પૂ.ગુરુ ભગવંતો વિરાણી પૌષધ શાળામાં રવિવારે પધારી રહ્યાં છે ત્યારે ચાલો જાણીએ આ ધમૅ સ્થાનકનું મહત્વ.
સમગ્ર વિશ્વમાં સ્થાનકવાસી જૈનોનો સૌથી મોટો વિરાટ ઉપાશ્રય.
જયપુર પીંક સીટી જયારે બેંગલોર ગ્રીન સીટી તરીકે ઓળખાય છે તેવી જ રીતે સેવા,સંસ્થા અને ધમૅ નગરી તરીકેની રાજકોટની આગવી ખ્યાતિ છે.રાજકોટમાં સ્થાનકવાસી જૈનોના 36 ઉપરાંત ધમૅ સ્થાનકો આવેલા છે.લગભગ 90,000 સ્થાનકવાસી જૈનો આ ધમૅ નગરીમાં વસવાટ કરે છે.
શ્રી સ્થા.જૈન મોટા સંઘ સંચાલિત શ્રી વિરાણી પૌષધ શાળાનો પ્રવચન હોલ સમગ્ર વિશ્વમાં સ્થાનકવાસી ઉપાશ્રયોની સરખામણીમાં એરીયા અને ક્ષેત્રફળની દ્રષ્ટિએ નંબર વન આવે છે.શહેરના હાદૅ સમા પેલેસ રોડ ઉપર આ સ્થળ આવેલું છે.લગભગ 6000 ચોરસ ફુટનો બીમ કોલમ વગરનો વિશાળ અને વિરાટ પ્રવચન હોલ છે.હોલની ચોતરફ ગેલેરી છે.હોલ ઉપરાંત ગવાક્ષમાં લગભગ 700 થી 800 ભાવિકો શાંતિથી બેસી પ્રવચન હોલમાં થતી ધાર્મિક ક્રિયાઓ, અનુષ્ઠાનો કે દીક્ષા પ્રસંગ નિહાળી શકે છે.પંદર ભેદે સિદ્ધ થવાય તેમ અહીં પણ હોલમાં પંદર દરવાજા મૂકેલા છે !
રાજકોટ મોટા સંઘ – વિરાણી પૌષધ શાળામાં 6000 સ્કેવર ફીટનો પ્રવચન હોલ….
એક સાથે 3000 ભાવિકો બેસી શકે તેવી વ્યવસ્થા..
મોટા સંઘના સેવાભાવી પ્રમુખ ઈશ્વરભાઈ દોશીએ જૈન સાહિત્યકાર મનોજ ડેલીવાળાને માહિતી આપતા જણાવ્યું કે સમગ્ર વિશ્વમાં વિરાણી પૌષધ શાળાની આગવી ઓળખ એટલા માટે છે કે મહા વિદેહ ક્ષેત્રની જેમ બારેમાસ 365 દિવસ એક દિવસના પણ વિરહ વગર ઉપકારી પૂ.સાધુ – સાધ્વીજીઓ જિનવાણીનો ધોધ વરસાવે છે.બારેમાસ દેવસીય પ્રતિક્રમણની આરાધના સાથે આવશ્યક સૂત્રને જીવંત રાખવા સૌ પ્રયત્નશીલ છે.નામ જ પૌષધ શાળા હોય અને પૌષધ વ્રતની આરાધના ન થતી હોય એવું કદી બને ? પાખી તથા પવૅ તિથીના દિવસોમાં શ્રાવક – શ્રાવિકાઓ પૌષધ વ્રતની સુંદર આરાધના કરી જૈનાગમ ઉપાસકદશાંગ સૂત્રની યાદ અપાવે છે.
