રૂ.૫૮ લાખના ખર્ચે ૧૧૨.૫ કેવી વિજળી સોલાર પ્લાન્ટથી ઉત્પાદન કરી ફેકટરી ચલાવાઈ છે: પર્યાવરણની પણ વિશેષ કાળજી લેવાઈ
મોરબીના ઉધોગપતિએ વીજ બચત કરવાની સાથે સાથે પર્યાવરણની જાળવણી કરી સૌરાષ્ટ્રમાં પ્રથમ કહી શકાય તેવી સોલાર પ્લાન્ટ આધારીત ફેકટરી શરૂ કરી છે. જેમાં ૧૧૨.૫ કિલો વોટ વિજળી ઉત્પન્ન કરી ફેકટરીના ઉપકરણો ચલાવવામાં આવે છે સાથો સાથ ફેકટરીની આજુબાજુ ગૌ આધારીત કૃષિથી વાતાવરણને શુદ્ધ બનાવવા પ્રયાસ કરાયો છે.
મોરબીના અગ્રણી ઉધોગપતિ અને જાગૃત નાગરિક એવા જયંતીભાઈ રાજકોટીયા સાદુકા ગામ પાસે બે ફેકટરીઓ ધરાવે છે. આ ફેકટરીઓમાં વીજ વપરાશ વધુ રહેતો હોય તેઓએ ફેકટરીમાં સોલાર પ્લાન્ટ લગાવી વીજ ઉત્પાદન કરવાનું નકકી કર્યું અને રૂ.૫૮ લાખના ખર્ચે સોલાર પ્લાન્ટ ફીટ કરી ૧૧૨.૫ કેવી વીજ ઉત્પાદન કરી રહ્યા છે અને સોલાર પ્લાન્ટમાંથી ઉત્પન્ન થયેલી વિજળી તેઓ પોતાની ફેકટરીમાં વપરાશ કરી રહ્યા છે દર મહિને ૭૦ હજારથી વધુનું વીજ બીલ બચાવી રહ્યા છે. આ અગાઉ તેઓ ફેકટરીમાં વીજ વપરાશ બદલ રૂ.૫.૫૦ લાખનું બીલ ચુકવતા હતા પરંતુ સોલાર પ્લાન્ટનો ઉપયોગ કરી તેઓએ વર્ષે દાડે ૮ થી ૯ લાખ રૂપિયાની વીજ બચત કરી છે અને આગામી પાંચ વર્ષમાં જ સોલાર પ્લાન્ટ ફીટ કરવાનો ખર્ચ વીજ બીલની બચતથી મજરે મેળવી લેશે.
મજાની વાત તો એ છે કે ફેકટરીમાં સોલાર વીજળીનો ઉપયોગ કરનાર જયંતીભાઈ રાજકોટીયા પર્યાવરણ પ્રત્યે પણ એટલા જ જાગૃત છે એટલે જ તેઓએ ફેકટરીની આજુબાજુમાં ૧૫ વિઘા જેટલી જમીનમાં ગૌઆધારીત ખેતી શરૂ કરી છે અને આ જમીનમાં તેઓએ ૫૦૦થી વધુ આયુર્વેદીક વૃક્ષો અને ઓર્ગેનિક શાકભાજી ઉગાડી રહ્યા છે. જોકે તેઓ ધંધાકીય હેતુ માટે આ ખેતી નથી કરતા તેઓ પોતાની ફેકટરી અને ખેતીવાડીમાં કામ કરતા મજુરોને બિલકુલ મફતમાં શાકભાજી પુરા પાડી તેઓને આર્થિક મદદ કરી રહ્યા છે.
આ ઉપરાંત તેઓની ફેકટરી અને ખેતીવાડીમાં કામ કરતા શ્રમિકોને ગૌ આધારીત ખેતી માટે રાખવામાં આવેલી છ ગાયોનું દુધ, દહીં, છાશ, ઘી પણ વિનામૂલ્યે પુરુ પાડે છે અને પોતાના ઘરવપરાશ માટે ઉપયોગ કરી માનવતાનું ઉદાહરણ પુરુ પાડયું છે.