- અટલ સરોવર ખાતે સાધન-સુવિધા અને જળસ્ત્રોતની માહિતી મેળવી જરૂરી સુચનો પણ આપ્યા
ગુજરાત સરકારના જળસંપતિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ આજે “અટલ સ્માર્ટ સિટી” વિસ્તારમાં “અટલ સરોવર” શુભેચ્છા મુલાકાત લીધી હતી. “અટલ સ્માર્ટ સિટી” વિસ્તારમાં આવેલ અલગ-અલગ સુવિધાઓ, “અટલ સરોવર” એમ્યુઝમેન્ટ પાર્ક, ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ, રોડ નેટવર્ક વગેરેની વિગતો મેળવી માહિતગાર થયા હતા. કુંવરજીભાઈ બાવળીયા તથા નાયબ મેયર નરેન્દ્રસિંહ જાડેજા, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયાએ ટોય ટ્રેઈનમાં મુસાફરી કરી સંપૂર્ણ સંકુલની મુલાકાત લીધી હતી.
પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ અટલ સરોવરની મુલાકાત લઈ સરોવર ખાતે સાધન-સુવિધાઓ અને જળ સ્ત્રોતની માહિતી મેળવી જરૂરી સૂચનો કર્યા હતાં.
રાજકોટના પર્યટન સ્થળ સમા સ્માર્ટ સિટીના ભાગ એવા અટલ સરોવરમાં વરસાદી પાણીનું જળ સંચય કરી સરોવરમાં ઉપલબ્ધ બને તે પ્રકારે વ્યવસ્થા કરવામાં આવી છે. સાથોસાથ રૈયા વિસ્તારના ગંદા પાણીને ટ્રીટેડ વોટર પ્લાન્ટ દ્વારા પાણીનું શુદ્ધિકરણ કરી આ પાણી અટલ સરોવરના બગીચામાં ફૂલ- ઝાડને આપવામાં આવે છે.
મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ સરોવરના વિસ્તાર, નિર્માણ તેમજ પાણીની પૂર્તતા માટે વ્યવસ્થાપન અંગે માહિતી મેળવી હતી. વિશેષમાં મંત્રી કુંવરજીભાઇ અટલ સરોવર ખાતે ઉપલબ્ધ પાર્ટી લોન, કાફેટેરીયા, કિડ્સ પ્લે એરિયા, ગાર્ડનની મુલાકાત લઈ અહીં ચાલતી વિવિધ પ્રવૃતિથી માહિતગાર થયા હતાં, તેમજ સરોવર ખાતે સુરક્ષાર્થે કાર્યરત સી.સી.ટી.વી. કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમની પણ મંત્રી અને મહાનુભાવોએ મુલાકાત લીધી હતી.
કેન્દ્ર સરકારના સ્માર્ટ સિટી મિશન અંતર્ગત ટી.પી. સ્ક્રીમ નં.32(રૈયા) વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા એક નવું નજરાણું “અટલ સરોવર” અને એમ્યુઝમેન્ટ પાર્ક રૂ.136 કરોડના ખર્ચે વિકસાવવામાં આવેલ છે. આ “અટલ સરોવર” અંદાજે 477 મિલિયન લિટર વરસાદી પાણીનો સંગ્રહ થશે. “અટલ સરોવર” કુલ ક્ષેત્રફળ 2,93,457 ચો.મી છે. અટલ સરોવરમાં ગાર્ડન, સ્પેશીયલ ચિલ્ડ્રન ગાર્ડન, ફેરિસ વ્હીલ, બોટિંગ, ટોયટ્રેઇન, વોકવે, સાઇકલ ટ્રેક, પાર્કિંગ એરિયા, બે એમ્ફી થીયેટર, એન્ટ્રન્સ પ્લાઝા, લેન્ડસ્કેપિંગ, પાર્ટી પ્લોટ, બે ફૂડ કોર્ટ, ગ્રામ હાટ, ફ્લેગમાસ્ટ, લાઈટ એન્ડ સાઉન્ડ-શો વગેરે સુવિધાઓ છે. “અટલ સરોવર” વિસ્તારમાં ગ્રામ હાટ માટે કુલ-42 દુકાનોનું નિર્માણ કરવામાં આવેલ છે. બંને ફ્લેગ પોલ પૈકી એક પોલની ઊંચાઈ 70 મીટર છે. જે ગુજરાતનો ઊંચામાં ઊંચો ફ્લેગ પોલ છે. આ ઉપરાંત શોપિંગ સેન્ટર તેમજ 7 ટોઇલેટ બ્લોક છે.
અટલ સરોવરની કુંવરજીભાઈ બાવળીયાની મુલાકાત વેળાએ ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા, નાયબ કમિશનર અને રાજકોટ સ્માર્ટ સિટી ડેવલોપમેન્ટ લિ.ના સી.ઈ.ઓ. સી.કે.નંદાણી, સિટી એન્જીનીયર અને રાજકોટ સ્માર્ટ સિટી ડેવલોપમેન્ટ લિ.ના જનરલ મેનેજર પી.ડી.અઢીયા, રાજકોટ સ્માર્ટ સિટી ડેવલોપમેન્ટ લિ.ના નાયબ કાર્યપાલક ઇજનેર એચ.એમ. સોંડાગર, એ.એસ.શાહ, રાજકોટ સ્માર્ટ સિટી ડેવલોપમેન્ટ લિ.ના અધિકારી-કર્મચારીઓ તથા સંચાલક એજન્સીના કર્મચારીઓ ઉપસ્થિત રહેલ હતા.