- ઓપરેશન બ્લેક ટોરેન્ડોમાં આતંકીને પગમાં ધરબી’તી ગોળી: કારગિલમાં ચાર આતંકીઓને જવાન જીગર વ્યાસે કર્યા’તા ઠાર
- આતંકીઓ, માઓવાદીઓ સામે બહાદુરીપૂર્વક બાથ ભીડનાર, 26/11 એટેકમાં આતંકીઓના સફાયા માટે ચલાવવામાં આવેલ ઓપરેશન બ્લેક ટોરેન્ડોમાં આતંકીને પગમાં ગોળી મારનાર અને આ ઉપરાંત સેનાના અનેક મહત્વપૂર્ણ ઓપરેશનમાં ભાગ ભજવનાર એનએસજી કમાન્ડો હાલ રાજકોટ જેલમાં કેદ છે.
આ વાત એક એવા એનએસજી કમાન્ડોની છે જેણે દેશના દુશ્મનો સામે બહાદુરીપૂર્વક લડત લડી છે પણ દુશ્મનોને ગોઠણીયે વાળી દેનાર જવાન પોતાના પરિવાર સામે જ હારી ગયો. આ વાત છે સ્પેશિયલ એક્શન ગ્રુપના જવાન જીગર વ્યાસની. મૂળ ભાવનગરના વતની જીગર હરેશભાઇ વ્યાસની ભરતી નાઈન પેરા સ્પેશિયલ ફોર્સમાં હેડ કોન્સ્ટેબલ તરીકે વર્ષ 2000માં થઇ હતી. ભરતી બાદ જીગર વ્યાસને પહેલું પોસ્ટિંગ મણિપુરમાં આપવામાં આવ્યું હતું. આ વિસ્તારમાં બહાદુર જવાને તેના કાર્યકાળમાં ત્રણ માઓવાદીને ઠાર માર્યા હતા. જે બાદ પોસ્ટિંગ જમ્મુ કાશ્મીર અને ત્યારબાદ વર્ષ 2008માં 51 સ્પેશિયલ એક્શન ગ્રુપ(એસએજી)માં એનએસજી કમાન્ડો તરીકે પોસ્ટિંગ આપવામાં આવ્યું હતું. જે બાદ 51 સ્પેશિયલ એક્શન ગ્રુપને મુંબઈમાં થયેલ 26/11 એટેકમાં આતંકીઓના સફાયા માટે ઑપરેશન બ્લેક ટોરેન્ડોની જવાબદારી આપવામાં આવી હતી. કમાન્ડો જીગર વ્યાસ પણ આ ટીમમાં શામેલ હતો. સ્નાઇપર ગાર્ડ તરીકે ઉતરેલા જીગર વ્યાસે એક આતંકીને પગના ભાગે ગોળી પણ ધરબી હતી. સતત 36 કલાક સુધી ચાલેલા આ ઓપરેશનમાં જીગર વ્યાસ સતત ફરજમાં હાજર રહ્યો હતો. આ ઓપરેશન દરમિયાન કમાન્ડો વ્યાસને પણ જમણા પગમાં ગોળી વાગી હતી તેમ છતાં આ જવાન બહાદુરીપૂર્વક આતંકીઓ સામે લડ્યો હતો. આ ઉપરાંત વર્ષ 2010માં કારગિલ ખાતે પોસ્ટિંગમાં આ જવાને 4 આતંકવાદીઓને ઠાર કર્યા હતા.
હવે આટલી બહાદુરીપૂર્વક દેશના દુશ્મનો સામે બાથ ભીડનાર જવાન જેલના સળિયા પાછળ કેવી રીતે ધકેલાયો તે એક મોટો સવાલ છે. તો આખેઆખી ઘટના અમે અહીં રજૂ કરી રહ્યા છીએ. વર્ષ 2015માં જીગર વ્યાસનું પોસ્ટિંગ જમ્મુ કાશ્મીરના અખનુરમાં હતું. ત્યારે એકદિવસ અચાનક તેમની ચાર વર્ષની દીકરી એંજલનો ફોન આવ્યો હતો. માસુમ પુત્રીએ ફોન કરીને કહ્યું હતું કે, ’પપ્પા તમારી ગેરહાજરીમાં બીજા પપ્પા આવે છે અને મને મારે છે’… આ વાત સાંભળતા જીગર વ્યાસના પગ તળેથી જમીન ખસી ગઈ હતી. આ બાબતે તેણે પોતાની પત્ની ચેતનાબેન સાથે વાત કરવા અનેકવાર ફોન કર્યા હતા પણ પત્ની ફોન ઉપાડતી ન હતી. જે બાદ એક દિવસ પત્ની ચેતનાબેને ફોન કરીને એવુ કહ્યું કે, હવે મારે તમારી સાથે નથી રહેવું, મારે છૂટાછેડા જોઈએ છે.
