વાંકાનેરમાં અત્યારથી ટેન્કરો દોડવા લાગ્યા:૧૮મી સુધીમાં કેનાલ મારફતે આવતા નર્મદાના પાણી પર પૂર્ણવિરામ મુકાશે : પીવાના પાણીની જરૂરિયાતને પહોંચી વળવા તંત્રનું વ્યૂહાત્મક આયોજન
નર્મદા ડેમમાંથી કેનાલ મારફતે પાણી વિતરણ ગત તા.૧૫ થી બંધ કરવામાં આવ્યું છે.નર્મદાના પાણી પર નભતા મોરબી સહિત સૌરાષ્ટ્રભરના વિસ્તારોમાં સિંચાઇ માટે ઘેરું જળસંકટ આવવાનું સ્પષ્ટ પણે દેખાઈ રહ્યું છે. આગામી દિવસોમાં મોરબી જિલ્લામાં પીવાના પાણીની જરૂરિયાતને પહોંચી વળવા ખાસ વ્યૂહ ગોઠવવામાં આવ્યો છે.
મોરબી જિલ્લાના મોટા ભાગના વિસ્તારમાં ખેતી નર્મદાના પાણી પર આધારિત છે.કેનાલ મારફતે અહી પહોંચાડવામાં આવેલા નર્મદા નીર થી સિંચાઇ થાય છે.ગત તા.૧૫થી નર્મદા ડેમ માંથી કેનાલ મારફતે પાણીનું વિતરણ કરવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. એટલે આગામી ૧૮મી થી કેનાલ મારફતે મળતા નર્મદાના પાણી પર પૂર્ણવિરામ મૂકવા જઇ રહ્યો છે.ત્યારે મોરબી જિલ્લામાં સિંચાઇ ક્ષેત્રે જળ સંકટના વાદળો છવાઈ રહ્યા છે.ખેડૂતો હાલ સિંચાઇના પાણી માટે ચિંતિત છે.
મોરબી જિલ્લામાં પીવાના પાણીને લઈને પણ સમસ્યા ઊભી થનારી છે.જિલ્લાને કુલ ૧૫૦ એલપીસીડી પીવાના પાણીની જરૂરિયાત છે.જેમાં ૧૦૦ એલપીસીડી ગ્રામ્ય વિસ્તાર માટે અને ૫૦ એલપીસીડી શહેરી વિસ્તાર માટે છે. મોરબી જિલ્લાની જરૂરિયાતને પહોંચી વળવા માટે તંત્ર દ્વારા વ્યૂહ ઘડવામાં આવ્યો છે.
તાલુકા વાઈઝ જોઈએ તો મોરબી તાલુકામાં ૮૫ એલપીસીડી પીવાના પાણીની જરૂરિયાત છે. મોરબી તાલુકાને નર્મદા અને મચ્છુ -૨ ડેમ માંથી પીવાના પાણીનો જથ્થો પૂરો પાડવામાં આવે છે. નર્મદાના પાણીનું વિતરણ બંધ થવાથી પાણી વિતરણ માટે મચ્છુ -૨ ડેમનો સંપૂર્ણ સહારો લેવો પડશે. મચ્છુ-૨ ડેમ માં ૧૫ ઓગસ્ટ સુધી ચાલે તેટલો પાણીનો જથ્થો છે.એટલે મોરબી તાલુકામાં પીવાના પાણીની કોઈ સમસ્યા નહિ રહે તેવું જાણવા મળી રહ્યું છે. જ્યારે સિંચાઇના પાણી બાબતે ચિંતા સેવાઈ રહી છે.
માળિયા તાલુકામાં પીવાના પાણીની ૧૦ એલપીસીડી જેટલી જરૂરિયાત છે. નર્મદા કેનાલ બંધ થવાથી માળિયા તાલુકાને નર્મદાની એન સી -૩૧ પાઇપ લાઇન મારફતે ૧૦
એલપીસીડી પાણી પહોંચાડીને જરૂરિયાત સંતોષવામાં આવશે. ટંકારા તાલુકામાં પીવાના પાણીની ૧૦ એલપીસીડી જેટલી જરૂરિયાત છે. નર્મદા કેનાલ બંધ થયા બાદ નર્મદાની એન સી -૩૧ અને એન સી -૩૪ પાઇપલાઇન મારફતે ટંકારા તાલુકાની પીવાના પાણીની જરૂરિયાત પૂર્ણ કરી શકાય તેમ છે.
હળવદ તાલુકામાં ૨૦ એલપીસીડી પીવાના પાણીની જરૂરિયાત છે. નર્મદા કેનાલ બંધ થવાથી હળવદ તાલુકાની પાણીની જરૂરિયાત બ્રહ્માણી ડેમ માંથી સંતોષી શકાય તેમ છે.હાલ આ પાઇપલાઇન નું કામ ચાલુ છે. જે તાકીદે પૂર્ણ કરીને અહી પાણી પહોંચાડી શકાય છે. વાંકાનેર તાલુકામાં ૨૫ એલપીસીડી પીવાના પાણીની જરૂરિયાત છે. વાંકાનેર ની આ જરૂરિયાતને મચ્છુ ૧ ડેમ માંથી પાણી લઈને સંતોષી શકાય છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,