- મહેશગીરી રાત્રીના દોઢ વાગ્યે હોસ્પિટલ ધસી જઈ મહંત તનસુખગીરી બાપુના સહી લઇ આવ્યાનો આરોપ
જૂનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાએ મહંત મોહનગીરી સામે ગંભીર આક્ષેપ કર્યા છે. મોહનગીરી ફક્ત આક્ષેપબાજી કરી અંબાજી મંદિરની ગાદી હડપ કરવા માંગતા હોય તેવા આક્ષેપ બાદ હવે આ વિવાદે નવું સ્વરૂપ ધારણ કર્યું છે. સાથોસાથ અંબાજી મંદિરના ગાદીપતિ કોણ બનશે તેનો પ્રશ્ન વધુ જટિલ બન્યો છે.
કરોડો હિંદુઓની આસ્થાના પ્રતીક સમાન ગિરનારની તળેટીમાં આવેલ મંદિરોમાં હાલ બે સંતો વચ્ચે અંબાજી મંદિરના ગાદી પ્રશ્ને જે વિવાદ ચાલી રહ્યો છે તે વિવાદમાં જૂનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાએ બંને સંતોને સલાહ આપ્યા બાદ હવે વિવાદે વધુ વેગ પકડ્યો છે. મોહનગીરીએ ગિરીશ કોટેચાને આડેહાથ હાથ લેતા કહ્યું કે, તમે એક બાથરૂમ બનાવી શકતા નથી અને જૂનાગઢનો ઠેકો લીધો હોય તેમ કોઈપણ વાતમાં બફાટ કરવા લાગો છો. ભવનાથ મંદિર ધાર્મિક ટ્રસ્ટ હોવા છતાં તેને સાર્વજનીક ટ્રસ્ટ બનાવી તેમાં ટ્રસ્ટી બની મંદિર હડપ કરવાનો કોટેચાએ પ્રયાસ કર્યો છે.’મહંત મહેશગિરીએ જૂનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા પર આક્ષેપો કરતા કહ્યું કે, ’જ્યારે કોઈ મુર્ખતા પૂર્વકની વાત કરવાની હોય તેમાં પાર્ટીએ પડવું ન હોય ત્યારે એક વ્યક્તિને આગળ કરી દે છે અને એ ભાઈનું નામ છે ગિરીશ કોટેચા. તું છે કોણ, તું કોઈ શંકરાચાર્ય છે? બંને સાધુ શાંત થાવ એમ કહીં હાથ ઊંચા કરી આર્શીવાદ આપવા માંગે છો, તું છે શું ? રાજકારણવાળા તમામ આ બાબતથી દૂર રહેજો, અમારો મામલો છે અમે જોશું તંત્ર અને સરકાર જોઈ લેશે, તે જૂનાગઢનો ઠેકો લઈ રાખ્યો છે, ધર્મનો ઠેકો લઈ રાખ્યો છે.
આ નિવેદન બાદ રાજકોટ ખાતે પત્રકારોને સંબોધન કરતા ગિરીશ કોટેચાએ જણાવ્યું હતું કે, અંબાજી મંદિરના મહંત તનસુખગીરી પાસે હોસ્પિટલમાં રાત્રે દોઢ વાગ્યે જઈને સહી લઇ આવનાર મહેશગીરી અંબાજી મંદિરની ગાદી હડપ કરવા માંગે છે. ગિરીશ કોટેચાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, જૂનાગઢના દત્તાત્રેયના કમંડળકુંડના અમૃતગીરી બાપુના સંપર્ક આવ્યા બાદ તેમનના ચેલા બની ગયાં હતા અને ત્યારબાદ અમૃતગીરી બાપુના અવસાન બાદ પોતે ગાદીપતિ બની બેઠા હતા. મહેશગીરીએ અમૃતગીરી બાપુના હાથના કમંડળકુંડ અને ભેસાણમાં આવેલી જગ્યાનો પણ કબ્જો લઇ લીધો હતો. ઉલ્લેખનીય છે કે, કોટેચાએ એવો પણ આક્ષેપ કર્યો છે કે, અમૃતગીરી બાપુનું અવસાન પણ શંકાના દાયરામાં છે.
વધુમાં ગિરીશ કોટેચાએ જણાવ્યું છે કે, ભવનાથમાં આવ્યા બાદ મહેશગીરી શ્રી શ્રી રવિશંકર સંપર્કમાં આવ્યા હતા. શ્રી શ્રી રવિશંકર તેમને આર્ટ ઓફ લિવિંગમાં લઇ ગયાં હતા જ્યાંથી મહેશગીરીએ રાજકારણમાં પગ મુક્યો હરો અને શ્રી શ્રીના કહેવાથી ભાજપમાંથી ટિકિટ મેળવી સાંસદ બન્યા હતા. જો કે, શ્રી શ્રી સાથે એવુ તો શું બન્યું કે, મહેશગીરીએ આશ્રમ છોડી જૂનાગઢ પરત આવવું પડ્યું તે એક મોટો સવાલ છે. શ્રી શ્રી રવિશંકર અને મહેશગીરી વચ્ચે શું સંબંધો હતા તે જાહેર કરવામાં આવે અને એવુ તો શું બન્યું કે તે સબંધો પુરા થઇ ગયાં તે પણ જાહેર કરવામાં આવે.
