એઇમ્સ હવે થોડા સમયમાં જ સંપૂર્ણ રીતે કાર્યરત થવાની છે. તેવામાં એઇમ્સ માટે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટનું અલગથી મહેકમ કરવા કવાયત હાથ ધરાઈ છે. અમદાવાદ સિવિલની વ્યવસ્થાને આધાર બનાવી કલેકટરે સરકારમાં દરખાસ્ત કરી છે. આ મહેકમ સરકારમાંથી મંજુર થયા બાદ મામલતદાર કચેરીઓને રાહત મળવાની છે.
અમદાવાદ સિવિલની વ્યવસ્થાને આધાર બનાવી કલેકટરની સરકારમાં દરખાસ્ત, મહેકમ સરકારમાંથી મંજુર થયા બાદ મામલતદાર કચેરીઓને મળશે રાહત
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ સિવિલમાં એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની અલગ વ્યવસ્થા છે તેને આધાર બનાવી કલેકટરે સરકારમાં દરખાસ્ત કરી છે. એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની બે પ્રકારની કામગીરી હોય છે. એક ઇન્કવેસ્ટ અને બીજી ડિડી. ઇન્કવેસ્ટમાં અમુક કિસ્સામાં કોઈ મૃત્યુ થયુ હોય તે પછી નાયબ મામલતદાર પરિવારનું નિવેદન લેતા હોય છે. ડિડી એટલે કે ડાયઇંગ ડેકલેરેશન, કોઈ વ્યક્તિ એ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોય, કોઈની હત્યાનો પ્રયાસ થયો હોય તેઓનું મરણોમુખ નિવેદન લેવાનું હોય છે.
આ પ્રકારની કામગીરી નાયબ મામલતદારને વિશેસ સતા સાથે અલગથી મહેકમ ઉભું કરવા સરકારમાં દરખાસ્ત થઈ છે. રાજકોટમાં નવી જનાના હોસ્પિટલ શરૂ થશે. રાજકોટ સિવિલ પણ સૌરાષ્ટ્રની મોટી હોસ્પિટલ છે. ત્યાં અલગ અલગ ચારેય મામલતદારને વિસ્તાર પ્રમાણે ડિડી અને ઇન્કવેસ્ટ માટે જવું પડે છે તેઓની કામગીરીને અસર થાય છે. તેઓનું ભારણ ઘટાડવા સેન્ટ્રેલાઈઝ સિસ્ટમ ઉભી કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. અલગથી નવી જગ્યાઓ મંજુર થતા સિવિલ, ઝનાના અને એઇમ્સની જ કામગીરી કરવાની રહેશે. નાયબ મામલતદારને રૂટીન અને સરકારી કાર્યક્રમોની સાથોસાથ ડિડી અને ઇન્કવેસ્ટની કામગીરી કરવાની હોય તેઓ પહોંચી શકતા નથી એટલે સરકારમાં આ ભલામણ કરી છે.
આગામી દિવસોમાં સરકાર કલેકટરની ભલામણ માન્ય રાખી અને નવી એક્ઝિક્યુટિવ મેજીસ્ટ્રેટની જગ્યા મંજુર કરશે તેવું જાણવા મળી રહ્યું છે.
રાજકોટની સિવિલમાં સૌરાષ્ટ્રભરના કેસો આવતા હોય રેવન્યુ તંત્ર ઉપર કામનું મોટું ભારણ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સૌરાષ્ટ્રભરના કેસો આવતા હોય છે. દરરોજ મોટા પ્રમાણમાં દર્દીઓ અહીં આવે છે. આ ઉપરાંત અહીં ડિડી અને ઈન્કવેસ્ટના કામનું પણ ભારણ રહે છે. જેને પગલે રેવન્યુ તંત્ર રૂટીન કામગીરી ઉપરાંત આ વધારાની કામગીરીમાં રોકાયેલ રહેતું હોય છે.