- વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતની પ્રથમ એઈમ્સ જનતાને સમર્પિત કરી
- ઉદઘાટન બાદ વડાપ્રધાને એઈમ્સ પરિસર તેમજ આઈ.પી.ડી.વિભાગનું નિરીક્ષણ કર્યું
- ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયા સહિતના મહાનુભાવો સાથે જોડાયા
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે રાજકોટના પરા પીપળીયા પાસે રૂ. ૧૧૯૫ કરોડના ખર્ચે નિર્માણ પામેલી ગુજરાતની પ્રથમ એઈમ્સનું લોકાર્પણ કર્યું હતું. બાદમાં તેઓએ એઈમ્સમાં આઈ.પી.ડી.નું નિરીક્ષણ કર્યું હતું તેમજ અહીં ઉપલબ્ધ વિવિધ મેડિકલ સારવાર સુવિધાઓ અને વ્યવસ્થાઓ નિહાળી વિગતવાર જાણકારી મેળવી હતી.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી બપોરે દ્વારકાથી હવાઈમાર્ગે રાજકોટ એઈમ્સ આવ્યા હતા. બાદમાં તેઓએ એઈમ્સ પરિસરમાં બનેલા ઓ.પી.ડી. સહિતના વિવિધ વિભાગો તેમજ સમગ્ર પરિસરનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ તેઓ આઈ.પી. ડી. બિલ્ડિંગ ખાતે પધાર્યા હતા. અહીં એઈમ્સની તકતી અનાવરણ કર્યા બાદ રીબીન કાપીને, ગુજરાતની પ્રથમ એઈમ્સને લોકોને સમર્પિત કરી હતી.
પ્રધાનમંત્રીએ એઈમ્સ હોસ્પિટલના ભવિષ્યના વિકાસની બ્લુપ્રિન્ટ એવા મોડેલનું અને ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિની તેમજ ભારતની પ્રાચીન ચિકિત્સા પરંપરાથી લઈને જીનેટિક ટેકનોલોજી સુધીની સફરની ઝાંખી કરાવતી ટેપેસ્ટ્રીનું નિરીક્ષણ કર્યું હતું. આ સાથે હોસ્પિટલના વિવિધ વિભાગો, ઓપરેશન થિયેટર તેમજ આઈ.પી. ડી.ની મુલાકાત લઈને વિવિધ વ્યવસ્થાનું સૂક્ષ્મ નિરીક્ષણ કર્યું હતું. એઈમ્સ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડો. સી.ડી.એસ કટોચે વડાપ્રધાનને એઈમ્સના વિવિધ વિભાગોની જાણકારી આપી હતી.
આ તકે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયા, નવસારીના સાંસદ સી.આર. પાટીલ, રાજ્યના મુખ્ચ સચિવ રાજકુમાર, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના સચિવ અપૂર્વા ચંદ્રા, નેશનલ હેલ્થ મિશનના મિશન ડાયરેક્ટર રેમ્યા મોહન, રાજકોટ એઈમ્સના ડેપ્યુટી ડાયરેક્ટર પુનિત અરોરા વગેરે સાથે જોડાયા હતા.
આ પહેલા વડાપ્રધાન રાજકોટ એઈમ્સ હેલિપેડ પહોંચ્યા ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નવસારી સાંસદ સી. આર. પાટીલ, ડી.જી.પી. વિકાસ સહાય, રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશી, રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ વગેરેએ હેલિપેડ ખાતે તેમનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.
વડાપ્રધાને 22 વર્ષ પૂર્વે રાજકોટથી ધારાસભ્ય બનવાનો પ્રસંગ વાગોળ્યો
.સમગ્ર દેશ મને આશીર્વાદ આપી રહ્યો છે તેનો યશ રાજકોટને જાય છે : મોદી
પ્રધાનમંત્રીએ રાજકોટ સાથેના સંબંધો વર્ણવતા કહ્યું કે ગઈકાલનો ૨૪મી ફેબ્રુઆરીનો દિવસ મારા માટે ખુબ જ વિશેષ દિવસ રહ્યો છે, ૨૨ વર્ષ પહેલાં ૨૪ ફેબ્રુઆરીએ રાજકોટવાસીઓએ આશીર્વાદ આપી મને ધારાસભ્ય બનાવેલ હતો, તેમજ ૨૫ ફેબ્રુઆરીએ મેં ગાંધીનગરમાં ધારાસભ્ય તરીકે શપથ ગ્રહણ કર્યા હતાં. રાજકોટવાસીઓએ મને તેમના પ્રેમ અને વિશ્વાસનો કરજદાર બનાવ્યો છે અને આ ભરોસાને સાર્થક ઠેરવવા સતત પ્રયત્ન કર્યા છે. સમગ્ર દેશ આજે મને પ્રેમ અને આશીર્વાદ આપી રહ્યો છે તેનું યશદાર રાજકોટ પણ છે. મને વિશ્વાસ છે કે, સમગ્ર દેશ એન.ડી.એ. સરકારને આ જ પ્રકારે આશીર્વાદ આપતો રહેશે. ‘અબ કી બાર… ૪૦૦ કે પાર’ના સંકલ્પને પણ આપનાં આશીર્વાદ મળી રહ્યા છે અને એ માટે આપ સૌને શિશ ઝુકાવી નમન કરું છું. આપ સૌ જોઈ રહ્યા છો કે પેઢીઓ બદલી રહી છે અને લોકોનો પ્રેમ વધી રહ્યો છે. વિકાસ યાત્રા આગળ ધપાવતા રહી લોકોના પ્રેમનું કરજ વ્યાજ સાથે ચુકવવા પ્રયાસ કરી રહ્યો છું.
