- 8 કલાકની સારવાર બાદ ઈજાગ્રસ્ત કામદારનું મોત નીપજ્યું
- AC રીપેરીંગ કરતા સમયે થયો હતો બ્લાસ્ટ
- 2 કારીગરો થયા હતા ઘાયલ
સુરતના પાંડેસરા વિસ્તારમાં ગત રોજ બપોરે એક એસીના કમ્પ્રેસરમાં બ્લાસ્ટની ઘટના બની હતી. જેમાં એસી રીપેરીંગ વખતે કમપ્રેસરમાં ગેસ ભરતા સમયે બ્લાસ્ટ થતાં એક કામદાર સંપૂર્ણ દાઝી ગયા હતા. જ્યારે બીજાને સામાન્ય ઇજા થઇ હતી. આગની ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા યુવકને સારવાર અર્થે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં 8 કલાકની સારવારમાં જ મોત નિપજ્યું હતું.
આ અંગે મળતી માહિતી પ્રમાણે સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ કોમલ સર્કલ પાસે દર્શન સોસાયટીમાં ડિજિટલ પ્રિન્ટિંગ ખાતું ચાલી રહ્યું છે. ડિજિટલ પ્રિન્ટિંગ ખાતામાં એસી ખરાબ થઈ ગયું હતું. જેમાં એસી રીપેરીંગ વાળા લોકોને બોલાવવામાં આવ્યા હતા. આ દરમિયાન એસીના કંપ્રેસરમાં ગેસ ભરતા સમયે બ્લાસ્ટ થયો હતો. જેથી એસી રીપેરીંગ કરતો કારીગર બિપીન દાઝી ગયો હતો. બ્લાસ્ટને પગલે આગ લાગી જતા બિપીન સંપૂર્ણ સળગી ગયો હતો. તેને ગંભીર હાલતમાં સારવાર અર્થે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
મૂળ યુપી અને અડાજણ વિસ્તારમાં આવેલા આવાસમાં 32 વર્ષીય બીપિન કુમાર રહેતો હતો. એસી રીપેરીંગનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ડિજિટલ પ્રિન્ટિંગ ખાતામાં એસી બગડ્યું હોવાથી તે અને તેના સાથીદાર અહીં આવ્યા હતા અને કામ કરતાં સમયે ગેસ ભરી રહ્યા હતા ત્યારે અચાનક બ્લાસ્ટ થયો હતો. જેમાં બીપીનનું સારવાર દરમિયાન મોત થયું હતું. જેથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. આ મામલે પાંડેસરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
અહેવાલ: ભાવેશ ઉપાધ્યાય