- જયંતિ સરધારા અને પી.આઇ. સંજય પાદરિયા વચ્ચેના ડખ્ખાનો વિવાદ વકર્યો
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ ભૂમિપુજન માટે 1પમી ડિસેમ્બરે સમય ન આપતા કાર્યક્રમ રદ કરાયાનું અપાતું કારણ: સરદારધામના સિનિયર ટ્રસ્ટીઓ સરધારા – પાદરિયા પ્રકરણથી નારાજ હોવાથી ઘેરા પડઘા: હવે જાન્યુઆરીમાં ભૂમિપુજન કરવાનો ગોઠવાતો તખ્તો
ગુજરાતમાં લેઉવા પટેલ સમાજની બે સંસ્થાઓ ખોડલ ધામ અને સરદાર ધામ વચ્ચેનો વિવાદ સતત વકરી રહ્યો છે. ભાજપના પૂર્વ કોર્પોરેટર જયંતિભાઇ સરધારા અને જુનાગઢના પૂર્વ પી.આઇ. સંજય પાદરિયા વચ્ચે થયેલા ડખ્ખાના કારણે સમાજમાં બે ઉભા ફાડિયા થઇ ગયા છે. વિવાદ વધુ વકરતા આગામી 1પમી ડિસેમ્બરના રોજ રાજકોટ ખાતે યોજનારો સરદાર ધામનો ભૂમિ પૂજન સમારોહ અચાનક મોકુફ રાખવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ દ્વારા ભૂમિ પુજન માટે સમય આપવામાં આવ્યો ન હોવાના કારણે ભૂમિ પુજન સમારોહ હાલ મોકુફ રાખવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે કારણ કંઇક અલગ જ હોવાનું મનાય રહ્યું છે. સરધારા અને પાદરિયા વચ્ચે થયેલી માથાકુટથી સરદાર ધામના સિનીયર ટ્રસ્ટીઓ નારાજ છે. જેના કારણે ભૂમિ પુજનનો કાર્યક્રમ મોકુફ રાખવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.
લેઉવા પટેલ સમાજની બે કદાવર સંસ્થા ખોડલધામ અને સરદાર ધામ વચ્ચે હવે વિવાદ ચરમસીમાએ પહોંચી ગયો છે. તાજેતરમાં સરદાર ધામ ટ્રસ્ટના ઉપપ્રમુખ અને ભાજપના પૂર્વ કોર્પોરેટર જયંતિભાઇ સરધાર અને ખોડલધામ ટ્રસ્ટ સાથે સંકળાયેલા પૂર્વ પી.આઇ. સંજય પાદરિયા વચ્ચે બબાલ થઇ હતી. આ ઘટનાના ઘેરા પડઘા પડયા છે. આગામી નવમી ડિસેમ્બરના રોજ રાજકોટમાં કણોકટ ખાતે લાભુભાઇ ત્રિવેદી એન્જીનીયરીંગ કોલેજની સામે 40 હજાર વાર વિશાળ જગ્યામાં સરદાર ધામનું ભૂમિ પુજન કરવામાં આવનાર હતું. આ કાર્યક્રમના મહાકાય હોડિંગ બોર્ડ આખા શહેરમાં લગાવી દેવામાં આવ્યા હતા. દરમિયાન સરધારા અને પાદરિયા વચ્ચે થયેલા ડખ્ખાથી સરદાર ધામના સિનીયર ટ્રસ્ટીઓ ભારોભાર નારાજ છે. જેના કારણે રાજકોટમાં ભૂમિ પુજન સમારોહ મોકુફ રાખવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.
દરમિયાન સરદાર ધામ દ્વારા એવું કારણ આપવામાં આવી રહ્યું છે કે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ આગામી 13મી ડિસેમ્બરના રોજ સી.એમ. રાજકોટ ખાતે ઉમીયાધામ સંકુલના ખાતમુહુર્ત માટે આવી રહ્યા છે. બે દિવસ બાદ તેઓ ફરી રાજકોટની મુલાકાત આવી શકે તેમ નથી સી.એમ. પાસે સમય ન હોવાના કારણે સરદાર ધામનું ભૂમિ પુજન મોકુફ રાખવામાં આવ્યું છે. હવે જાન્યુઆરી માસમાં કમૂરતા ઉતર્યા બાદ ભૂમિ પુજન કરાશે.
સરધારા અને પાદરિયા વચ્ચે થયેલી માથાકુટના ધેરા પડઘા પડયા છે. આ ઘટના બાદ ખોડલધામ ને સરધાર ધામ બન્ને સંસ્થાઓની પ્રતિષ્ઠા પર અસર પડી છે. બન્ને સંસ્થાના ટ્રસ્ટીઓ ઘટનાથી નારાજ છે. જેના કારણે અચાનક જ રાજકોટમાં 1પમી ડિસેમ્બરે યોજનાર સરદાર ધામ સંકુલનું ભુમી પુજન મોકુફ રાખવામાં આવ્યું છે.
મુખ્યમંત્રીનો સમય લીધા વિના કોઇપણ સંસ્થા તારીખ કે સયમ જાહેર કરતી હોતી નથી. ત્યારે સરદારધામના ભૂમિ પુજન અંગે રાજકોટમાં મહાકાય હોડિંગ બોર્ડ લાગી લાગ્યા છે. રાજયભરમાં આગેવાનોને નોતરા મોકલી દેવામાં આવ્યા છે. અને હવે સી.એમ. એ સમય ન આપતા ભુમિ પુજન મોકુફ રાખવાનું જે કારણ આપવામાં આવ્યું છે તે ગળે ઉતરે તેમ નથી.
સરદાર ધામના ટ્રસ્ટીઓ દ્વારા રાજકોટમાં યોજનારા ભૂમિ પુજન સમારોહ મોકુફ રાખવાનો નિર્ણય લેતા સમાજમાં ભારે આશ્ર્ચય ફેલાઇ જવા પામ્યું છે.