ગિરીશ કોટેચાએ આક્ષેઓ કર્યો છે કે, મહેશગીરી પોતે ફક્ત ઝગડા જ કરવામાં માને છે. બે વર્ષ પહેલા પણ ગિરનાર પરિક્રમાની બેઠકમાં કલેક્ટર સાથે માથાકૂટ કરી હતી અને પરિક્રમા દેવ દિવાળી જ શરૂ કરવામાં આવે તેને લઈને વિવાદ કર્યો હતો. જેના લીધે જૂનાગઢની છબી ખરડાઈ હતી. તેમણે વધુમાં જણાવ્યું છે કે, મહેશગીરી તનસુખગીરી બબાપુ સાથે પણ ક્રિમિનલ માણસની જેમ વર્તન કરતા હતા. મોડી રાત્રે જઈ વિડીયો શૂટિંગ કરી માથાકૂટ કરી હતી.
ગૃહમંત્રી અમિત શાહ દ્વારા પાંચ કરોડ રૂપિયા અને આઈએએસ રાહુલ ગુપ્તા, આલોકકુમાર પાંડે સહિતના ચાર અધિકારીઓએ પણ રૂપિયા લઇ ભ્રસ્ટાચાર કર્યો છે તેવા આક્ષેપ કરનાર મહેશગીરી વિરુદ્ધ રાજ્ય સરકાર તપાસ કરે તેવી માંગણી ગિરીશ કોટેચાએ કરી છે.
એક પણ સાધુ મારા વિશે ખરાબ બોલે તો રાજકારણ છોડી દેવાની ચેલેન્જ ફેંકતા કોટેચા
મહંત મહેશગીરી દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો કે, યેનકેન પ્રકારે પોતે ટ્રસ્ટી બનીને ભવનાથ મંદિરની જગ્યા હડપ કરવા માંગે છે ત્યારે ગિરીશ કોટેચાએ આ મામલે જણાવ્યું છે કે, જૂનાગઢથી માંડી ગિરનારની તળેટી સુધીમાં એક પણ સંત મારા વિશે કંઈ ખરાબ બોલે તો હું રાજકારણ છોડી દઈશ.
હાટકેશ હોસ્પિટલ બંધ કરવા મહેશગીરીએ ધમકી આપ્યાનો આક્ષેપ
ગિરીશ કોટેચાએ આક્ષેપ કર્યો છે કે, ભૂતનાથ મહાદેવ મંદિર પાસે આવેલી હાટકેશ હોસ્પિટલ કે જે મહાશ્રોતાબેન દ્વારા બનાવવામાં આવી હતી. જે ગરીબ દર્દીઓની ફક્ત રૂ. 10 માં સારવાર કરે છે તે હોસ્પિટલ બંધ કરી દેવા મહેશગીરીએ ધમકીઓ આપી હતી. મહેશ ગિરીએ બુલડોઝર ફેરવી હોસ્પિટલ પાડી નાખવા પણ ધમકી આપ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
સીબીઆઈ તપાસની માંગણી
મહેશગીરી જે સંસ્થાઓમાં હોદ્દાઓ ધરાવે છે તે ત્રણેય સંસ્થાઓ સામે સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવે તેવી માંગણી ગિરીશ કોટેચાએ મુખ્યમંત્રી સમક્ષ કરી છે. ગૃહમંત્રી અમિત શાહ દ્વારા પાંચ કરોડ રૂપિયા અને આઈએએસ રાહુલ ગુપ્તા, આલોકકુમાર પાંડે સહિતના ચાર અધિકારીઓએ પણ રૂપિયા લઇ ભ્રસ્ટાચાર કર્યો છે તેવા આક્ષેપ કરનાર મહેશગીરી વિરુદ્ધ રાજ્ય સરકાર તપાસ કરે તેવી માંગણી ગિરીશ કોટેચાએ કરી છે.
ભવનાથ, અંબાજી અને દત્તાત્રેય મંદિરમાં વહીવટદારની નિમણૂંક: નાણાંની હેરાફેરીની તપાસ પણ કરાશે
બે સંતો દ્વારા જૂનાગઢના વિશ્વપ્રસિદ્ધ ગિરનારના અંબાજી મંદિરના મહંત તનસુખ ગીરી બાપુના અવસાન બાદ તેમના ઉત્તરાધિકારી માટે શરૂ થયેલા વિવાદો બાદ ભવનાથ મંદિર, ગુરુદત્તાત્રેય મંદિર અને અંબાજી મંદિરમાં જિલ્લા કલેકટર દ્વારા વહીવટદારની નિમણૂક કરવામાં આવી છે.
જૂનાગઢ જિલ્લા કલેકટર દ્વારા આ અંગે જણાવ્યું હતું કે ભવનાથ અંબાજી મંદિર અને દત્તાત્રે મંદિરના મહંત તનસુખગીરી બાપુનું અવસાન થતાં મહંતની નિમણૂકની વહીવટી પ્રક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી જુનાગઢ શહેર મામલતદારને આ ત્રણેય મંદિરના વહીવટદાર તરીકે નિમણૂક કરીને દેવસ્થાનનું સંચાલન કરવા સૂચના આપી છે. ઉપરાંત નાણાં હેરાફેરીની તપાસનો પણ પ્રારંભ કરી દેવામાં આવ્યો છે તેવું જૂનાગઢ કલેક્ટર અનિલ રાણાવસીયાએ જણાવ્યું છે.