નવરાત્રી અને દિવાળીના તહેવાર પહેલા પેવર એકશન પ્લાનનું કામ પૂર્ણ કરવા સુચના.
ચાલુ સાલ ચોમાસાની સીઝનમાં અપુરતા વરસાદમાં પણ શહેરના રસ્તાઓની હાલત મગરની પીઠ જેવી થઈ ગઈ છે. ખાસ કરીને ન્યુ રાજકોટના રસ્તાઓ અતિ બિસ્માર થઈ ગયા હોય. અહીં તાકીદે પેવર એકશન પ્લાન હેઠળ ડામર રી-કાર્પેટ અને પેચવર્કના કામ પૂર્ણ કરવા બાંધકામ સમીતીના ચેરમેન મનિષભાઈ રાડીયાએ તમામ વોર્ડના કાર્યપાલક ઈજનેરને કડક ભાષામાં તાકીદ કરી છે.
બાંધકામ સમીતીના ચેરમેન મનિષભાઈ રાડીયાએ જણાવ્યું હતું કે, ચોમાસાની સીઝન પૂર્ણ થઈ છે ત્યારે દિવાળી પહેલા રસ્તા મરામતના કામ હાથ પર લેવામાં આવશે. વેસ્ટ ઝોનના અલગ અલગ રસ્તાઓમાં પેવર કામ, ડામર રી-પાર્કેટ અને પેચવર્કના કામો ઝડપથી પૂર્ણ કરવા સિટી એન્જીનીયરની સાથેની મીટીંગમાં તાકીદ કરવામાં આવી છે. વોર્ડ નં.૧માં ૮૬ લાખ, વોર્ડ નં.૮માં ૨૦૦ લાખ, વોર્ડ નં.૯માં ૧૦૦ લાખ, વોર્ડ નં.૧૦માં ૬૨ લાખ, વોર્ડ નં.૧૧માં ૧૫૦ લાખ અને વોર્ડ નં.૧૨માં ૧૪૦ લાખ એમ કુલ મળીને ૭૫૦ લાખનો પેવર એકશન પ્લાનના કામ વેસ્ટ ઝોનમાં આવતા હોય તેમાં મંજૂર કરવામાં આવ્યા છે. જેમાં અંદાજે ૮૦ ટકા જેટલી કામગીરી પૂર્ણ થવા પામી છે.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, નવરાત્રી તથા દિવાળી જેવા મોટા પર્વ નજીક આવી રહ્યાં છે ત્યારે તમામ વોર્ડના નાયબ કાર્યપાલક ઈજનેરોને દરેક વિસ્તારની સ્થળ મુલાકાત લઈ રસ્તાઓના પેવર કામ, ડામર રી-કાર્પેટ, મેટલીંગ કામ તથા પેચવર્કના કામ પૂર્ણ કરવા માટે તાકીદ કરવામાં આવી છે. કોર્પોરેશન દ્વારા હાલ શહેરમાં પેચવર્કના કામો શરૂ કરી દેવામાં આવ્યા છે.