સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પરીક્ષા માટે સિન્ડિકેટ કમીટીની બેઠક મળી
સ્થાનિક ઓબઝર્વરની નિમણુંક: સૌથી ઓછા અને સૌથી વધુ માર્ક મેળવતાં વિધાર્થીઓના પેપર ફરી વખત ચેક થશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પરીક્ષા માટે બપોરે સિન્ડિકેટ કમીટીની બેઠક મળી હતી. જેમાં પરીક્ષા ચોરી અટકાવવા ઉપરાંત પેપર ચેકીંગમાં છબરડા ન થાય તે માટે મોડરેશન સિસ્ટમ દાખલ કરવાની યોજના ઘડાઈ છે.કાર્યકારી કુલપતિ ડો.નિલાંબારીબેન દવેએ અબતક સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે , યુનિવર્સિટીમાં દર વર્ષે ૧૩૧ જેટલી પરીક્ષા લેવાય છે
દરમિયાન તાજેતરમાં એક્ઝામીનેશન ડિસિપ્લીનરી કમીટી સમક્ષ ૨ વિધાર્થીઓ ઉત્તરવહી ઘરે લઈ ગયાની વિગત સામે આવી હતી જેથી હવે તમામ કોલેજોને પરીક્ષા દરમિયાન વધેલી ઉત્તરવહી પરત આપવાનો આદેશ અપાશે.પરીક્ષા ચોરી અટકાવવાની સાથે પેપર ચેકિંગ અને પૂન:મૂલ્યાંકનમાં ધર મૂળથી ફેરફાર કરવા માટે આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
જેમાં નિરિક્ષકોને ફરજીયાત પેપર ચેકિંગ કરવા હાજર રહેવું પડશે અને નિરીક્ષકોની ઉપર મોડરેટર મુકવામાં આવશે. જેમાં સૌથી વધુ અને સૌથી ઓછા માર્કસ મેળવતા વિદ્યાર્થીઓનું પેપર ફરી વખત તપાસવામાં આવશે. સાથે જ નિરિક્ષકોએ ચકાસેલ તમામ પેપરમાંથી રેંડમલી ૧૦ પેપર મોડરેટર ચકાસશે.પેપર ચેકીંગ કરતા નિરિક્ષકોનું મહેનતાણું વધારવા માટેની પણ વિચારણા ચાલી રહી છે . જેમાં એક પેપર ચકાસવાના નિરિક્ષકોને મળતાં રૂ ૬ માં વધારો કરી રૂ ૧૦ કરવામાં આવે તેવી વિચારણા પણ હાલ ચાલી રહી છે.