- મહાઠગ ભુપેન્દ્ર ઝાલાનું મહાકૌભાંડ
- સૂત્રધાર મયુર દરજી પોલીસ રિમાન્ડમાં : ભુપેન્દ્ર ઝાલા પોલીસ પકડથી દૂર
ઉત્તર અને મધ્ય ગુજરાતમાં બીઝેડ ગ્રુપના કરોડો રૂપિયાનું કૌભાંડ સામે આવ્યું છે. બીઝેડ ગ્રુપનો સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલા એકના ડબલ કરવાની સ્કીમમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 6000 કરોડ ઉઘરાવ્યા પછી ભૂગર્ભમાં ઉતરી ગયો છે. ત્રણ વર્ષમાં પૈસા બમણા કરવાની લાલચ આપીને ભૂપેન્દ્રસિંહ ઝાલાએ હજારો લોકોને છેતર્યા છે. વર્ષ 2021થી ઓફિસ ખોલીને રોકાણો મેળવવા માટે રોકાણની સામે ત્રણ વર્ષણાં બમણા અને સામાન્ય રોકાણની સામે ઉંચા વળતરની લાલચ આપીને રૂપિયા છ હજાર કરોડનું કૌભાંડ આચર્યાનો ઘટસ્ફોટ સીઆઈડી ક્રાઇમે કર્યો છે.
સાબરકાંઠા, વડોદરા, ગાંધીનગર અને રાજસ્થાન સહિત બે રાજ્યમાં કુલ સાત સ્થળો પર દરોડા પાડીને અનેક મહત્ત્વના દસ્તાવેજ, પુરાવા એકઠા કરીને સીઆઈડી ક્રાઇમે વિધિવત ફરિયાદ નોંધવા સાથે આરોપી અને ભાજપનો કાર્યકર ભૂપેન્દ્રસિંહ ઝાલા વિદેશ ભાગી ન જાય તે માટે લુકઆઉટ સર્ક્યુલર જારી કર્યું છે. પોન્ઝી સ્કીમ ચલાવવાના આરોપી એવા ભાજપ કાર્યકર્તા ભુપેન્દ્ર સિંહ ઝાલા હાલ ફરાર છે, ત્યારે પોલીસ તેમના નિવાસ સ્થાનથી લઇને વિવિધ જિલ્લામાં તપાસ કરી રહી છે. બીઝેડ ગ્રુપના કરોડો રૂપિયાનું કૌભાંડ મામલે સીઆઈડી ક્રાઈમે પકડેલા 7 આરોપીઓને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરાયા હતા. એક એજન્ટ સહિત બીઝેડના સ્ટાફની સીઆઈડી ક્રાઇમે ધરપકડ કરી છે. મુખ્ય સૂત્રધાર મયુર દરજીના 30 નવેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે જયારે અન્ય લોકોને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. સીઆઈડી ક્રાઇમે મયુર દરજી સહિત સાત આરોપીઓમાં વિશાલસિંહ ઝાલા, દિલીપ સોલંકી, આશિક ભરથરી, સંજય પરમાર, રાહુલ રાઠોડ, રણવીરસિંહ ચૌહાણની ધરપકડ કરી છે.
સાબરકાંઠા – અરવલ્લી જિલ્લામાં બીઝેડ ગ્રુપના સીઈઓ ભુપેન્દ્રસિંહ ઝાલા દ્વારા થયેલ કરોડો રૂપિયાના કૌભાંડ મામલે સાબરકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખની પ્રતિક્રિયા સામે આવી છે. સાબરકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલે કહ્યું કે, ‘ભુપેન્દ્રસિંહ ઝાલા પક્ષનો પ્રાથમિક સભ્ય હોઈ શકે છે. દેશભરમાં પ્રાથમિક સદસ્યતા અભિયાન સમયે ભાજપનો સભ્ય બન્યો હશે. ભાજપમાં કોઈ હોદ્દો ભુપેન્દ્રસિંહ ઝાલા ધરાવતો નથી. ભુપેન્દ્રસિંહ ઝાલાએ ધારાસભ્યો અને મંત્રીઓને જ્યારે કાર્યક્રમમાં બોલાવ્યા હતા એ સમયે કોઈ ગુન્હામાં સંડોવાયેલ નહોતો. પોલીસ દ્વારા કાર્યવાહી ચાલી રહી છે’
બીઝેડ કંપનીના કૌભાંડ સામે આવ્યા બાદ સીઆઈડી ક્રાઈમે માલપુરના મયુર દરજી નામના શખ્સની ધરપકડ બાદ તેના પરિવાર સભ્યો પણ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. અરવલ્લી જિલ્લામાં બીઝેડના એજન્ટ મયુર દરજીની અદ્યતન બ્રાન્ચ, રહેણાંક ઘર અને નવીન બનતા અદ્યતન મકાન બંધ હાલતમાં જોવા મળ્યા છે. હાલ મયુર દરજી નામના એજન્ટે નવા બંગલાનું કામ પણ હાથ ધર્યું હતું.
ગિફ્ટમાં કાર મેળવનાર એજન્ટો ગાયબ
બીઝેડ કંપનીમાં મર્સિડીઝ કાર ગિફ્ટ મેળવનાર બંને એજન્ટો હાલ ગાયબ છે. પ્રાંતિજ, તલોદ, મોડાસા, હિંમતનગર સહિતની શાખાઓના એજન્ટ-સંચાલકો પણ ગાયબ છે. એકાએક એજન્ટો ગાયબ થતાં રોકાણકારોની ચિંતા વધી ગઈ છે. રોકાણકારો છેતરાયા હોવાનો અહેસાસ છતાં હજુ સુધી મૌન છે. સીઆઈડી તપાસમાં પૂછપરછ થવાના ડરે રોકાણકારો મૌન હોવાનું માનવામાં આવી રહ્યું છે. બીઝેડ કંપનીમાં સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ તથા ડોક્ટરો મોટા રોકાણકારો હોવાનું સૂત્રો દ્વારા જાણકારી મળી રહી છે. અધિકારીઓ-કર્મચારીઓ પોતાનું નામ જાહેર થવાના ડરે ચૂપ છે. તેમને ડર છે કે તપાસનો રેલો તેમના સુધી પહોંચી જશે તો ઈન્વેસ્ટ કરેલા નાણાં ક્યાંથી આવ્યા તેનો પણ હિસાબ આપવો પડશે.
ગ્રોમોર કેમ્પસમાં સીઆઇડી ક્રાઈમનું સર્ચ
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર પાસે આવેલ ગ્રોમોર કોલેજને થોડા સમય પહેલા જ ભુપેન્દ્રસિંહ ઝાલાએ ખરીદી હતી. ગ્રોમોર કેમ્પસમાં મોડી રાત સુધી સીઆઇડી ક્રાઈમનું સર્ચ ચાલ્યું હતું. સર્ચ બાદ દસ્તાવેજ સહિત મહત્વના દસ્તાવેજોને સીઆઇડીએ જપ્ત કર્યા છે. ગ્રોમોરના સ્ટાફને સાથે રાખી સર્ચ હાથ ધરાયુ હતું. ગ્રોમોર કેમ્પસ બીઝેડ ગ્રુપે એક વર્ષ અગાઉ ખરીદી હતી. એવી પણ માહિતી સામે આવી છે કે કોલેજના મૂળ માલિકોને નજીવી રકમ ચૂકવી ઝાલા દ્વારા હાથ અધ્ધર કરી દેવાયા હતા. નજીવી રકમ બાદ નાણાં નહિ મળતા મૂળ માલિકોએ કેમ્પસ પર પરત કબજો કર્યો હતો.