મંત્રી મંડળના ખાતા વહેંચણીમાં વાંકુ પડતા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ કોપ ભવનમાં: રાજીનામુ આપવાની ચિમકી
ગુજરાત સરકારમાં ખાતાની ફાળવણીમાં ભાવતી મીનીસ્ટ્રી ન મળવાના કારણે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ રિસાયા છે. તેમની પાસે રહેલા નાણા તેમજ શહેરી વિકાસ જેવા મસમોટા ખાતા છીનવાઈ જતા નીતિન પટેલ કોપ ભવનમાં ચાલ્યા ગયા છે. શુભેચ્છા પાઠવવા આવેલા કાર્યકરો અને સમર્થકોને મળવાનું પણ તેમણે ટાળ્યું છે.
ખાતા ફાળવણી અને કેબીનેટના ઘટનાક્રમ બાદ સૌની નજર નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પર હતી. ગુરૂવારે મોડી રાત્રે તેઓએ કેબીનેટમાં તો હાજરી આપી હતી પરંતુ શુક્રવારે તેમણે સચિવાલય આવવાનું ટાળ્યું હતું. મંત્રાલયમાં કદ ઘટવાથી નીતિનભાઈ પટેલે આનંદીબેન પટેલ સમક્ષ હૈયા વરાળ ઠાલવી હોવાનું પણ જાણવા મળે છે.
નીતિનભાઈ પટેલે પોતાને ફાળવાયેલા ખાતાનો ચાર્જ લીધો નથી. ત્યારે એ સ્પષ્ટ બન્યું છે કે, તેમનો અસંતોષ ઉગ્ર છે. મંત્રી મંડળમાં નયોગ્યથ ખાતા નહીં ફાળવવામાં આવે તો તેમનું રાજીનામુ નિશ્ર્ચિત છે. નીતિન પટેલે મોઢું કડવું કરતા ભાજપની છાવણીમાં સોંપો પડી ગયો છે. તેમનો આ અસંતોષ ભાજપને કેટલો દઝાડશે તે આગામી સમય બતાવશે.
ભાજપમાં ગઈકાલે ખાતાની ફાળવણી મુદ્દે આંતરીક ખેંચતાણ એટલી હદે જામી હતી કે ખુદ ભાજપ હાઈકમાન્ડે મધ્યસ્થી બનવું પડયું હતું. ખાતાની ફાળવણી બાદ પણ મંત્રીઓમાં નારાજગી યથાવત જોવા મળી રહી છે. ખાતાની જવાબદારી મંત્રીઓને સુપરત કરાયા બાદ સચિવાલયમાં કહીં ખુશી કહીં ગમનો માહોલ જોવા મળી રહ્યો છે. નીતિનભાઈ પટેલની નારાજગીના કારણે રાજકારણ ગરમાયું છે. ગમતા ખાતા ન મળવાના કારણે તેમણે રાજીનામુ આપવા સુધીની ચિમકી ઉચ્ચારી હોવાનું જાણવા મળે છે.
ગુજરાત સરકાર હાર્દિકને મને બગીચો !
પાતળી બહુમતીથી બનેલી ગુજરાત સરકારને હાર્દિક પટેલ બગીચા સમાન સમજે છે. ગઈકાલના ઘટનાક્રમ બાદ હાર્દિક પટેલે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને પાસમાં જોડાવવા ખુલ્લુ આમંત્રણ આપ્યું છે. જો ભાજપમાં માન ન જળવાય તો નીતિનભાઈ પટેલ પાસમાં જોડાઈ શકે છે તેવું સાળંગપુર ખાતેથી હાર્દિક પટેલે કહ્યું છે. નીતિનભાઈ પટેલ સાથે ૧૦ ધારાસભ્યો રાજીનામુ આપે તો કોંગ્રેસને રજુઆત કરી નવી સરકાર રચવામાં આવશે અને તેમાં નીતિનભાઈ પટેલને નયોગ્યથ સ્થાન આપવાની બાંહેધરી પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે આપી છે.