કોલેસ્ટ્રોલ એ ચરબીમાં સમાયેલા મુખ્ય ઘટકોમાંનું એક ઘટક છે. તે શરીરના દરેકેદરેક કોષમાં જોવા મળે છે. કોલેસ્ટ્રોલ ચરબીને પચાવવામાં, કોષની દીવાલને મજબૂત બનાવવામાં તેમજ હોર્મોન ઉત્પન્ન કરવામાં મદદરૂપ બને છે.
માણસના શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ 150થી 250 મિ.ગ્રા. હોય છે. આ પ્રમાણ વધી જાય ત્યારે લોહીમાં ફરતું કોલેસ્ટ્રોલ રક્તવાહિનીઓની દીવાલના અંદરના ભાગમાં જમા થાય છે. તેથી દીવાલ જાડી થતી જાય છે. તેને મેડિકલ ભાષામાં Atherosclerosis કહે છે. રક્તવાહિનીઓની દીવાલમાં કોલેસ્ટ્રોલ જમા થવાથી દીવાલ જાડી થતી જાય છે અને અંદર લોહીના પરિભ્રમણ માટેની જગ્યા સાંકડી થતી જાય છે. આમ થવાથી જે તે ભાગને લોહી ઓછું મળે છે. પરિણામે હૃદયરોગનો હુમલો, મગજનો લકવો, લોહીનું ઊંચું દબાણ જેવા રોગ થાય છે.
કોલેસ્ટ્રોલને તેના વાહક લિપોપ્રોટીનના જોડાણને આધારે જો મૂલવવામાં આવે તો દરેક પ્રકારનું કોલેસ્ટ્રોલ શરીર માટે નુકસાનકારક નથી બલકે અમુક પ્રકારનું કોલેસ્ટ્રોલ શરીર માટે જરૂરી પણ છે. ઉદાહરણ તરીકે વધુ ઘનતાવાળું લિપોપ્રોટીન (HDL). આ પ્રકારનું કોલેસ્ટ્રોલ હૃદયરોગના હુમલા સામે રક્ષણ આપે છે. ઓછી ઘનતાવાળું લિપોપ્રોટીન(LDL). આ કોલેસ્ટ્રોલ સ્વાસ્થ્ય પર વિપરિત અસર કરે છે.
– વારસાગત: જે કુટુંબમાં હૃદયરોગ તેમજ વધારે કોલેસ્ટ્રોલના કેસ વધુ સંખ્યામાં હોય તો તે કુટુંબનાં સંતાનોમાં પણ કોલેસ્ટ્રોલ વધારે જોવા મળે છે.
– વજન: ભારે વજન ધરાવતા લોકોમાં કુલ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારે જોવા મળે છે.
– કાર્યશીલતા: બેઠાડુ જીવન ધરાવતા લોકોમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારે હોય છે.
– ખોરાક: ચરબીયુક્ત ખોરાક એટલે ભરપૂર કોલેસ્ટ્રોલયુક્ત ખોરાક.
– ધૂમ્રપાન: બીડી-સિગારેટનું વ્યસન કરવાથી પણ કોલેસ્ટ્રોલ વધે છે.
– લોહીનું ઊંચું દબાણ: હાઇ બ્લડપ્રેશર ધરાવતી વ્યક્તિમાં કોલેસ્ટ્રોલ વધારે જોવા મળે છે.
કેવી રીતે કાબૂમાં રાખી શકાય?
તમારું શરીર અદોદળું હોય, બેઠાડુ જીવન હોય, ચરબીયુક્ત ખોરાક વધુ પડતો આરોગતા હોવ, ધૂમ્રપાન કરતા હોવ, લોહીનું ઊંચું દબાણ હોય અને કુટુંબના સભ્યોમાં કે પૂર્વજોમાં કોલેસ્ટ્રોલ વધારે હોવાના કિસ્સા બન્યા હોય તો તમારે ચેતવું જોઇએ. તમે ‘હાઇ રિસ્ક ગ્રૂપ’માં ગણાઓ, તમે જોખમ ઉઠાવો છો, એમ કહેવાય.
હાઇ રિસ્ક ગ્રૂપ’માં હો તો શું કરવું?
પ્રથમ કોલેસ્ટ્રોલ ચેક કરાવવું, ત્યારબાદ વજન ઉતારવા માટેના પ્રયત્નો કરવા, જેમાં મુખ્યત્વે ખોરાક અને કસરત પર ધ્યાન આપવું.
કેવો ખોરાક લેવો જોઇએ?
સપ્રમાણ સંતુલિત ખોરાક શરીરને તંદુરસ્ત અને મજબૂત બનાવે છે પણ સાથે સાથે શરીરમાંથી કોલેસ્ટ્રોલ પણ ઘટાડે છે. સંતુલિત ખોરાકથી વજન ઘટે કે ન ઘટે કોલેસ્ટ્રોલમાં અવશ્ય ઘટાડો થાય છે. ઓછી ચરબીવાળો પણ મહત્વની ચરબી ધરાવતો ખોરાક શ્રેષ્ઠ છે. સાવ ચરબીરહિત ખોરાક સંપૂર્ણ ખોરાક નથી કારણ કે શરીરના મહત્વનાં કાર્યોમાં ચરબીનો પણ અગત્યનો ફાળો છે.
