પાણીની તંગી નિવારવાનાં આગોતરા આયોજનની સમીક્ષા કરતા પ્રભારી સચીવ:ટેન્કર ફાળવણીની સતા નાયબ કલેકટરને સોંપાઇ
રાજકોટ જિલ્લામાં રાજ્ય સરકારી ફ્લેગશીપ યોજનાના અમલીકરણ અને પ્રગતિની પ્રભારી સચિવ હારિત શુક્લએ સમીક્ષા કરી હતી. ખાસ કરીને આગામી ઉનાળામાં રાજકોટ શહેર અને જિલ્લાને પીવાના પાણીની કોઇ તકલીફ ના પડે તેના આગોતરા આયોજનની જાણકારી પણ તેમણે મેળવી હતી.
રાજ્ય સરકારીની વિવિધ કચેરીઓના વડાઓની ઉપસ્થિતિમાં યોજાયેલી સમીક્ષા બેઠકના પ્રારંભે કલેક્ટર ડો. વિક્રાંત પાંડે અને અધિક પોલીસ કમિશનર ભટ્ટે પ્રભારી સચિવનું સ્વાગત કર્યું હતું અને બાદમાં યોજનાકીય બાબતોની સમીક્ષા કરવામાં આવી હતી.
શુક્લાએ જણાવ્યું કે રાજ્ય સરકાર આરોગ્ય અને પોષણની બાબતને અગ્રતા આપી રહી છે. સરકારના દિશાનિર્દેશ પ્રમાણે સૌએ લોકકલ્યાણ માટે સારી રીતે કામગીરી કરવાની છે. ગુજરાતમાં વિકાસના ભૌતિક કાર્યો મોટા પ્રમાણમાં કરવામાં આવ્યા છે. હવે, સામાજિક વિકાસની બાબતોને રાજ્ય સરકાર અગ્રતા આપી રહી છે. તેથી, તેમાં આરોગ્ય અને પોષણની બાબતો ખાસ લક્ષ્યમાં લેવામાં આવે છે. ફ્લેગશીપ યોજનાઓની સમીક્ષા કરવા માટે રાજ્યકક્ષાએ એક ટાસ્ક ફોર્સ કમિટિની રચના કરવામાં આવી છે. જે યોજનાઓની પ્રગતિનું મૂલ્યાંકન કરી રહી છે. તેની અઠવાડિક સમીક્ષા કરવામાં આવે છે.
પ્રભારી સચિવએ વધુમાં કહ્યું કે કેન્દ્ર સરકારની યોજનાઓમાં હવે તો રાજ્યનું રેન્કિંગ કરવામાં આવે છે. તેની કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ લોકોને સરળતાથી અને મહત્તમ રીતે મળે એ રીતે આયોજન કરવા પડશે. વિધાનસભા અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી પૂર્ણ થઇ ગઇ છે. એટલે, નિયમિત કામગીરીની પ્રગતિમાં ગતિ લાવવી પડશે.
પાછલા ચોમાસામાં વરસાદ ઓછો પડવાના કારણે આ ઉનાળામાં પીવાના પાણીની અછત ન સર્જાય એ માટે રાજકોટ જિલ્લામાં ઘડી કાઢવામાં આવેલા માસ્ટર પ્લાનની શુક્લએ સમીક્ષા કરી હતી. જેમાં એવી વિગતો રજૂ કરવામાં આવી હતી કે રાજકોટના ૫૭૨ ગામો અને ૧૫ શહેરોની કૂલ ૩૦.૦૬ લાખ વસતીને ૨૦ જેટલી વિવિધ યોજનાઓને આધારે પીવાનું પાણી આપવામાં આવે છે. ૪૪૪ ગામોને નર્મદા આધારિત પાઇપ લાઇનથી પાણી આપવામાં આવે છે. નર્મદા અને મહિનું પાણી ૨૬૬ ગામોને મળે છે. ડેમ, બોર અને કૂવાના સ્ત્રોતના આધારે ૧૦૨ તથા સ્થાનિક સ્ત્રોતમાંથી પાણી મેળવતા ગામોને સંખ્યા ૨૦૪ છે. ૮ શહેરોને નર્મદા અને મહિ તથા ૭ શહેરોને ડેમ આધારિત યોજનામાંથી પાણી આપવામાં આવે છે. ૩૧ જુલાઇ સુધી રાજકોટ જિલ્લાને પીવાના પાણીની કોઇ સમસ્યા નડશે નહીં. એ બાદ જ્યાં જરૂર પડશે ત્યાં ટેન્કરથી પાણી આપવામાં આવશે. ટેન્કરના ભાવો મંજૂર કરી દેવામાં આવ્યા છે અને ફાળવણીની સત્તા નાયબ કલેક્ટરને આપવામાં આવી છે. આ બેઠકમાં આરોગ્ય, પુરવઠા, ગ્રામ વિકાસ, માર્ગ અને મકાન, સંકલિત બાળ વિકાસ, કૃષિની યોજનાની સમીક્ષા કરવામાં આવી હતી.
આ વેળાએ જિલ્લા વિકાસ અધિકારી જી. ટી. પંડ્યા, નિવાસી અધિક કલેક્ટર હર્ષદ વોરા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.