કુલ 23 અદ્યતન સુવિધાઓ સાથેના ઓપરેશન થિયેટર
રાજકોટની ભાગોળે ખંઢેરી ગામમાં ૨૦૧ એકર જેવી વિશાળ જગ્યામાં રૂ. ૧૧૯૫ કરોડના ખર્ચે આ એઈમ્સનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં દર્દીઓને સાવ નજીવા ખર્ચે મલ્ટી- સ્પેશિયાલિટી સારવાર મળી રહેશે. કુલ ૭૨૦ બેડની આ હોસ્પિટલમાં મેજર સુપર સ્પેશિયાલિટી ફેસિલિટીઝ, આઈ.સી.યુ. સહિતની સેવાઓ ઉપલબ્ધ કરાવાઈ છે. અહીં ૨૦ મેજર તથા ૩ માઈનોર મળીને કુલ ૨૩ અદ્યતન ઓપરેશન થિયેટરની સુવિધા રહેશે.
ટૂંકા સમયમાં એઇમ્સમાં 1.44 લાખ દર્દીઓનું સચોટ નિદાન
આ એઈમ્સમાં વર્ષ ૨૦૨૧ના ડિસેમ્બર મહિનાથી, ૧૪ મલ્ટી સ્પેશિયાલિટી વિભાગો સાથેનો આઉટડોર પેશન્ટ ડિપાર્ટમેન્ટ (ઓ.પી.ડી.) કાર્યરત થઈ ગયો છે. દરરોજ સવારે ૯ થી સાંજે ૪ વાગ્યા સુધી ઓ.પી.ડી. ચાલી રહી છે, જેમાં સરેરાશ ૪૦૦થી ૫૦૦ દર્દીઓની સારવાર કરવામાં આવે છે. દર્દીઓને જરૂરી દવા પણ અહીંથી જ આપવામાં આવે છે. ઓ.પી.ડી.ના દર્દીઓ માટે આભા કાર્ડ પણ બનાવવામાં આવી રહ્યા છે. ફેબ્રુઆરીના આરંભ સુધીમાં ૧,૪૪, ૬૧૪ દર્દીઓ ઓ.પી.ડી.સેવાનો લાભ લઈ ચૂક્યા છે.
ટેલિફોન ઉપર પણ તબીબી માર્ગદર્શન આપવાની સેવા
એઈમ્સમાં ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૨થી ટેલિમેડિસિન સેવા (ઈ-સંજીવની) સંપૂર્ણ રીતે કાર્યરત થઈ ચુકી છે. રોજના સરેરાશ ૧૩૨ વ્યક્તિને ટેલિફોનથી દવા-ઉપચાર અંગે માર્ગદર્શન આપવામાં આવે છે. અત્યાર સુધીમાં ૭૦,૩૩૭ લોકોએ ટેલિ-મેડિસિન સેવાનો લાભ લીધો છે.
30 બેડનો આયુષ બ્લોક પણ હવે કાર્યરત
લોકાર્પણ સાથે રાજકોટ એઈમ્સમાં ૨૫૦ બેડની ક્ષમતા સાથેનો ઈનડોર પેશન્ટ ડિપાર્ટમેન્ટ – (આઈ.પી.ડી.) શરૂ થયો છે, જ્યાં હોસ્પિટલમાં ભરતી થનાર જરૂરિયાતવાળા દર્દીઓની સારવાર કરાશે. આ સાથે ૩૦ બેડનો આયુષ બ્લોક પણ દર્દીઓની સારવાર માટે શરૂ કરવામાં આવ્યો છે.