ભોજનમાં સેચ્યુરેટેડ ફેટ એટલે કે સંતૃપ્ત ચરબીનું પ્રમાણ વધારે હોય તો લોહીમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધે છે. એટલા માટે તેનું પ્રમાણ ઘટાડવું.
– માંસાહારી ખોરાક, ઇંડા અને દૂધની બનાવટો જેવી કે માખણ, ઘી, મલાઇ વગેરેમાં સંતૃપ્ત ચરબી હોય છે. નારિયેળ તેલ, પામોલીવ અને કપાસિયા તેલ જેવાં વનસ્પતિજન્ય ખોરાકમાં પણ સંતૃપ્ત ચરબીનું પ્રમાણ અને કોલેસ્ટ્રોલ ઊંચું હોય છે.
– દૂધના એક ગ્લાસમાં 30 મિ.ગ્રા. કોલેસ્ટ્રોલ હોય છે. એક કપ આઇસક્રીમમાંથી આશરે 100 મિ.ગ્રા. કોલેસ્ટ્રોલ મળે છે. એક ચમચો માખણમાંથી આશરે 25 મિ.ગ્રા. અને માત્ર એક ઇંડામાંથી આશરે 270 મિ.ગ્રા. કોલેસ્ટ્રોલ મળે છે. અન્ય માંસાહારી ખોરાકમાંથી પણ વિપુલ માત્રામાં કોલેસ્ટ્રોલ હોય છે. હવે યોગ્ય ખોરાકની પસંદગી તમારે કરવાની છે.
-ચરબી વગરનો આહાર લેવાનો આગ્રહ રાખો.
– રેસાવાળો ખોરાક લો જેથી કરીને તેમાંના રેસા (Fiber) કોલેસ્ટ્રોલ સાથે જોડાઇને તેનું પ્રમાણ ઘટાડે છે. લીલાં શાકભાજી જેવા કે ગુવાર, મેથી, પાલક, કોબીજ, તાંદળજો વગેરે રેસાયુક્ત ખોરાક કહેવાય. આ ઉપરાંત થૂલું, કુશકી, ભૂંસુ જેવાં ધાન્ય પણ કોલેસ્ટ્રોલ ઘટાડે છે.
– તાજાં ફળો અને શકાભાજીનો ઉપયોગ વધારે કરવો.
– બજારમાં તૈયાર મળતા ખોરાકમાં ઉપયોગમાં લેવાયેલાં પદાર્થોનું લિસ્ટ વાંચીને ખોરાકની પસંદગી કરવી.
– પ્રોટીનયુક્ત ખોરાક પર પણ પૂરતું ધ્યાન આપવું. દાખલા તરીકે કઠોળ. આ થઇ ખોરાકની વાત. આહાર જેટલી જ અગત્યની કસરત છે.
કસરત: કસરત કરવાથી કોલેસ્ટ્રોલ ઘટે છે. કસરતના મુખ્ય બે પ્રકાર છે. એરોબિક (Aerobic) અને અનએરોબિક(Anaerobic). એરોબિક કસરત કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મહત્વનો ભાગ ભજવે છે.
એરોબિક કસરત શું છે?
આ કસરતમાં શરીર એકધારું લયબદ્ધ કસરત કરે છે અને તેમાં શરીરના મોટા સ્નાયુઓનો સમાવેશ થાય છે. ચાલવું, દોડવું, સાઇકલ ચલાવવી, તરવું, દોરડાં કૂદવા, સ્કેટિંગ કરવું, નૃત્ય કરવું વગેરે આ કસરતના પ્રકાર છે. કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે નિયમિતપણે દરરોજ કે એકાંતરે 30 મિનિટ આ કસરત કરવાથી ખૂબ જ ફાયદો રહે છે. દરેક વ્યક્તિએ ઓછામાં ઓછી અઠવાડિયામાં ત્રણ વાર, ત્રીસ મિનિટ કે તેનાથી વધારે સમય સુધી કસરત કરવી જોઇએ. તેનાથી તંદુરસ્તી જળવાઇ રહે છે. આ ઉપરાંત શરીરના બીજા રોગો જેવા હાઇ બ્લડપ્રેશર, ડાયાબિટીસ, માનસિક રોગો વગેરેની સારવાર કરવી તેમ જ કોલેસ્ટ્રોલ જો વધુ હોય તો યોગ્ય નિષ્ણાતની સલાહ અનુસાર દવાઓ લેવી અને શરીરની નિયમિત તપાસ કરાવવી.
