દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કમળ ખીલવવા માટે હાઇકમાન્ડ દ્વારા ગુજરાતના ચાર નેતાઓને મહત્વપૂર્ણ જવાબદારી સોંપાય: કેન્દ્રીય મંત્રી ડો.મનસુખ માંડવીયા, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, રાજ્ય સભાના સાંસદ મયંક નાયક અને વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર હવે દિલ્હીમાં પક્ષને મજબૂત બનાવવા લગાવશે એડીચોંટીનો જોર
હરિયાણા અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં જાજરમાન જીત મેળવ્યા બાદ હવે ભાજપની નજર દેશના દિલ ગણાતા દિલ્હી વિધાનસભાની ચુંટણી પર ટકેલી છે. છેલ્લા ઘણા વર્ષોથી દિલ્હીમાં ભાજપ સત્તા વિમુખ થઇ ગયું છે. આમ આદમી પાર્ટી છેલ્લા 10 વર્ષથી તોતીંગ બહુમતી સાથે દિલ્હીમાં રાજ કરી રહ્યું છે. દરમિયાન દિલ્હી વિધાનસભાની આગામી ચુંટણીમાં કમળ ખીલવવા માટે ગુજરાતના ચાર નેતાઓને ભાજપ હાઇકમાન્ડ દ્વારા મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. સંગઠનના માણસ ગણાતા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને દિલ્હીમાં ભાજપને મજબૂત બનાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત કેન્દ્રીય કેબિનેટ મંત્રી ડો.મનસુખભાઇ માંડવીયા, રાજ્યસભાના સાંસદ મયંક નાયક અને ધારાસભ્ય અમિત ઠાકરને પણ ખૂબ જ મોટી જવાબદારી સોંપવામાં આવી છે.
હાલ ભાજપ દ્વારા દેશભરમાં સંગઠન રચનાની કામગીરી ચાલી રહી છે. ત્યારે પક્ષે સંગઠન સાથે વિધાનસભાની ચૂંટણીમાં પણ કમળ ખીલવવા માટે ધ્યાન કેન્દ્રીત કર્યું છે. દિલ્હી વિધાનસભાની આગામી ચુંટણીમાં ભાજપને જીત મળે તે માટે પક્ષના ટોચના નેતાઓ દ્વારા છેલ્લા ઘણા સમયથી અથાગ મહેનત કરવામાં આવી રહી છે. ગુજરાત ભાજપના ટોચના ચાર નેતાઓને દિલ્હી વિધાનસભાની ચુંટણીમાં ખાસ જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં વેજલપરના ધારાસભ્ય અમિત ઠાકરે ઉમેદવારોના નક્કી કરવા માટે નિરિક્ષક તરીકેની જવાબદારી નિભાવવાની રહેશે. જ્યારે રાજ્યસભાના સાંસદ મયંક નાયકને દિલ્હીમાં વસવાટ કરતા ગુજરાતી સમાજ સહિતના અલગ-અલગ સમાજના લોકોને ભાજપની વિચારધારા સાથે જોડવાની કામગીરી કરવાની રહેશે. જ્યારે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે ભાજપનું સંગઠન માળખું વધુ મજબૂત બને તે માટેની વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે. ગુજરાત બેઇઝ મુજબ બૂથ લેવલથી જ પક્ષને મજબૂત કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. જેના થકી વિધાનસભાની એક-એક બેઠકો પર વિજય મેળવી શકાય. જ્યારે કેન્દ્રીય કેબિનેટ મંત્રી અને પોરબંદરના સાંસદ ડો.મનસુખભાઇ માંડવીયાને દિલ્હી વિધાનસભાની ચૂંટણીની પક્ષની તમામ કામગીરી પર નજર રાખવાની અને માર્ગદર્શન આપવાની કામગીરી સોંપવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં છેલ્લા ઘણા સમયથી ભાજપ સત્તાથી વંચિત છે. છેલ્લા 10 વર્ષથી આમ આદમી પાર્ટી તોતીંગ લીડ સાથે રાજ્યમાં સત્તારૂઢ થઇ રહી છે. સતત ત્રીજી વખત દિલ્હીમાં આપની જીતને અટકાવવા માટે ભાજપે કમરકસી છે. આગામી દિવસોમાં ગુજરાત ભાજપના હજુ કેટલાક નેતાઓને દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવે તેવી શક્યતા પણ નકારી શકાતી નથી.