આ વાત સાંભળ્યા બાદ જવાને પત્નીને છૂટાછેડા આપવા માટે હાં પાડી દીધી હતી. 12 ફેબ્રુઆરી 2015ના રોજ જીગર વ્યાસ શ્રીનગરથી ફ્લાઇટ મારફત અમદાવાદ અને ત્યારબાદ ભાવનગર પહોંચ્યો હતો. ઘરે પહોંચતા પત્ની હાજર નહિ મળી આવતા ફોન કર્યા હતા પણ કોઈ પતો લાગ્યો ન હતો. જે બાદ મિત્રો પાસે તપાસ કરતા પત્ની દેવેન્દ્ર શર્મા નામના ઉદ્યોગપતિના જવેલ સર્કલ નજીક આવેલ આર કે પોઇન્ટ એપાર્ટમેન્ટ ખાતે હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસને આ બાબતે જાણ કરી હતી અને પોલીસને સાથે રાખે આર કે પોઇન્ટ એપાર્ટમેન્ટ ખાતે જવાન પહોંચ્યો હતો. જ્યાં પત્ની ચેતનાબેન તેના પ્રેમી સાથે મળી આવી હતી. જ્યાં પોલીસની હાજરીમાં જ છૂટાછેડા લેવાનું નક્કી થયું હતું અને પોલીસે પત્નીના પ્રેમી દેવેન્દ્ર શર્મા પીધેલી હાલતમાં હોવાથી પ્રોહીબીશનનો કેસ પણ દાખલ કર્યો હતો.
13 ફેબ્રુઆરીના રોજ જીગર વ્યાસ કોર્ટ ખાતે છૂટાછેડા લેવા પહોંચ્યો હતો જ્યાં રજીસ્ટ્રારે બીજા દિવસે આવવાનું જણાવ્યું હતું. બાદમાં 14 ફેબ્રુઆરીના રોજ બપોરના સાડા ત્રણ વાગ્યે જીગર વ્યાસ રજીસ્ટ્રાર પાસે પહોંચી ગયો પણ ત્યારે જ પત્નીએ ફોન કરીને પહેલા દેવેન્દ્ર શર્માના ફ્લેટ ખાતે આવવા જણાવ્યું હતું. પોણા ચાર વાગ્યે જીગર વ્યાસ ફ્લેટ ખાતે પહોંચ્યો ત્યારે ફ્લેટનો દરવાજો ખુલ્લો હતો. જીગર વ્યાસે દરવાજા પાસેથી જ પત્નીને સાદ કર્યો હતો. ત્યારે પત્નીએ અંદર રૂમમાં આવવા સામે જવાબ આપ્યો હતો. જેથી અંદર રૂમમાં પહોંચતા પત્ની અને પ્રેમી દેવેન્દ્ર બંને કઢંગી હાલતમાં જોવા મળ્યા હતા. જેથી જીગરે પત્નીને પૂછ્યું હતું કે, આ તુ મને શું બતાવવા માંગે છે? ત્યારે પત્નીએ કહ્યું હતું કે, આ અમારો પ્રેમ છે જે હું તને બતાવવા માંગતી હતી.
