ગુજરાતની ફેમિલી કોર્ટમાં આ વર્ષે 30 સપ્ટેમ્બર સુધી 44037 કેસ નોંધાયા છે. આમ, આ સ્થિતિએ પ્રત્યેક દિવસે નવા 160 કેસ નોંધાયા છે.
‘જનમોજનમની આપણી સગાઈ હવે શોધે છે સમજણની કેડી, આપણા અબોલાથી ઝૂર્યા કરે છે ત્યારે હવે આપણે સજાવેલી મેડી…’ મેઘબિંદુની આ પ્રખ્યાત ગુજરાતી રચના લગ્નસાગરમાં વધી રહેલી વમળની ઘટના માટે હાલમાં જાણે લાગુ પડી રહી છે. તેમજ ગુજરાતની 50 ફેમિલી કોર્ટમાં હાલ 50 હજારથી વઘુ કેસ પેન્ડિંગ છે. આ ઉપરાંત છેલ્લા એક વર્ષમાં ફેમિલી કોર્ટમાં પેન્ડિંગ કેસમાં 60 %નો વધારો નોંધાયો છે.
ફેમિલી કોર્ટમાં 1000થી વધુ કેસ પેન્ડિંગ
ગુજરાતની ફેમિલી કોર્ટમાં આ વર્ષે 30મી સપ્ટેમ્બર સુધી 44,037 કેસ નોંધાયા છે. ત્યારે આ દરમિયાન આ સ્થિતિએ પ્રત્યેક દિવસે નવા 160 કેસ નોંધાયા છે. જેની સરખામણીએ 2023માં 27,194 કેસ નોંધાયા હતા. ત્યારે આ પૈકી વર્ષ 2023માં 30,084 વર્ષ 2024માં 30,659 કેસનો નિકાલ થયો હતો. આ ઉપરાંત ગુજરાતની ફેમિલી કોર્ટમાં રોજના 112 કેસનો નિકાલ થાય છે. તેમજ 50,128 કેસ હાલમાં પેન્ડિંગ છે. ત્યારે આ સમગ્ર સ્થિતિએ પ્રત્યેક ફેમિલી કોર્ટ 1,000થી વધુ પેન્ડિંગ કેસ ધરાવે છે.
આ વર્ષે સૌથી વધુ કેસમાં ગુજરાત ચોથા સ્થાને
આ વર્ષ 2024 સમગ્ર દેશની વાત કરવામાં આવે તો સૌથી વઘુ કેસ નોંધાયા હોય તેમાં ઉત્તર પ્રદેશ 1.88 લાખ સાથે પ્રથમ, પંજાબ 55,547 સાથે બીજા, કેરળ 45,628 સાથે ત્રીજા અને ગુજરાત ચોથા સ્થાને છે. તેમજ અન્ય મોટા રાજ્યમાંથી મહારાષ્ટ્રમાં 30236, મધ્ય પ્રદેશમાં 32874, રાજસ્થાનમાં 34174 કેસ નોંધાઈ ચૂક્યા છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશમાંથી સૌથી વધુ 3.98 લાખ, કેરળમાં 1.09 લાખ, પંજાબમાં 77604 જેટલા પેન્ડિંગ કેસ છે. આ સમગ્ર દેશની 848 ફેમિલી કોર્ટમાં 6.43 લાખ કેસ નોંધાયા છે, 12.42 લાખ પેન્ડિંગ છે જ્યારે 6.85 લાખ કેસનો નિકાલ થયેલો છે.
લગ્નજીવનમાં તકરાર વધી
નિષ્ણાતોને મતે, છેલ્લા કેટલાક સમયથી દંપતીમાં નાની તકરાર મોટું સ્વરૂપ ધારણ કરવા લાગે છે અને તે છેવટે છૂટાછેડામાં પરિણામે છે. ત્યારે દંપતીમાં સમજણનો હેતુ સતત તૂટી રહ્યો છે અને બંનેમાંથી જાણે કોઈ અહમની દીવાલ તોડવા માટે તૈયાર નથી. આ ઉપરાંત વર્તમાન સમયમાં મહિલા અને પુરુષની પ્રાથમિકતા બદલાઈ છે. તેમજ મોબાઇલ, સોશિયલ મીડિયામાં વધુ પડતો સમય તણાવનું કારણ છે. આ ઉપરાંત નાની-નાની વાતોમાં ઘરમાં સાસુ-સસરા સાથે અણબનાવના કિસ્સા વધ્યા છે. આ દરમિયાન અમદાવાદની ફેમિલી કોર્ટમાં છૂટાછેડાના 10 હજારથી વધુ કેસ પડતર હોવાનું મનાય છે.