શ્રેષ્ઠ બાળ ફિલ્મ તમામને મળવાપાત્ર સબસિડી ઉપરાંત અઢી-અઢી લાખ રૂપિયા પુરસ્કાર પેટે આપવામાં આવશે.