છેલ્લા બે વર્ષથી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજકોટ શહેર પોલીસ દ્વારા થઇ રહેલ મેરેથોનનું આયોજન આ વર્ષે પણ અદભૂત અને યાદગાર બની રહેશે. મેરેથોનમાં ભાગ લેવા માટે સ્પર્ધકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહયો છે. અહી એ ખાસ યાદ અપાવીએ કે, છેલ્લા બે વરસથી સ્પર્ધકો માટે એકસરખી ડિઝાઈનના ટીશર્ટ રાખવામાં આવ્યા હતાં; જોકે તેમાં હવે આ વર્ષથી ફેરફાર કરવામાં આવેલ છે. આ વખતે મેરેથોનમાં ભાગ લેનાર દોડવીરોને નવી ડિઝાઇનના ટીશર્ટ મળશે તેમ મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ જાહેર કર્યું હતું.
આગામી તા. ૧૮-ફેબ્રુઆરી, ૨૦૧૮ ના રોજ રાજકોટ ખાતે મેરેથોન-૨૦૧૮નું આયોજન કરેલ છે. જેમાં હાલ અત્યાર સુધીમાં ૩૨,૦૦૦ થી વધુ સ્પર્ધકોએ રજીસ્ટ્રેશન કરાવી લીધું છે, અને હજુ વધુ ને વધુ સ્પર્ધકો રજીસ્ટ્રેશન કરાવી રહયા છે. રજીસ્ટ્રેશનની અંતિમ તારીખ ૧૦-૨-૨૦૧૮ છે. મેરેથોનમાં ભાગ લેવા ઇચ્છુક દોડવીરો હવે વિનાવિલંબે પોતાનું નામ નોધાવી દયે તેવી મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ અપીલ કરી છે.
મેરેથોન માટે સ્પર્ધકો અલગ અલગ કેટેગરીમાં રજીસ્ટ્રેશન કરાવી રહયા છે. રાજકોટ મેરેથોન દેશવિદેશમાં ખ્યાતિ પ્રાપ્ત કરી ચુકી છે. અગાઉના બે વર્ષની માફક આ વર્ષે પણ ૨૭ જેટલા વિદેશી દોડવીર ભાઈ-બહેનોએ રજીસ્ટ્રેશન કરાવી લીધેલ છે. આ વિદેશી સ્પર્ધકોને સરળતાથી ભારતના વિઝા મળી રહે તે માટે રાજકોટ મહાનગરપાલિકાએ ભલામણ પણ કરી આપેલ છે. મેરેથોન – ૨૦૧૮ને સફળ ઇવેન્ટ બનાવવા રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેર પોલીસને વિવિધ સ્તરેથી અને ક્ષેત્રમાંથી ભરપુર સહયોગ પ્રાપ્ત થઇ રહયો છે તેમ મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.
મ્યુનિ. કમિશનરશ્રીએ વિશેષમાં એમ કહ્યું હતું કે, મેરેથોન જેવી ઇવેન્ટમાં સ્વાભાવિકરીતે જ દર વર્ષે કેટલાય સ્પર્ધકો ભરપૂર ઉત્સાહ સાથે પ્રથમ જ વખત દોડમાં ભાગ લેતા હોય છે. ક્યારેક એવું પણ બને કે કોઈ સ્પર્ધક પોતાની ક્ષમતા કરતા વધુ તેજ રફતારથી અને વધુ અંતર કાપવાની લ્હાયમાં દોડવા લાગે છે જે આવી લાંબા અંતરની રેસ માટે કોઈ રીતે વાજબી અભિગમ ના ગણાય. ક્યારેક સ્પર્ધકો માટે આવી જીદ નુકશાનકારક સાબિત થાય છે. આવી સ્થિતિ નિવારવા માટે ઉપરોક્ત લાંબા અંતરની દોડમાં “પેસર” ઉભા રાખવામાં આવશે. જેઓ પોતાના હાથમાં ઝંડી લઈને ઉભા હશે. આ ઝંડીમાં સમય (ટાઈમિંગ) લખ્યો હશે જે એમ સૂચવતો હોય છે કે, આ રેસ આટલા સમયમાં પૂર્ણ કરી શકાશે. મેરેથોનની પ્રેક્ટિસ કરી રહેલા દોડવીરોને પોતાની ક્ષમતા કેટલી હોય છે તેનો આછો પાતળો અંદાજ હોય છે. તેઓ દોડ શરૂ કરે ત્યારબાદ રૂટમાં પર અમુક ચોક્કસ અંતરે અલગ અલગ સમય દર્શાવતી ઝંડી લઈને ઉભેલા પેસર અને તેની સાથેના દોડવીરો સ્પર્ધકોના સમૂહને એટલા સમયમાં દોડ પુરી કરાવવા પ્રોત્સાહન આપશે અને તેઓની સાથે દોડશે પણ ખરા.