ઇમરજન્સી અને ટ્રોમા માટે અલાયદા 35 બેડની સુવિધા
આઈ.પી.ડી.માં ઈમરજન્સી અને ટ્રોમાની સ્થિતિમાં ઉત્તમ સારવાર વિના વિલંબે મળી રહે તે માટે ૩૫ બેડની સુવિધા ઉપલબ્ધ છે. જ્યાં મોડ્યુલર ઓપરેશન થિયેટર સાથે ઓર્થોપેડિક, જનરલ સર્જરી, ઓબસ્ટ્રક્ટ અને ગાયનેકોલેજી, ઈ.એન.ટી., ઓપ્થેલ્મોલોજી અને ડેન્ટલ સર્જરીની સેવાઓ ઉપલબ્ધ છે.
રાજકોટને આપેલી એઇમ્સની ગેરેન્ટી 3 જ વર્ષમાં પુરી કરી : મોદી
દેશમાં ૫૦ વર્ષ સુધી માત્ર એક એઈમ્સ હતી અને સાત દાયકા સુધીમાં માત્ર સાત એઈમ્સને મંજૂરી અપાઈ હતી પરંતુ એક પણ પૂરી થઈ નહોતી, જ્યારે છેલ્લા ૧૦ જ દિવસમાં સાત નવા એઈમ્સના શિલાન્યાસ અને લોકાર્પણ થયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેસકોર્ષ ખાતેની તેઓની સભામાં એઇમ્સનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે દેશમાં ૫૦ વર્ષ સુધી માત્ર એક એઈમ્સ હતી અને સાત દાયકા સુધીમાં માત્ર સાત એઈમ્સને મંજૂરી અપાઈ હતી પરંતુ એક પણ પૂરી થઈ નહોતી. જો કે છેલ્લા ૧૦ જ દિવસમાં સાત નવા એઈમ્સના શિલાન્યાસ અને લોકાર્પણ થયા છે. રાજકોટને એઈમ્સની આપેલી ગેરંટી ત્રણ વર્ષમાં પૂરી કરી હોવાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે, પંજાબના ભટીંડા, પશ્ચિમ બંગાળના કલ્યાણ, આંધ્ર પ્રદેશના મંગલાગીરી અને ઉત્તરપ્રદેશના રાયબરેલીમાં એઈમ્સની આપેલી ગેરંટી પણ પૂરી કરી છે.દેશવાસીઓને વિશ્વાસ અપાવતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું હતું કે, જ્યાં અન્યો પાસેથી અપેક્ષા ખતમ થઈ જાય છે, ત્યાંથી વર્તમાન કેન્દ્ર સરકારની ગેરંટી શરૂ થાય છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, ભારતે કોરોનાને કેવી રીતે હરાવ્યો એની ચર્ચા આજે આખા વિશ્વમાં થઈ રહી છે. જેનું કારણ છેલ્લા દસ વર્ષમાં ભારતની હેલ્થ કેર સિસ્ટમમાં આવેલ ધરખમ ફેરફાર છે. છેલ્લા દસકામાં એઇમ્સ, મેડિકલ કોલેજ, ક્રિટિકલ કેર ઇન્ફ્રાસ્ટ્રક્ચર નેટવર્કનો અભૂતપૂર્વ વિકાસ થયો છે. રાજ્યના લોકો પહેલાં કેન્દ્ર સરકાર પાસે એઇમ્સની માંગણી કરીને થાકી જતા હતા ત્યારે આજે દેશમાં એક પછી એક એઇમ્સ હોસ્પિટલ અને મેડિકલ કોલેજો ખુલી રહી છે.
વડાપ્રધાન મોદીએ એઇમ્સમાં ઉપલબ્ધ સુવિધાઓ અને કાર્યપધ્ધતિને રસપૂર્વક નિહાળી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એમ્સના લોકાર્પણ પૂર્વે એઇમ્સની સ્થળ વિઝીટ કરી હતી. તેઓ દ્વારકા ખાતેથી સીધા એઇમ્સ આવ્યા હતા. અહીં તેઓએ પ્રથમ એઇમ્સમાં ઉપલબ્ધ સુવિધાઓ અને અહીંની કાર્ય પદ્ધતિની ઝીણવટભરી વિગતો મેળવી હતી. તેઓએ રસપૂર્વક તમામ માહિતીઓ લીધી હતી. બાદમાં વડાપ્રધાન મોદીએ જરૂરી અભિપ્રાયો પણ આપ્યા હતા. ત્યારબાદ વડાપ્રધાન મોદીએ અહીં એઇમ્સનું લોકાર્પણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે અગાઉ એઇમ્સનું ખાતમુહૂર્ત પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે જ થયું હતું.