૧૮૨ ધારાસભ્યોને પદ અને ગોપનિયતાના શપથ લેવડાવાયા
આજથી વિધાનસભા સત્ર શ‚ થઈ ગયું છે. વિપક્ષનું પદ સંભાળતા પહેલા પરેશ ધાનાણીએ ‘પુજા’ કરી હતી. ‘પદ્માવત’ ફિલ્મના વિરોધ વચ્ચે ૧૪મી વિધાનસભામાં ચુંટાયેલા ૧૮૨ ધારાસભયોની શપથવિધિમાં કોઈ ખલેલ ન પહોંચે એટલા માટે સચિવાલય સંકુલમાં જડબેસલાક પોલીસ બંદોબસ્ત ખડકાયો છે.
સ્વર્ણિમ સંકુલ-૧ના સાબરમતી ખંડમાં ટુંકી મુદત માટે જાહેર વિધાનસભા ખંડમાં પદ અને ગોપનિયતાની સોગંદવિધિ રાજયપાલ દ્વારા સંપન્ન કરાવાઈ હતી. ત્યારબાદ સાબરમતી ખંડમાં ધારાસભ્યોને બેઠકના ક્રમાનુસાર સોગંદ લેવડાવાયા હતા. અહીં ખાસ ઉલ્લેખનીય છે કે, ફિલ્મ ‘પદ્માવત’ સામેનો વિરોધ વંટોળ ચરમસીમાએ છે.
ત્યારે સચિવાલય સંકુલમાં પોલીસની ઐતિહાસિક ઘેરાબંધી ગોઠવાઈ હતી.
પોલીસ સુત્રો અને સચિવાલય સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ એક ધારાસભ્ય (એમ.એલ.એ.)ની સુરક્ષા માટે ચાર ખાખીધારી પોલીસ તૈનાત કરાયા હતા.
અપક્ષ ભુપેન્દ્રભાઈ ખાંટે પણ શપથ લીધા
મોરવાહડની એસ.ટી. બેઠકથી અપક્ષ ધારાસભ્ય ભુપેન્દ્રભાઈ ખાંટના પિતા ઓબીસી ન હોવાનું કારણ આગળ કરી આદિ જાતી કમિશનરે તેમનું જાતીનું પ્રમાણપત્ર રદ કર્યું હતું. જોકે ચુંટણીપંચે તેમને ધારાસભ્ય પદેથી ગેરલાયક ઠેરવ્યા નથી. આ વિષય અત્યારે હાલ તુરંત હાઈકોર્ટમાં ન્યાયાધીન છે. આ તબકકે ભુપેન્દ્રભાઈ ખાંટ ધારાસભ્ય તરીકે શપથ લઈ શકે તેમ હોવાથી વિધાનસભા સચિવાલય તરફથી તેમને આમંત્રણ મોકલાયું હતું.
અત્રે નોંધનીય છે કે, ખાંટના માતા સવિતાબેન આદિવાસી હતા. વર્ષ ૨૦૧૨ની ચૂંટણીમાં સવિતાબેન મોરવાહડફથી વિજયી જાહેર થયા બાદ મૃત્યુ પામ્યા હતા.