શ્રમદાન કરવા માટે આવેલા સહભાગીઓમાં ઠંડી છાસ અને સુખડીનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે વિતરણ
રાજ્યભરના તળાવોમાં ભરાયેલા કાંપને કાઢી તેની સંગ્રહ શક્તિવધારવાના શુભ હેતું સાથે રાજ્ય સરકાર દ્વારા આરંભવામાં આવેલા સુજલામ્ સુફલામ્ જળ અભિયાનમાં સ્વયં શ્રમદાન કરવાની નૂતન પહેલા કરનાર મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી આજે સવારમાં પોરબંદર જિલ્લાના બગવદર ગામે પહોંચ્યા હતા અને ગામની સીમમાં આવેલા તળાવને ઉંડુ ઉતારવાના ભાગિરથી કાર્યમાં સહભાગી બન્યા હતા. બગવદર ગામના વિશાળ તળાવને ઉંડુ ઉતારવાનું આયોજન સુજલામ્ સુફલામ્ જળ અભિયાન અંતર્ગત હાથ ધરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી શ્રી રૂપાણીએ અહીં શ્રમદાન કરવા માટે પહોંચ્યા હતા. તેમણે સર્વ પ્રથમ તળાવને ખોદવા માટેની ધાર્મિક વિધિ કરી હતી અને તે બાદ મુખ્યમંત્રીશ્રીએ પોતે ત્રિકમ ઉપાડ્યું હતું. તેમણે તળાવને ઉંડુ લઇ જવા માટે ખોદકામ કર્યું હતું.
એ બાદ મુખ્યમંત્રીશ્રી શ્રમદાનના મહાકાર્યમાં જોડાયેલા ગ્રામજનોને મળવા પહોંચી ગયા હતા અને તેમણે પ્રત્યક્ષ મળી જળ અભિયાનની કામગીરીની પૃચ્છા કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ આ ઉદ્યમીઓને ઠંડી છાસ અને સુખડીનું વિતરણ કર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ બગવદરના તળાવને ઉંડુ ઉતારવા માટે આવેલા બૂલડોઝરને પણ પૂજ્યું હતું અને ખોદાણ કામગીરીનો પ્રારંભ કરાવ્યો હતો. આ દરમિયાન, શ્રી રૂપાણીએ કલેક્ટર શ્રી મુકેશ પંડ્યા પાસેથી પોરબંદર જિલ્લામાં ચાલતા કામોની માહિતી મેળવી હતી અને આવતા ચોમાસા પૂર્વે જળાશયોની સંગ્રહશક્તિ મહત્તમ રીતે વધે એ પ્રકારે કામગીરી કરવા તેમણે સૂચન કર્યું હતું.
અહીં યાદ અપાવવું જોઇએ કે બગવદર તળાવને ઉંડુ ઉતારવા માટે ચાર હિટાચી, ચાર બૂલડોઝર કામે લાગ્યા છે અને તળાવ ઉંડું ઉતરતા આસપાસના ત્રણ ગામોના જળતળ ઊંચા આવશે.
આ વેળાએ ધારાસભ્ય શ્રી બાબુભાઇ બોખીરિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી રમેશભાઇ પણ સાથે જોડાયા હતા.