‘ગુણોત્સવ’ અને ‘શાળા પ્રવેશોત્સવ’ થકી ૯૯% લક્ષ્યાંક પૂર્ણ થયાનો સરકારનો દાવો
ડ્રોપ આઉટ રેશિયો ૩૦ થી ૧.૬૦% સુધી ઘટયો જયારે શિક્ષણનું પ્રમાણ ૫૦ થી ૭૫%એ પહોંચ્યુ: સીએમ રૂપાણી
હાલ, ગુજરાત રાજયની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં ‘ગુણોત્સવ’ કાર્યક્રમ ચાલી રહ્યો છે. શુક્રવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પંચમહાલ જિલ્લાના ગોવિંદી ગામેથી શાળા પ્રવેશોત્સવ અને ગુણોત્સવ શરૂ કરાવ્યો હતો. આ તકે મુખ્યમંત્રી રૂપાણીએ ગોવિંદી ગામની પ્રાથમિક શાળાના તમામ વિદ્યાર્થીઓની વાંચવામાં, લખવામાં અને ગણિતની પરીક્ષા લીધી હતી. ત્યારબાદ શાળાના સ્ટાફ સાથે વિવિધ મુદ્દે વાટાઘાટો કરી હતી અને વિદ્યાર્થીઓને સ્કોલરશિપ પ્રદાન કરી હતી.
શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને આચાર્યને સંબોધન કરતા સીએમ વિજય રૂપાણીએ જણાવ્યું છે કે, પંદર વર્ષથી પ્રાથમિક શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ અને ગુણોત્સવ કાર્યક્રમ ચલાવાય છે અને આ સમયગાળામાં ૯૯% લક્ષ્યાંક પૂર્ણ થઈ ગયો છે અને ડ્રોપ આઉટ (અભ્યાસક્રમ છોડવો) રેશિયો ૩૦ થી ૧.૬૦% સુધી ઘટયો છે. તેમજ શૈક્ષણિક રેશિયો ૫૦ થી ૭૫% સુધી વધ્યો છે. જે ૧૦૦% સુધી લાવવાનો સરકારનો લક્ષ્યાંક છે.
વધુમાં જણાવતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, હાલ દર વર્ષે રાજયમાં બાળમંદિરથી લઈ પોસ્ટ ગ્રેજયુએશન સુધી સરકાર ૨૫,૦૦૦ કરોડ રૂપિયા ખર્ચે છે અને ગુજરાતના છેવાડાના વિસ્તારમાં શિક્ષણનો વ્યાપ-વિસ્તાર વધારવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. સીએમ રૂપાણીએ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, આગામી પાંચ વર્ષમાં ગુજરાતની તમામ શાળાઓ વર્ચુઅલ સ્માર્ટ કલાસરૂમથી સજજ બનશે. કાળાપાટીયા (બોર્ડ)ની જગ્યાએ પાલ્મટોપ હશે વિદ્યાર્થીઓની સ્વાસ્થ્યની કાળજી તરફ પુરતુ ધ્યાન દોરાશે.
સરકાર એવો દાવો તો કરી રહી છે કે, ગુણોત્સવ, શાળા પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમથી ૯૯% લક્ષ્યાંક સિદ્ધ થયો છે પરંતુ હજુ ઘણા ખરા અંતરિયાળ વિસ્તારો એવા છે કે જયાં શાળા જ નથી અથવા શાળા છે તો શિક્ષકો નથી. શાળા અને શિક્ષકો છે તો ભણવા અને ભણાવવા માટે યોગ્ય સુવિધા નથી જે તરફ સરકારે ગંભીર ધ્યાન દોરી પગલા લેવા જોઈએ.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,