જુદી જુદી સ્કીમ બહાર પાડી તેમાં પૈસા રોકાવી બેલડી ચાઉ કરી ગયા: પોલીસે કાર્યવાહી ન કરતા યુવાને નામદાર કોર્ટમાં ફરિયાદ નોંધાવી: બંનેની ધરપકડ
સાવરકુંડલામાં બે શખ્સોએ લોભામણી લાલચ આપી જુદી જુદી સ્કીમ બતાવી ગ્રામજનોના પૈસા રોકાવી કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવી નાખ્યાની ઘટના સામે આવી છે. જેમાં પોલીસે કાર્યવાહી ન કરતા યુવાને નામદાર કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે પોલીસે બંને ગથીયાઓની ધરપકડ કરી અમરેલી જેલ હવાલે કર્યા છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સાવરકુંડલામાં દેવડાગેટ પાસે રહેતા વિવેકભાઈ અશોકભાઈ જેઠવા નામના 32 વર્ષના યુવાને નામદાર કોર્ટમાં હિરેન નરેશ વનરા અને પ્રશાંત નરેશ વનરા સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યા મુજબ હિરેન અને પ્રશાંત બંને સાવરકુંડલામાં જ રહેતા હતા અને તેઓએ 2018માં સૂર્ય નિવાસ કોમ્પલેક્ષ મણીભાઈ ચોકમાં ઓફિસ રાખી સુરભી ગ્રુપ મેજિક બમ્પર ડ્રો યોજનાની શરૂઆત કરી હતી જેમાં જુદી-જુદી સ્કીમો બહાર પાડી તેમાં અનેક લોકોના પૈસા ડબલ કરવાની લોભામણી લાલચ આપી રોકાણ કરાવ્યું હતું.
જેથી ફરિયાદી વિવેકભાઈ જેઠવાએ આ બંને ભાઈઓની લોભામણી લાલચ આપી ટ્વેન્ટી ટ્વેન્ટી, એમરાગોલ્ડ જેવી સ્કીમોમાં કુલ રૂ.83 હજાર જેટલી રોકાણ કર્યું હતું. ત્યાર બાદ 2021માં ઓફિસ બંધ કરી આરોપી હિરેન વનરા અમદાવાદ મુકામે જતો રહ્યો હતો. ફરિયાદી યુવાનની જેમ ગામના અન્ય લોકોએ પણ આવી સ્કીમોમાં પૈસા રોક્યા હતા. જે બાબતે રોકાણકારોએ પ્રશાંતનો સંપર્ક સાધતા તેને હિરેન અમદાવાદથી આવે પછી પૈસા આપી દેવાનું જણાવ્યું હતું.
ત્યાર બાદ રોકાણકારો અમદાવાદ સ્થાયી થયેલા હિરેનનો રૂબરૂ સંપર્ક કરતા થોડા દિવસમાં પૈસા આપી દેવાનું જણાવ્યું હતું. તેમ છતાં કોઈ પણ પૈસા પરત ન આવતા લોકોએ પોલીસનો સંપર્ક કર્યો હતો. પરંતુ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી ન થતાં આખરે વિવેકભાઈ જેઠવાએ નામદાર કોર્ટમાં બંને ભાઈ વિરૂદ્ધ અંદાજિત રૂ.9 કરોડની છેતરપિંડી આતરી હોવાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે તપાસનો દોર શરૂ કર્યો હતો અને બંને આરોપીની ધરપકડ કરી અમરેલી જેલ હવાલે કર્યા હતા.