પવનની ગતિમાં ઘટાડો:સવારથી ઉઘાડ તંત્રએ રાહતનો શ્વાસ લીધો
હિંદ મહાસાગરમાંથી ઉદભવેલુ ઓખી નામના વાવાઝોડાએ તમિલનાડુ અને કેરળમાં ભારે તબાહી મચાવ્યા બાદ ઓખી ગુજરાત તરફ ફંટાતા રાજયમાં ભારે અફરાતફરી જેવો માહોલ સર્જાયો હતો. ગઈકાલે દિવસભર રાજયભરમાં ઝરમર વરસાદ વરસ્યા બાદ સાંજે ઓખીનું જોર ઘટતા આફત ટળી છે. જેના કારણે સરકારે રાહતનો શ્ર્વાસ લીધો છે. આજે સવારે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં વાતાવરણ ચોખ્ખુ થઈ ગયું હતું અને સૂર્યનારાયણે દર્શન દેતા લોકોએ હાંશકારો અનુભવ્યો હતો.
ઓખી નામનુ ભયાનક વાવાઝોડુ ગુજરાત તરફ ફંટાતા રાજય સરકારે તમામ વિભાગને સતર્ક રહેવા સુચના આપી દીધી હતી. સોમવાર સાંજથી જ ગુજરાતમાં ઓખીની અસર વર્તાવા લાગી હતી. ગઈકાલે મંગળવારે સવારથી રાજયભરમાં ઝરમર વરસાદ વરસવાનું શ‚ થઈ ગયું હતું. હાલ શિયાળાની સીઝન ચાલી રહી છે ત્યારે ઓખીની અસરના કારણે વરસાદ વરસતા ગુજરાતના તમામ શહેરોની સ્થિતિ કાશ્મીર જેવી થઈ ગઈ હતી. કાતિલ ઠંડીમાં લોકો થરથર ધ્રુજી ઉઠયા હતા. ૬૦ થી ૭૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાતા અનેક સ્થળે ખાનાખરાબી સર્જાઈ હતી.
ઓખીના કારણે કોઈ જાનહાની ન સર્જાય તે માટે માછીમારોને દરિયો ન ખેડવા પણ સુચના આપી દેવામાં આવી હતી. ગઈકાલે રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પોતાનો ચૂંટરી પ્રચાર પડતો મુકી આપાતકાલીન બેઠક બોલાવી હતી અને રાજયભરમાં તમામ સરકારી વિભાગને સતત સતર્ક રહેવા તાકીદ કરવામાં આવી હતી. જો કે મંગળવારે મોડી સાંજે ઓખીનું જોર ઘટી ગયું હતું અને ઓખી દરિયામાં સમાઈ જાય તેવી સંભાવના ઉભી થઈ હતી. રાતથી ઓખીની અસર ઓછી થવા લાગી હતી. આજે સવારથી રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રભરમાં વાતાવરણ કલીયર થઈ ગયું છે. ગઈકાલે મોડીરાત સુધી રાજયભરમાં ઝરમર વરસાદ વરસ્યા બાદ આજે સવારથી સૂર્યનારાયણે દર્શન દેતા લોકોએ હાંશકારો અનુભવ્યો હતો.
ઓખીની અસરના કારણે ગઈકાલે ચૂંટણી પ્રચાર પર પણ અસર પડી હતી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહની ચાર સભા, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ત્રણ સભા અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીની ત્રણ ચૂંટણી સભા રદ કરવાની ફરજ પડી હતી. આજે સવારથી વાતાવરણ કલીયર થતા તમામ પક્ષો અને ચૂંટણી લડતા ઉમેદવારો ફરી પ્રચારમાં લાગી ગયા છે.