સોફટવેરમાં ખામીના કારણે છેલ્લા ચાર મહિનામાં માત્ર ૩૦૩ પ્લાનને જ મંજૂરી મળી
બાંધકામથી ઓનલાઈન પરમીટમાં ટેકનીકલ ક્ષતિના કારણે રિયાલીટી સેકટરનો વિકાસ રૂધાઈ રહ્યો છે. રાજય સરકારે બાંધકામ ક્ષેત્રને બુસ્ટર ડોઝ આપવા માટે ઓનલાઈન પરમીશનની પ્રથા શરૂ કરી હતી. પરંતુ સોફટવેરમાં ભુલના કારણે અનેક પ્રોજેકટ ખોરંભે ચડયા છે.
ઓનલાઈન ડેવલોપમેન્ટ પરમીશન સીસ્ટમ અમલમાં આવ્યા બાદ અત્યાર સુધીમાં માત્ર ૨૧ ટકા જ બિલ્ડીંગ પ્લાનને મંજૂરી આપવામાં આવી છે. અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતમાંથી કુલ ૧૪૩૩ અરજીઓ આવી હતી. જેમાંથી માત્ર ૩૦૩ પ્રોજેકટને જ છેલ્લા ચાર મહિનામાં મંજૂરી આપવામાં આવી હોવાનું ડેટા પરથી ફલીત થઈ રહ્યું છે.
અત્યાર સુધી અમદાવાદમાં દર મહિને મેન્યુઅલ સ્ક્રુટીના માધ્યમથી ૨૧૫ પ્લાન પાસ થતા હતા. જયારે ઓનલાઈન પધ્ધતિ દાખલ થયા બાદ હવે માત્ર ૨૦થી પણ ઓછા પ્લાન પાસ થયા છે. અમદાવાદમાંથી ૩૩૭ અરજીઓ કરવામાં આવી હતી. જેમાંથી માત્ર ૭૫ પ્લાનને જ મંજૂરી આપવામાં આવી છે.
બરોડા, રાજકોટ અને સુરતની સ્થિતિ પણ આ પ્રકારે જ છે. સરકારે બાંધકામ ક્ષેત્રને ઝડપથી આંટીઘુંટી વગર તુરંત મંજૂરી મળે તે માટે ઓનલાઈન પ્રથા અમલમાં મુકી હતી. પરંતુ છેલ્લા ચાર મહિનામાં સોફટવેરની ખામીના કારણે અનેક વાંધા-વચકા ઉભા થયા છે. માત્ર ૨૧ ટકા જ પ્લાનને ઓનલાઈન મંજૂરી આપવામાં આવી છે. રાજકોટમાંથી ૫૪૨ પ્લાન માટે અરજી થઈ હતી. જેમાંથી માત્ર ૭૯ પ્લાનને જ મંજૂરી મળી શકી છે.