વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યએ પુછેલા પ્રશ્નમાં આંગણવાડીના બાળકોને અપાતા આહારનો ખર્ચ રૂ.૧૦થી પણ ઓછો હોવાનો સરકારનો જવાબ
રાજયમાં કુપોષિત બાળકોને આંગણવાડીમાં પોષક આહાર આપવા પાછળ સરકાર પ્રત્યેક બાળક દીઠ રૂપીયા છ થી આઠ રૂપીયા ખર્ચ કરે છે, જોકે આ ખર્ચ બજારમાં મળતી અડધી ચાની કિંમતથી પણ ઓછો હોવાનો કોંગ્રેસ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે! વિધાનસભાના પ્રશ્નકાળમાં કોંગ્રેસના ધારાસભ્ય સંતોકબેન અરેઠીયાએ ઉઠાવેલા પ્રશ્નના લેખીત જવાબમાં માહિતી અને બાળ વિકાસ મંત્રી વિભાવરીબેન દવેએ આંગણવાડીમાં બાળકોને અપાતા આહાર અંગે જવાબ આપ્યો હતો.
વિધાનસભા ગૃહમાં સોમવારે પ્રશ્નોતરી કાળ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય સંતોકબેન અરેઠીયાએ પ્રશ્ર્ન ઉઠાવી આંગણવાડીમાં બાળકોને પોષક આહાર પાછળ કેટલો ખર્ચ કરવામાં આવે છે તે મુદો ઉઠાવ્યો હતો જેના લેખીત જવાબમાં મહિલા અને બાળ વિકાસ વિભાગનાં મંત્રી વિભાવરી બેન દવેએ લેખિત જવાબ આપતા જણાવ્યું હતુ કે આંગણવાડીમાં સામાન્ય બાળક પાછળ રૂપીયા ૫ અને કુપોષિત બાળકને આહાર આપવા પાછલ રૂપીયા ૮નો ખર્ચ પ્રત્યેક બાળક દીઠ કરવામાં આવે છે.
હાલમાં ગુજરાતમાં આંગણવાડી બાળકોને જે પોષક આહાર આપવામાં આવી રહ્યો છે તે વર્ષ ૨૦૧૨માં નકકી કરવામાં આવેલા ધારાધોરણ મુજબ હોવાનું જણાવ્યું હતુ એજ રીતે મધ્યાહન ભોજન યોજનાના પણ વિદ્યાર્થીઓને પોષક આહાર પાછળ ખર્ચવામાં આવતા નાણા ખૂબજ ઓછા હોવાનું મનાઈ રહ્યું છે. કારણ કે સરકાર ખુદ કબુલી રહી છે કે ધો.૧ થી ૫મા દરેક વિદ્યાર્થી દીઠ રૂ. ૪.૫૮ અને ધો.૬ થી ૮માં રૂ.૬.૪૫ ખર્ચ થઈ રહ્યો છે.
દરમિયાન કેન્દ્રનાં નિતિ આયોગનાં ચેરમેન રાજીવ કુમારે રવિવારે જણાવ્યું હતુ કે ગુજરાતે ઔદ્યોગીકરણમાં સારો દેખાવ કર્યો છે. પરંતુ સ્વાસ્થય અને શિક્ષણક્ષેત્રે સારો કહી શકાય તેવો દેખાવ કર્યો નથી. શિક્ષણ અને આરોગ્યમા ગુજરાતનો વિકાસ આંતર માળખાકીય સુવિધા, ઉર્જા જેવા અન્ય ક્ષેત્રો જેવા ન હોવાની પણ માર્મિક ટકોર કરી હતી. ઉલ્લેખનીય છે કે હાલ દેશભરમાં કોઈપણ રાજયમાં અડધી ચાની કિંમત રૂ.૧૦ જેટલી છે. ત્યારે કુપોષિત બાળકો કે ગરીબ બાળકો પાછળ આંગણવાડી કેન્દ્રોમાં પ્રત્યેક બાળક દીઠ કરાતો રૂપીયા રૂ.૬થી ૮ જેટલો ખર્ચ અત્યંત મામૂલી હોવાનું જણાવી વિપક્ષો દ્વારા આ મુદાને જોરશોરથી ઉઠાવવામાં આવ્યો હતો.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,