મેરેથોનનું સંકલન કરી રહેલા નાયબ મ્યુનિ. કમિશનર શ્રી ચેતન નંદાણીએ જણાવ્યું હતું કે, ૪૨ કિ.મી.ની ફૂલ મેરેથોનમાં દિલીપભાઈ શર્મા “પેસર” તરીકે સેવા આપશે. ફૂલ મેરેથોન માટે કટઓફ ટાઈમ ૬.૦૦ કલાકનો છે. સ્વાભાવિકરીતે જ પ્રથમ વખત ફૂલ મેરેથોન દોડી રહેલા સ્પર્ધકો પાંચ કલાક કરતા વધુ સમય લેતા હોય છે. દિલીપભાઈ શર્મા ૫:૩૦ કલાકનો સમય દર્શાવતી ઝંડી સાથે ફૂલ મેરેથોનના રૂટ પર ઉભા રહેશે. આટલા સમયમાં દોડ પુરી કરી શકાશે તેવો વિશ્વાસ ધરાવતા દોડવીરો દિલીપભાઈ શર્મા સાથે દોડી શકશે. એવી જ રીતે ૨૧ કિ.મી.ની હાફ મેરેથોનમાં સાત્વિક રાજાણી ૧:૩૦ કલાકનો સમય દર્શાવતી ઝંડી સાથે, રાહુલ રાજયગુરૂ ૨:૦૦ કલાક, રીતેશ કુમાર ૨:૧૫ કલાક અને ઉમંગ ગજ્જર ૨:૪૫ કલાકનો સમય દર્શાવતી ઝંડી સાથે “પેસર” તરીકે રૂટ પર અલગ અલગ જગ્યાએ ઉભા હશે. હાફ મેરેથોનમાં ભાગ લેનાર સ્પર્ધકો ક્ષમતા અનુસાર જે તે પેસરના ગ્રુપમાં દોડી શકશે. તેમણે વધુમાં એમ પણ જણાવ્યું કે, પેસર તરીકે ભાઈઓ અને બહેનો અલગ અલગ રૂટ પર સેવા આપનાર હોઈ સ્પર્ધક ભાઈ-બહેનોને પોતપોતાના ગ્રુપમાં દોડવાની વધુ સુગમતા રહેશે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, જુદી જુદી કોલેજો અને NGO તરફથી મેરેથોન વિશે ઇન્કવાયરી કરવામાં આવે છે. રંગીલા રાજકોટની જનતા હજુ વધુને વધુ રજીસ્ટ્રેશન કરાવે અને મેરેથોન ૨૦૧૮ માં વધુને વધુ ઉત્સાહ અને ઉમંગથી જોડાતા રહયા છે અને આ વર્ષે પણ મહત્તમ સંખ્યામાં દોડવીરો ભાગ લેશે તેવી આશા કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ વ્યક્ત કરેલ છે. ભારતમાં સૌથી મોટી મેરેથોન યોજવાનું ગૌરવ રાજકોટને પ્રાપ્ત કરી ચૂકેલી રાજકોટ મેરેથોન હવે આ વર્ષે પણ આ સિલસિલો જાળવી રાખે તેવા હેતુથી વધુને વધુ લોકો જોડાય અને વધુને વધુ સ્પર્ધકો ભાગ લઇ આ ઇવેન્ટને અદભૂત, અકલ્પ્ય અને યાદગાર બનાવે તેવી અપીલ કરતા મ્યુનિ. કમિશનરશ્રીએ મહત્તમ સ્પર્ધકો વિના વિલંબે રજીસ્ટ્રેશન કરાવે તેવો અનુરોધ પણ કર્યો છે.