જૂની તારીખોમાં ખોટા ખર્ચા બતાવી કંપની સાથે છેતરપીંડી કરતા નોંધાતો ગુનો
રાજકોટમાં દીન પ્રતિદિન છેતરપિંડી અને વિશ્વાસઘાતની અનેક ફરિયાદો પોલીસ ચોપડે નોંધાઈ રહી છે ત્યારે ગઈકાલે કુવાડવા પોલીસમાં વધુ એક ઘટના સામે આવી છે.જેમાં નવાગામમાં આવેલી મોમાઇ લોજીસ્ટીક કંપનીમાં કામ કરતા ત્રણ કર્મચારીઓએ જુની તારીખોમાં ખોટા ખર્ચ બતાવી કંપની સાથે રૂ.12.44 લાખની છેતરપિંડી કરતા પોલીસે ત્રણેય આરોપી સામે ગુનો નોંધી કાર્યવાહી હાથધરી છે.
વિગતો મુજબ રાજકોટ નજીકના નવાગામમાં આવેલી શ્રી મોમાઇ લોજીસ્ટીક કંપનીના ભાગીદાર કિશન મથ્થર (રહે. સહજાનંદ એપાર્ટમેન્ટ, સેટેલાઇટ રોડ, અમદાવાદ)એ નોંધાવેલી ફરિયાદમાં આરોપોમાં તેને ત્યાં નોકરી કરતા ત્રણ આરોપી હરદીપ રાજેશભાઈ જામંગ (રહે. બાપા સીતારામ આવાસ), જીજ્ઞેશ અશોક ઠાકરીયા (રહે. હુડકો ચોકડી) અને ધવલ ગિરીશભાઈ માકડીયા (રહે. મીરા પાર્ક, મોરબી રોડ)એ જૂની તારીખોમાં ખોટા ખર્ચા બતાવી કંપનીમાંથી રૂા. 12.44 લાખની ઉચાપત કર્યાની કુવાડવા રોડ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. તેમને ફરિયાદમાં જણાવ્યું છે કે ત્રણેય આરોપીઓ છેલ્લા દોઢેક વર્ષથી કંપનીની નવાગામમાં આવેલી બ્રાંચ સંભાળતા હતા. ઘણા સમયથી કામ કરતા હોવાથી વિશ્વાસુ હતા. આરોપીઓનું કામ ટ્રકમાંથી માલસામાન ઉતારી જે તે પાર્ટીને પહોંચાડવાનું હતું. જેના ભાડાની રકમ કંપનીમાં જમા કરાવાની હતી.
તેણે અને કંપનીના માલિક ભગીરથસિંહ જાડેજા (રહે. જામનગર)એ 2022-23ના હિસાબો ચકાસતા મેળ આવતો ન હતો. જેથી તેને નવાગામની બ્રાંચમાં હિસાબ ચકાસવા મોકલ્યો હતો.તપાસ દરમિયાન ત્રણેય આરોપીઓએ કુલ રૂા. 12.44 લાખનો ગોટાળો કર્યાનું જાણવા મળ્યું હતું.ત્રણેય આરોપીઓએ જૂની તારીખોમાં ખોટા ખર્ચાબતાવી આ કૌભાંડ કર્યું હતું. જેથી તેમની સામે છેતરપીંડીની ફરિયાદ કરતા પોલીસે આરોપીઓની ધરપડક કરી છે.