ગુજરાત કોંગ્રેસના નવા અધ્યક્ષ તરીકે રાજ્યસભા સાંસદ અને લડાયક નેતાની છાપ ધરાવતા શક્તિસિંહને જવાબદારી
લોકસભા પૂર્વે ગુજરાત કોંગ્રેસમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ તરીકે શક્તિસિંહ ગોહિલના નામની જાહેરાત કરવામાં આવી છે. વર્તમાનમાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર છે. શક્તિસિંહ ગોહિલ હાલમાં રાજ્યસભાના સાંસદ છે.
શક્તિસિંહ ગોહિલ દિલ્હી અને હરિયાણાના પ્રભારી હતા. તેમને ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ બનાવતાં દિલ્હી અને હરિયાણાના પ્રભારી તરીકેની જવાબદારીમાંથી મુક્તિ અપાઈ છે. દિલ્હી અને હરિયાણાના પ્રભારીની જવાબદારી દીપક બાબરિયાને સોંપવામાં આવી છે.અમિત ચાવડાની નેતા વિપક્ષ તરીકે નિમણુંક બાદ અધ્યક્ષ બદલવાનું નક્કી હતું. એક તરફ કોંગ્રેસ પાટીદાર ચેહરાને પ્રદેશ અધ્યક્ષ બનાવે તેવી શક્યતા હતી પરંતું અનુભવ અને સિનીયરની રેસમાં શક્તિસિંહે બાજી મારી છે.
શક્તિસિંહ ગોહિલ 1986માં ભાવનગર જિલ્લા યુવા કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ હતા અને 1989માં ગુજરાત રાજ્ય યુવા કોંગ્રેસના મહાસચિવ પણ રહી ચૂક્યા છે. શક્તિસિંહ ગોહિલ ભાવનગર જિલ્લા પંચાયતના ઉપાધ્યક્ષ બન્યા હતા. 1990માં તે એઆઇસીસીના સદસ્ય બન્યા અને અહીંથી જ તેમની રાજકીય કારર્કિર્દીની શરૂઆત થઇ હતી. શક્તિસિંહ ગોહિલ ભાવનગર દક્ષિણ બેઠક પરથી વર્ષ 1990, 1995 ઉપરાંત 2007ની ચૂંટણીમાં તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. 2012ની વિધાનસભા ચૂંટણીમાં તેમને આ બેઠક પરથી હારનો સામનો કરવો પડ્યો હતો. 2014ની પેટાચૂંટણીમાં શક્તિસિંહ કચ્છની અબડાસા બેઠક પરથી ચૂંટણી લડ્યા અને જીત મેળવી હતી.
શક્તિસિંહ ગોહિલનું પ્રદેશ અધઅયક્ષ બનવું એ સાબિત કરે છે કે ગુજરાતના રાજકારણમાં રાહુલ ગાંધીની સીધી એન્ટ્રી થઈ છે. ગુજરાત કોંગ્રેસના નેતાઓથી નારાજ રાહુલ ગાંધીએ ગુજરાત તરફ લક્ષ્ય આપવાનું બંધ કરી દીધું હતું. હવે ગુજરાત એ કોંગ્રેસની પ્રાયોરિટીમાં આવ્યું છે કારણ કે કોંગ્રેસે લોકલ નેતાઓએ સૂચવેલા નામોને ફગાવી શક્તિ સિંગ ગોહિલને પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા છે. રાહુલ ગાંધી હવે સક્રિય પણે રસ લેશે એ નક્કી છે.