હૃદયને તંદુરસ્ત રાખવા માટેના ઉપચાર
-મોટી ગાંઠવાળી દળેલી હળદર ચાળીને આઠ મહિના સુધી રાખી મૂકો. ત્યારપછી દરરોજ ગાયના દૂધમાં એક ચમચી હળદર મેળવીને પીવાથી રક્તવાહિનીઓમાં જામેલા થર ઓગળી જશે અને લોહીની નળીઓ સાફ થઇ જશે. જ્યારે રક્તવાહિનીઓ શુદ્ધ થશે ત્યારે કચરો પેટમાં ભેગો થઇને મળ દ્વારા બહાર ફેંકાઇ જશે.
– રોહિણી નામની હરડે ચાળીને મૂકી દેવી. રોહિણી હરડે ન મળે તો જે બહેડાંના આકારની હોય છે હરડે લેવી. હરડેનું લગભગ એક ચમચી ચૂર્ણ રાત્રે સૂતી વખતે ગાયના દૂધ સાથે મેળવીને લેવું. આમ કરવાથી રક્તમાં રહેલી અશુદ્ધિઓ મળ, મૂત્ર અને પરસેવા વાટે બહાર નીકળી જશે.
-અર્જુન વૃક્ષની છાલનું ચૂર્ણ એક ચમચી માત્રામાં એક ગ્લાસ પાણી મિશ્રિત દૂધમાં ઉકાળીને પીવાથી ખૂબ લાભ થાય છે. તદુપરાંત લસણ, આંબળાં, મધ, આદું, કિસમિસ, લીલી દ્રાક્ષ, અજમો, દાડમનું સેવન હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
-દોઢ ચમચી લીંબુના રસમાં જરૂરિયાત મુજબ સાકર મેળવીને પીવાથી હૃદયના ધબકારા નોર્મલ બને છે. બે-ત્રણ લીંબુના રસને પાણી સાથે પીવાથી સ્ત્રીઓના હિસ્ટિરિયાના કારણે વધેલા ધબકારા પણ શાંત થાય છે.
-ગળોનું ચૂર્ણ મધ સાથે આપવાથી અથવા તો આદુંનો રસ અને પાણી સમપ્રમાણ પીવાથી હૃદયરોગમાં લાભ થાય છે.
-તુલસીનાં બીનું એક ગ્રામ ચૂર્ણ, એક ગ્રામ સાકર સાથે લેવું.
-દસ ગ્રામ મેથીને 100થી 300 ગ્રામ પાણીમાં ઉકાળીને મધ નાખીને પીવાથી હૃદયરોગમાં લાભ થાય છે.
-એલચીના દાણા અને પીપરીમૂળ સરખેભાગે લઇ ઘી સાથે રોજ ખાવાથી હૃદયરોગ મટે છે.
હૃદયને લોહી પૂરું પાડતી ‘કોરોનરી આર્ટરી’ કોઇ કારણસર સાંકડી થઇ જાય તો હૃદયને પૂરતાં પ્રમાણમાં લોહી મળતું નથી. તેથી હૃદયનું કાર્ય અને માણસનું જીવન ખોરવાઇ જાય છે. આવી સાંકડી થઇ ગયેલી ‘કોરોનરી આર્ટરી’ને કોરાણે મૂકી, તેની બાજુમાં નવી રક્તવાહિની જોડી હૃદયને જોઇતું લોહી પહોંચાડવામાં આવે તે ઓપરેશનને ‘બાયપાસ સર્જરી’ કહેવાય છે. બાયપાસ સર્જરીમાં નવી રક્તવાહિની શરીરના અન્ય ભાગની નહીંવત્ ઉપયોગમાં આવતી, રક્તવાહિનીને લઇ તેમાંથી બનાવી હૃદય સાથે જોડવામાં આવે છે. તેને બાયપાસ ગ્રાફ્ટિંગ પણ કહે છે. બાયપાસ સર્જરી, હૃદયની લગભગ બધી મુખ્ય ધોરી નસો બંધ થઇ ગઇ હોવાથી અને મોટું ઓપરેશન હોવાથી-બીજા બધાં જ અવયવો સારી સ્થિતિમાં હોય તો જ કરવામાં આવે છે.
બાયપાસ સર્જરી કરાવ્યા પછી પણ ખોરાક તથા દવાઓની પરેજી ખાસ રાખવાની હોય છે. સામાન્ય સંજોગોમાં દર વર્ષે પાંચથી દસ ટકા લોકોમાં ફરીથી બાયપાસ સર્જરી કરવાની જરૂર પડે છે. બાયપાસ સર્જરી ખર્ચાળ છે અને તેમાં જોખમ ઓછું રહેલું છે.
કેટલીક ઉપયોગી ટિપ્સ
– મનમાં કોલેસ્ટ્રોલનો હાઉ ન રાખવો.
– પ્રેમથી જમવું પણ પ્રમાણસર અને સંતુલિત ખોરાક લેવો.
– શાંતિથી જીવવું પણ આળસુ ન થવું.
– નિયમિત કસરત કરવી.
– મોજમાં રહેવું.
– ધૂમ્રપાન, તમાકુનો ત્યાગ કરવો.
– દિલની વાત માનવી પણ કોલેસ્ટ્રોલ વધીને જોખમી ન બને તેનો ખ્યાલ રાખવો.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com