હોલમાં 15 દરવાજા અને 365 દિવસ અવિરત જિનવાણીનો ધોધ વરસે છે…
વિરાણી પૌષધ શાળાની જમણી બાજુમાં આયંબિલ ભવન છે,જયાં આયંબિલના આરાધકો આયંબિલ કરવા આવે છે.ડાબી બાજુ વિરાણી શ્રાવિકા ઉપાશ્રય આવેલો છે.જયાં પૂ.મહાસતિજીઓ શેષ કાળ એવમ્ ચાતુર્માસના દિવસોમાં નિવાસ કરે છે.મોટા સંઘના ટ્રસ્ટી શ્રી રજનીભાઈ બાવીસીએ જણાવ્યું કે વિરાણી પૌષધ શાળામાં જ્ઞાન ગચ્છાધિપતિ સ્વ.સમથૅમલજી મ.સા.,પંજાબ કેસરી,દરિયાપુરી સંપ્રદાય, અજરામર સંપ્રદાય, બોટાદ સંપ્રદાય,લીબંડી ગોપાલ સંપ્રદાય,બરવાળા સંપ્રદાય સહિત સ્થાનકવાસીઓના વિવિધ સંપ્રદાયોના પૂ.સાધુ – સાધ્વીજીઓ આ ક્ષેત્રની સ્પશૅના કરી ગયેલ છે અનેક મહાપુરુષો વિરાણી પૌષધ શાળામાં વષૉકાળ – ચાતુર્માસનો અપૂવૅ લાભ આપી અનંતી કૃપા કરી છે.
થોડા સમય પહેલાં મૂર્તિ પૂજક સમુદાયના 90 વષૅના વયોવૃધ્ધ આચાર્ય મ.સા.પ્રવચન દરમ્યાન હોલમાં પ્રવેશ્યા એટલે ઉપસ્થિત સૌએ ઉભા થઈ પધારો…પધારો કહી આવકાર્યા ત્યારે તેઓશ્રીએ કહ્યું કે હું તો ફક્ત વિરાણી પૌષધ શાળાનો નિર્દોષ હોલ નિહાળવા આવ્યો છું. આ સ્થાનકની ખ્યાતિ – વિખ્યાતિ સાંભળીને અહીં આવવા પ્રેરાયો છું. ખરેખર આ નિર્દોષ અને શાતાકારી પૌષધ શાળાના દશૅન કરીને આનંદની અનુભૂતિ કરી રહ્યો છું.આદશૅ સુશ્રાવિકા યોગનાબેન મહેતા મહિલા મંડળની પ્રવૃતિ સાથે પૂ.સાધુ – સાધ્વીજીઓની અનુકરણીય અને અનુમોદનીય વૈયાવચ્ચ કરી રહ્યાં છે.મોટા સંઘ દ્રારા વર્ષોથી સાધર્મિકોને જીવનપયોગી ચીજ વસ્તુઓનું વીતરણ કરવાનું પ્રેરક કાયૅ કરવામાં આવે છે.પૂ.ગુરુદેવ ધીરજ મુનિ મ.સા.ની પ્રેરણાથી અનેક સદ્ કાર્યો સંઘ દ્રારા થાય છે.
રાષ્ટ્ર સંત પૂ.ગુરુદેવ નમ્રમુનિ મ.સા.સહિત 70 ઉપરાંત આત્માઓની આ દીક્ષા ભૂમિ છે.પૂ.પિયુષ મુનિ મ.સા.ની વડી દીક્ષા પણ વિરાણી પૌષધ શાળામાં થયેલી.
વિરાણી પૌષધ શાળામાં પ્રવેશતાં જ જીવાત્માને આહલાદ્ક આનંદની અનુભૂતિ થાય છે. મોટા સંઘના સેવાભાવી પ્રમુખ ઈશ્વરભાઈ દોશી,ઉપાધ્યક્ષ શશીભાઈ વોરા,માનદ્ મંત્રી હિતેશભાઈ બાટવીયા,કૌશીકભાઈ વિરાણી,કોષાધ્યક્ષ સતિષભાઈ બાટવીયા સહિતના હોદેદારો,ટ્રસ્ટીગણ,કારોબારી સદ્સ્યો સરાહનીય સેવા પ્રદાન કરી રહેલ છે.