“ઠક્કરબાપા”ના હૂલામણા નામથી જાણીતા અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કરની 155મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા પોડિયમમાં આવેલા તેમના તૈલચિત્રને વિધાનસભાના ઇન્ચાર્જ સચિવ ચેતન પંડ્યા સહિત અધિકારી-કર્મચારીઓએ આજે પુષ્પાંજલિ આપી શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કરનો જન્મ ભાવનગર ખાતે તા. 29મી નવેમ્બર, 1869માં થયો હતો. પૂજ્ય ઠક્કરબાપા ગાંધીજીના પ્રિયજન તથા હરિજનો અને આદિવાસીઓના ઉદ્ધારક હતા. પૂજ્ય ઠક્કરબાપાને અનુકંપા અને દયાના ગુણો વારસામાં મળેલા હતા. પૂજ્ય ઠક્કરબાપાએ વર્ષ 1919 અને 1922માં ગુજરાત અને પંચમહાલના દુષ્કાળ વખતે આદિવાસીઓ માટે રાહત કામગીરીમાં ખૂબ ઉમદા કાર્ય કર્યું હતું. તેમની વર્ષ 1930માં અસહકારની લડતમાં ધરપકડ થઈ હતી અને દોઢ માસનો જેલવાસ પણ ભોગવ્યો હતો. પૂજ્ય ઠક્કરબાપા અખિલ હિન્દ હરિજન સેવક સંઘના મંત્રી અને બંધારણસભાના સભ્ય તથા બંધારણમાં હરિજનો-આદિવાસીઓ માટેના વિશિષ્ટ કલ્યાણ કામો પણ તેમણે કર્યા હતા. પૂજ્ય ઠક્કરબાપાનું તા. 19મી જાન્યુઆરી, 1951ના રોજ નિધન થયું હતું.