- સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ભૂલકાઓને મહાનુભાવોના હસ્તે ઈનામ વિતરણ કરાયું
- સંસ્કારોના મૂલ્યવાન સિંચન થકી નવી પેઢીને તૈયાર કરવામાં આંગણવાડી બહેનોનું ખૂબ જ મોટું યોગદાન -જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલા મૂછાર
ગુજરાત સરકારના કમિશ્નર મહિલા અને બાળ વિકાસ વિભાગના ‘પા…પા…પગલી’ પ્રોજેક્ટ અંતર્ગત સંકલિત મહિલા અને બાળ વિકાસ વિભાગ ગીર સોમનાથ દ્વારા જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકરના માર્ગદર્શનમાં વેરાવળ નગરપાલિકા કોમ્યુનિટી હોલ ખાતે જિલ્લા કક્ષાનો ભૂલકા મેળો યોજાયો હતો.
જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલા મૂછારે કહ્યું હતું કે, બાળકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે આંગણવાડીના બહેનો સતત પ્રયત્નશીલ રહે છે. ભૂલકાંઓના સર્વાંગી વિકાસમાં તેમનો ફાળો અદકેરો છે. બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ થાય એ ખૂબ જરૂરી છે. હેત અને વ્હાલપ સાથે સંસ્કારોના મૂલ્યવાન સિંચન થકી નવી પેઢીને તૈયાર કરવામાં આંગણવાડી કાર્યકર્તાઓનું ખૂબ જ મોટું યોગદાન છે. બાલશક્તિ, માતૃશક્તિ અને પૂર્ણાશક્તિ થકી સરકાર પોષણ સાથે શિક્ષણનું ધ્યાન રાખે છે.
વિવિધ યોજનાઓનો હેતુ જણાવતા તેમણે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના, પૂર્ણા યોજના, આધાર યોજના, પોષણ અભિયાન અંતર્ગત જન્મ સમયે ઓછું વજન ધરાવતા બાળકોનું ધ્યાન રાખી અને પોષણ આપવાના લક્ષ્ય સાથે આ યોજના કામ કરી રહી છે. આ યોજનાનો હેતુ માતા તંદુરસ્ત રહે અને બાળક સંપૂર્ણપણે પોષણ મેળવે તેવો છે. ‘પા..પા..પગલી’ યોજના થકી બાળકોના ગુણવત્તાપૂર્વક જીવન માટેનો પાયો નખાય એ માટે ૩થી ૬ વર્ષના બાળકને આંગણવાડી કેન્દ્રમાં વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવામાં આવે છે.
જિલ્લા પંચાયત ઉપપ્રમુખ રાજવીરસિંહ ઝાલાએ આધુનિકીકરણ અને ટેક્નોલોજીના સમન્વય સાથે ભણતર સાથે જ ગણતર પર ભાર મૂકતાં મર્મસ્પર્શી દ્રષ્ટાંતો સાથે ૨૧મી સદીમાં પાયાના ભણતરનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સરકારની પાયાની યોજનાઓમાં આઈ.સી.ડી.એસ મહત્વનું સ્થાન ધરાવે છે.
સગર્ભા મહિલાઓના આરોગ્યથી લઈને બાળકોની કેળવણી, વાંચન, વાતાવરણ, કુપોષણ નાબૂદી જેવા હેતુઓ ધ્યાનમાં લઈને ઝીણવટભરી કાળજી સાથે આઈ.સી.ડી.એસના માધ્યમથી બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે સરકારની અનેક યોજનાઓ કાર્યરત છે. એમ એમણે ઉમેર્યું હતું.
આ ભૂલકાં મેળામાં જિલ્લાના વિવિધ ઘટકના આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા બાળકોના અભ્યાસ માટે તૈયાર કરવામાં આવેલી ટી.એલ.એમ સામગ્રી તથા આંગણવાડીમાં બાળકોને આપવામાં આવતા બાળશક્તિ, રાજીગરાનો લોટ તેમજ રાગીના લોટમાંથી તૈયાર કરેલી કેક, સુખડી, સાંબાની ખીચડી, થેપલા, તલસાંકળી સહિતની પૌષ્ટિક વસ્તુઓનું વાનગી નિદર્શન યોજાયું હતું. ઉપસ્થિત રહેલા તમામ મહાનુભાવોએ ટી.એલ.એમ સામગ્રી તથા મિલેટ્સ વાનગીના સ્ટોલની મુલાકાત લીધી હતી અને આંગણવાડી કાર્યકર બહેનોનો ઉત્સાહ વધાર્યો હતો.
આંગણવાડીના નાના ભૂલકાંઓ દ્વારા મહાનુભાવો અને ઉપસ્થિત સર્વે નાગરિકો સમક્ષ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ પ્રસ્તુત કરવામાં આવી હતી. આ સાંસ્કૃતિક કૃતિઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર બાળકોને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર અને શિલ્ડ આપીને સન્માનિત કરાયાં હતાં.
આ ભૂલકા મેળામાં આઈ.સી.ડી.એસ પ્રોગ્રામ ઓફિસર હિરા રાજશાખા, બાળ વિકાસ યોજના અધિકારી ડી.ડી.રામ, નગરપાલિકા કારોબારી સમિતિના ચેરમેન ચંદ્રિકા સિકોતરિયા, અગ્રણી વિક્રમ પટાટ, હરિભાઈ ઝાલા, કાનાભાઈ મૂછાર સહિતના અધિકારીઓ, આંગણવાડી કાર્યકર બહેનો અને આંગણવાડીના ભૂલકાંઓ તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
અહેવાલ: અતુલ કોટેચા