- યોગ ભગાડે રોગ
- યોગ દ્વારા ડાયાબિટીસ મુકત અભિયાનનું સમાપન: સહભાગી થનારને પોષણયુકત વેજીટેબલ્સનું કરાયું વિતરણ
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકારના સંયુક્ત ઊપક્રમે આયોજીત યોગ દ્વારા ડાયાબિટીસ મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત રાજકોટના પૂ.રણછોડદાસ બાપુ મ્યુનિસિપલ કોર્પોરેશન હોલ ભારત વિકાસ પરિષદ હોલ, આનંદ નગર તથા સરદાર પટેલ ભવન, માયાણી ચોક નજીક બંને સ્થળો પર સમાપન દિવસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
અભિયાનના અંતિમ દિવસે દરરોજની જેમ જ તમામ યોગ સાધકોને સૂર્ય નમસ્કાર, મંડુકાસન, વ્રકાસન, અર્ધ મત્યાસન,ગૌમુખાસન,ઉષ્ટાસન, પવનમુક્તાસન, સુખાસન, શવાસન પ્રકારના યોગાસનો કરાવવામાં આવ્યા હતા. યોગ એ બાહ્ય અને આંતરીક પ્રક્રીયા છે એ મુજબ પ્રાણાયમ, કપાલભાતી, અનુલોમ-વિલોમ અને ભ્રામરી પ્રાણાયમ કરાવ્યા બાદ મેડીટેશન અને ક્વિક રિલેક્સેશન પણ કરાવવામા આવ્યું હતું.
આ યોગ દ્વારા ડાયાબિટીસ મુક્ત ગુજરાત અભિયાનના કારણે અનેક યોગાભ્યાસુના જીવનમાં મહત્તમ ફેરફારો જોવા મળ્યા છે, તેમ ઉપસ્થિતોએ તેમના અભિપ્રાયોમાં જણાવ્યું હતું. રાજકોટ કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા તમામ ઉપસ્થિતોનું હેલ્થ સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું.
આ તકે મહાનગરપાલિકામાં વેસ્ટ ઝોન કો-ઓર્ડીનેટર ગીતાબેન સોજીત્રા અને મિતાબેન તેરૈયાએ જણાવ્યું હતું કે, ડાયાબિટીસ કાબુ કરી શકાય તેમ છે. તેનાથી ડરવાની જરૂર નથી. યોગ, પ્રાણાયમ જેવી ફીઝીકલ એક્ટીવીટી, યોગ્ય ડાયેટ અને પુરતી ઉંઘ જેવી પ્રવૃતીઓ થકી ડાયાબિટીસ કાબુમાં લાવી શકાય છે. આ ઉપરાંત, પંદર દિવસની શિબિરમાં સહભાગી થનારને શિબિર દરમ્યાન દુધી-આમળા, પાલક-ટમેટા, કારેલા-કાકડી, ગીલોય, આદુ-કોથમીર, મેથીપાલક, મિક્સ વેજીટેબલ્સ, કઠોળ સુપ વગેરે આપવામાં આવ્યા હતા.
આ સમગ્ર અભિયાનમાં યોગ કો-ઓર્ડીનેટર ગીતાબેન સોજીત્રા અને મિતાબેન તેરૈયા, યોગ ટ્રેનર અને સ્વાસ્થ્ય કોચ ડો. મહેશભાઈ જોટંગીયા, એકતા જોટાંગીયા, સુજોગ થેરાપીસ્ટ તપનભાઈ પંડ્યા, એક્યુપ્રેશરના એક્સપર્ટ ડોક્ટર કાંતાબેન વાછાણી, આરોગ્ય શાખાના ડોક્ટર વિપુલભાઈ પરમાર, યોગ કોચ કલ્પેશ પાડલીયા, લાઈફ વેદાના સુરેશ ભટ્ટ, ષટકર્મ શિખવનાર દિપક પટેલ, યોગ કોચ નિતીન કેશરીયા સહિત અનેક લોકોએ સહયોગ આપ્યો છે.