બાદમાં અગાઉની રાત્રે પોલીસે દાખલ કરેલ પ્રોહીબીશનના કેસનો ખાર રાખી દેવેન્દ્રએ જીગર વ્યાસને બેફામ ગાળો આપી પ્રથમ પોતાની પાસે રહેલા હથિયારથી બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જે બાદ જીગર વ્યાસે એક જ રાઉન્ડ ફાયરિંગ કરતા તે ગોળી દેવેન્દ્રને માથાના ભાગે લગતા તે ત્યાં જ ઢળી પડ્યો હતો. જે બાદ એક રાઉન્ડ ફાયર ચેતનાબેન પર કરતા પત્નીને છાતીના ઉપરના ભાગે વાગી હતી. જે બાદ જીગર વ્યાસે સામે ચાલીને ભાવનગર એ ડિવિઝન પોલીસમાં જઈને સરેન્ડર કર્યું હતું.
પત્નીના અફેરના લીધે એક બહાદુર સૈનિક હાલ જેલમાં બંધ છે. દુશ્મને ઠાર મારનાર જવાન હાલ પત્નીના પ્રેમીની હત્યાના કેસમાં જેલની સજા કાપી રહ્યો છે.
જીગર વ્યાસ જેવા કમાન્ડોની ભારતીય સેનાને જરૂર: ઇન્ડિયન આર્મીએ ગુજરાત હાઇકોર્ટને લખ્યો પત્ર
જીગર વ્યાસને હત્યાના કેસમાં ભાવનગરની અદાલતે વર્ષ 2016માં દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકાર્યા બાદ હાઇકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. જે બાદ 2019માં ઇન્ડિયન આર્મીની નાઈન પેરા સ્પેશિયલ ફોર્સના કર્નલ અમિત રાવતે એક પત્ર મારફત ગુજરાત હાઇકોર્ટને વિનંતિ કરી હતી કે, જીગર વ્યાસ જેવા કમાન્ડોની આર્મી અને દેશને જરૂરિયાત છે. જેથી તેને જેલમુક્તિ આપવામાં આવે. ઉલ્લેખનીય બાબત છે કે, આર્મીની નાઈન પેરા સ્પેશિયલ ફોર્સ કાશ્મીરમાં ઓપરેશન ઓલ આઉટ, સર્જીકલ સ્ટ્રાઇક જેવા અત્યંત મહત્વપૂર્ણ ઓપરેશન ચલાવનાર ફોર્સ છે. આર્મીના પત્ર બાદ ગુજરાત હાઇકોર્ટએ એવી ખરાઈ પણ કરી હતી કે, જીગર વ્યાસ ઑપરેશન બ્લેક ટોરેન્ડોનો ભાગ હતો કે નહિ. ત્યારે સેનાએ જીગર વ્યાસે કરેલી કામગીરી, ઠાર મારેલા આતંકીઓની સંખ્યા અને બહાદુરી માટે મેળવેલા એવોર્ડ્સ અંગેની માહિતી પણ સેનાએ આપી હતી.
ફરજ દરમિયાન ચાર વાર ગોળીનો નિશાન બનનાર જીગર વ્યાસને રાષ્ટ્ર્રપતિ દ્વારા મળેલા છે સાત વીરચક્ર
15 વર્ષ સુધી સેનામાં ફરજ બજાવનાર જીગર વ્યાસને ચાર વાર ગોળી વાગી ચુકી છે. જે પૈકી એક ગોળી તાજ એટેક વેળાએ જમણા પગમાં વાગી હતી. જીગર વ્યાસને તેની બહાદુરી માટે કુલ સાત વીરચક્ર રાષ્ટ્ર્રપતિ દ્વારા પ્રાપ્ત થયાં છે. ઉલ્લેખનીય છે કે, તાજ એટેકમાં ઉત્કૃષ્ટ કામગીરી માટે પણ રાષ્ટ્ર્રપતિના હસ્તે એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
પુત્ર જેલમાં હોવાથી 64 વર્ષીય વૃદ્ધ માતા નિરાધાર
જીગર વ્યાસના પિતા હરેશભાઇનું વર્ષો પૂર્વે જ નિધન થઇ ગયાં બાદ માતા દક્ષાબેન માટે પુત્ર જીગર એકમાત્ર આધાર હતો પણ પુત્ર છેલ્લા 10 વર્ષથી જેલમાં હોવાથી હાલ 64 વર્ષીય વૃદ્ધ માતા તદ્દન નિરાધાર બની ગઈ છે અને હવે તેના પુત્રને જેલમુક્તિ આપવામાં આવે તેવી માંગ કરી રહી છે.