જરૂરિયાત શુ ન કરાવે!!
બીઆરઆઈ પ્રોજેક્ટ માટે અફઘાન અને પાક.ની લીલીઝંડી મળ્યા બાદ હવે ઈરાન અને તુર્કી સુધી વિસ્તારવાની ચીનની ચાલ
અફઘાનિસ્તાનની સત્તા તાલિબાનના હાથમાં છે જેને કોઈ પણ દેશ ‘સરકાર’ તરીકે ઓળખતો નથી. પરંતુ ચીન અને પાકિસ્તાન શરૂઆતથી જ અફઘાનિસ્તાનમાં રસ દાખવી રહ્યાં છે. હવે એવા અહેવાલ છે કે તાલિબાન ચીન અને પાકિસ્તાન સાથે અફઘાનિસ્તાનમાં બેલ્ટ એન્ડ રોડ પહેલને વિસ્તારવા માટે સંમત થયા છે. તાલિબાન દ્વારા મુશ્કેલીગ્રસ્ત દેશમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ફંડ આપવા માટે અબજો ડોલરનું રોકાણ કરવામાં આવે તેવી શક્યતા છે. ચીન પહેલાથી જ તેના બીઆરઆઈ પ્રોજેક્ટને પાકિસ્તાનથી આગળ ઈરાન અને તુર્કી સુધી વિસ્તારવા માંગે છે.
ચીનના વિદેશ પ્રધાન કિન ગેંગ અને તેમના સમકક્ષ બિલાવલ ભુટ્ટો ઝરદારીએ શનિવારે ઈસ્લામાબાદમાં મુલાકાત કરી હતી. બંનેએ અફઘાનિસ્તાનના પુનઃનિર્માણ અને 60 બિલિયન ડોલરના ચાઇના-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોરને પડોશી અફઘાનિસ્તાન સુધી વિસ્તારવા પર સાથે મળીને કામ કરવાનો સંકલ્પ કર્યો. બેઠક બાદ, પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે એક સંયુક્ત નિવેદન જારી કરીને કહ્યું કે, “બંને પક્ષો અફઘાન લોકો માટે તેમની માનવતાવાદી અને આર્થિક સહાય ચાલુ રાખવા અને અફઘાનિસ્તાનમાં સીપીઇસીનો વિસ્તાર કરવા સંમત થયા છે.”
ચીન અને પાકિસ્તાનના અધિકારીઓએ લગભગ એક દાયકા પહેલા શરૂ થયેલા બીઆરઆઈ હેઠળ બનેલા સીપીઇસી પ્રોજેક્ટને અફઘાનિસ્તાન સુધી વિસ્તારવા અંગે ચર્ચા કરી છે. રોકડની તંગીવાળા તાલિબાને પણ પ્રોજેક્ટમાં ભાગ લેવાની અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે રોકાણ મેળવવાની ઈચ્છા દર્શાવી છે. તાલિબાન સરકારમાં વિદેશ મંત્રી અમીર ખાન મુત્તાકી પણ ઈસ્લામાબાદમાં તેમના ચીની અને પાકિસ્તાની સમકક્ષોને મળ્યા હતા અને સમજૂતી પર પહોંચી ગયા હતા. તેમના નાયબ પ્રવક્તા હાફિઝ ઝિયા અહેમદે આ વાતની પુષ્ટિ કરી છે
તાલિબાને પણ ચીન પાસેથી દેશના સમૃદ્ધ સંસાધનોમાં રોકાણ વધારવાની આશા વ્યક્ત કરી છે, જેનો અંદાજ 1 ટ્રિલિયન ડોલર છે. તાલિબાન સરકારે જાન્યુઆરીમાં ઉત્તરી અમુ દરિયા બેસિનમાંથી તેલ કાઢવા માટે ચાઇના નેશનલ પેટ્રોલિયમ કોર્પોરેશનની પેટાકંપની સાથે તેના પ્રથમ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. ચીન અને પાકિસ્તાનના મંત્રીઓએ પણ અફઘાનિસ્તાનની વિદેશી નાણાકીય સંપત્તિને ફ્રીઝ કરવા પર ભાર મૂક્યો છે. તાલિબાન સાથે સારા સંબંધો માટે દબાણ કરનારા દેશોમાં ચીન, રશિયા અને ઈરાનનો સમાવેશ થાય છે. ઔપચારિક માન્યતા ન આપવા છતાં, તેઓએ તાલિબાનને કરોડોની સહાય પૂરી પાડી છે.