ઓટો એક્સપો 2018ના બીજા દિવસે મારુતિએ પોતાની મોસ્ટ એવેટે કાર સ્વિફ્ટને નવા અવતારમાં લોન્ચ કરી છે. નવી સ્વિફ્ટ પેટ્રોલ અને ડીઝલ બન્ને વેરિએન્ટમાં ઉપલબ્ધ હશે. પેટ્રોલ વેરિએન્ટમાં 1197 સીસી જ્યારે ડીઝલ વેરિએન્ટમાં 1248 સીસીનું એન્જિન આપવામાં આવ્યું છે. આ સ્વિફ્ટનું થર્ડ જનરેશન છે.
પહેલા કરતાં મોટી છે નવી સ્વિફ્ટ
નવી સ્વિફ્ટ પેહલા કરતા વધારે પહોળી અને લોંગ વ્હીલ બેસ સાથે વધુ કેબિન સ્પેસ, હેડરૂમ અને લગેજ સ્પેસ સાથે લોન્ચ કરવામાં આવી છે. ઓલ ન્યૂ સ્વિફ્ટ જૂના મોડલ કરતા 40 એમએમ વધુ પહોળી છે. સાથે જ તેનું વ્હીલ બેસ પણ 20 એમએમ વધારે છે. તેના લગેજ સ્પેસને 58 લિટર સુધી વધારવામાં આવ્યું છે. જે સેકન્ડ જનરેશન કરતા 28 ટકા વધારે છે. તેમજ તેનું હેડરૂમ અંદાજે 24 એમએમ વધારે છે.
કારની કિંમત 4.99 લાખ રૂ.થી શરૂ
મારુતિની 3rd જનરેશન સ્વિફ્ટના પેટ્રોલ વેરિએન્ટની પ્રારંભિક કિંમત 4.99 લાખ રૂપિયા રાખવામાં આવી છે. તેમજ ડીઝલ વેરિએન્ટની પ્રારંભિક કિંમત 5.99 લાખ રૂપિયા રાખવામાં આવી છે. પેટ્રોલ વેરિએન્ટની કિંમત 4.99 લાખથી 7.29 લાખ રૂપિયાની વચ્ચે છે, તો ડીઝલ વેરિએન્ટની કિંમત 5.99થી 8.29 લાખ રૂપિયાની વચ્ચે છે. સ્વિફ્ટના ઓટોમેટિક વેરિએન્ટની વાત કરવામાં આવે તો પેટ્રોલ વર્ઝનની કિંમત 6.34થી 6.96 લાખની વચ્ચે જ્યારે ડીઝલ વર્ઝનની કિંમત 7.34થી 7.96 લાખ રૂપિયાની વચ્ચે છે.