પાકિસ્તાનના ફિલ્ડિંગ કોચ સ્ટીવ રિક્સને સ્કોટલેન્ડ વિરુદ્ધની બે ટી૨૦ મેચો બાદ આગામી સપ્તાહે કોચ પદ છોડવાનો નિર્ણય લીધો છે કારણ કે, તે પાકિસ્તાની બોર્ડથી નાખુશ છે. રિક્સન અને પીસીબી વચ્ચે મતભેદ એટલા વધી ગયા છે કે, ઈંગ્લેન્ડ વિરુદ્ધ લીડ્સમાં બીજી ટેસ્ટ પહેલા રિક્સને ટીમ સાથે પ્રેક્ટિસ માટે મેદાન પર જવાની ના પાડી દીધી હતી.
રિક્સન અને બોર્ડના સંબંધો ઓસ્ટ્રેલિયાના પૂર્વ ટેસ્ટ વિકેટકીપરની ફરિયાદોના કારણે બગડ્યા છે. તે બે વર્ષ પહેલા મિકી આર્થરની ટીમના મુખ્ય કોચ હોવા દરમિયાન ટીમના સપોર્ટિંગ સ્ટાફનો ભાગ બન્યા હતા.
રિક્સનની ફરિયાદોમાં તેમને લાહોરમાં રહેવા માટે વ્યવસ્થિત ઘર ન આપવું, એકેડેમીમાં ધીમું ઈન્ટરનેટ કનેક્શન અને સેલેરીમાં વિલંબ શામેલ હતા. સ્થિતિ તે સમયે બેકાબૂ થઈ ગઈ જ્યારે લીડ્ઝ ટેસ્ટ પહેલા રિક્શન નારાજ થઈ ગયા કારણ કે, તેમનો આઠ હજાર ડોલરનો પગાર સમયસર તેમના બેંક અકાઉન્ટમાં જમા ન થયો.
તાજેતરમાં પાકિસ્તાનનો ઈંગ્લેન્ડ પ્રવાસ પૂર્ણ થયો છે, જેમાં બીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડે બોલરોના શાનદાર પ્રદર્શનના આધારે ઈનિંગ અને ૫૫ રનથી જીત મેળવી સીરીઝ ૧–૧થી બરાબર કરી લીધી. અગાઉ લોર્ડ્ઝ ખાતેની પ્રથમ ટેસ્ટમાં પાકિસ્તાને ઈંગ્લેન્ડને ૯ વિકેટે હરાવી ઐતિહાસિક જીત મેળવી હતી. જોકે, બીજી ટેસ્ટ હારી જતા તે સીરીઝ જીતવામાં નિષ્ફળ રહી.