દરિયાના કરન્ટને કારણે બોટને અકસ્માત નડયો: પાંચ કલાકની શોધખોળ બાદ મળ્યો મૃતદેહ
જામનગરના રોઝી બંદરે મંગળવારે વહેલી સવારે એક નાની માછીમારી બોટને વિચિત્ર અકસ્માત નડતાં એક યુવાનનું મોત નિપજયું છે. જયારે અન્ય એક યુવાન બચી ગયો છે.
આ અકસ્માતની વિગતો એવી છે કે, મંગળવારે સવારે પાંચેક વાગ્યાની આસપાસ, માછીમારી માટે દરિયામાં ગયેલી એક નાની બોટ દરિયાના કરંટને પરિણામે અકસ્માતનો ભોગ બની. આ બોટ ઉંધી વળીને નજીકના બાર્જ નીચે ઘૂસી ગઈ હતી. આ બોટ તૂટી જતા, બે માછીમાર દરિયાના ઘૂઘવતા પાણીમાં લાપતા બન્યા. બાદમાં સ્થાનિક તરવૈયાઓએ આ યુવાનોની શોધખોળ આદરી, પાંચ કલાકની જહેમતના અંતે, ૧૦:૩૦ વાગ્યા આસપાસ-માધાપર ભૂંગાના મામદભાઈ કુક્કલ (ઉ.વ.૧૯)નો મૃતદેહ મળી આવ્યો હતો જયારે તેની સાથેના મામદભાઈ ટંડેલ (ઉ.૨૨)ને બચાવી લેવાયા છે.
આ દુર્ઘટના સર્જાતા સેંકડો માછીમારોનું ટોળું બંદર પર ઉમટી પડયું હતું. બેડી મરીનનો પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પંચનામાની કાર્યવાહી હાથ ધરી હતી. દરિયાનો કરંટ ઓછો થયા બાદ, સ્થાનિક તરવૈયાઓએ આ લાપત્તા માછીમારોને શોધી કાઢવા ભારે જહેમત લીધી પછી ઉપરોકત યુવાનનો મૃતદેહ મળ્યો હતો.
આ મૃતદેહને પીએમ માટે હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો હતો અને બચાવાયેલા યુવાનને તાકીદની સારવાર આપવામાં આવી.
આ દુર્ઘટનાને પગલે તથા માધાપર-જોડીયા ભૂંગાના માછીમાર સમાજમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.