મધરાતે થયેલા પથ્થરમારાની ઘટનામાં વગર વાંકે દંડાવાના ડરે જયદેવને ધ્રુજાવી દીધો
અઠવાડીયા દરમ્યાન આવતી બે નાઈટ રાઉન્ડ ફરજમાં ફોજદાર જયદેવ બે વિભાગ કરતો જેમાં પ્રથમ વિભાગ અગીયાર વાગ્યાથી એક વાગ્યા સુધીનો જેમાં બજારનાં લારી ગલ્લા અને દુકાનો બંધ કરાવાતી અને સીનેમા ના છેલ્લા શોના દર્શકો પોતાના ઘર ભેગા થઈ જતા. આ સમય ગાળામાં જયદેવ પોલીસ સ્ટેશનનાં જુના પીઢ અને અનુભવી અને કાયદાના જાણકાર જમાદારો કે કોન્સ્ટેબલો સાથે બેસીને જેતે પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભૂતકાળમાં બનેલ અગત્યના કે ચર્ચા સ્પદ બનાવો, તે વિસ્તારનાં ગુનેગારો, દાદાઓ તેમજ તે વિસ્તારની સામાજીક રાજકીય અને ગુન્હાકીય બાબતોની ચર્ચા થતી. તેમજ ધંધાદારી ગુનેગારો રીઢા ગુનેગારોની કાર્ય શૈલી, તેનો વિસ્તાર તેના રહેઠાણ આશ્રય સ્થાન તથા ગુનેગારોનું પીઠબળ વિગેરેની ચર્ચાઓ થતી. આ ચર્ચાઓ વાતો ઉપરથી જયદેવ પોતાની રીતે પોતાની કાર્યશૈલીમાં સુધારો વધારો કરતો અને તે રીતે પોતાની આગવી પધ્ધતિનો અમલ કરી કાયદો અને વ્યવસ્થાનું પરિણામ સુધરે તેવા પગલા લેતો. નાઈટ રાઉન્ડના બીજા વિભાગમાં રાત્રીના એક વાગ્યાથી સવારનાં પાંચ વાગ્યા સુધી કાયદેસરની પોલીસ મેન્યુઅલ મુજબની નાઈટ રાઉન્ડ ફરતો જેમાં પોઈન્ટના પોલીસના માણસો ચેક કરવા, જાણીતા ગુનેગારો તે ચેક કરવા વિગેરે કાર્યવાહી થતી.
આ રીતે એક વખત નાઈટ રાઉન્ડના પ્રથમ વિભાગમાં વાતો અને ચર્ચાઓ થતી હતી ત્યારે કોન્સ્ટેબલ દિલાવર ખાને જયદેવને કહ્યું કે અહી જેતપુરમાં ખોડપરા વિસ્તારમા એક ચોકમાં રાત્રીનાં દરરોજ ગાયો બેસે છે. પરંતુ અરધી રાત્રીનાં અચાનક જ ભડકીને ગાયો ઉભી થઈ જુદી જુદી દિશામાં નાસભાગ કરવા લાગે છે. આ જગ્યાએ પોલીસ જવાનોથી વોચ રખાવી પણ જાણવા મળ્યું કે કોઈ પથ્થરમારો થતો નથી કે કોઈ માણસ પણ હોતુ નથી છતા ગાયો ઓચિંતા જ નાસ ભાગ કરવા માંડે છે તેણે કહ્યું કે કોઈ કુતરા કે ભૂંડડા પણ નથી હોતા છતા નાસભાગ થાય છે. આમાં કાંઈક કારણ કે બાદ (ભુતકે) પ્રેત હોય તોજ ગાયો આ રીતે કારણ વગર ઓચિંતી દોડવા લાગે છે. એવું કહેવાય છે કે જે પ્રાણી પોતાના કાનને જોઈ શકે તે ભૂતપ્રેતને પણ જોઈ શકે છે. આવા કારણથી નાસભાગ થતી હશે બાકી પોલીસ ને તો કાંઈ દેખાતુ નથી. ‘આથી જયદેવે કહ્યું’ એમ? તો તો તેની ખાત્રી કરવી પડશે.’
જયદેવે આ વાત સાંભળતા જ વિચાર આવ્યો કે પોતે કોલેજમાં અભ્યાસ કરતો તે સમયનો એક કડવો અનુભવ યાદ આવી ગયો. જયદેવ કોલેજમાં અભ્યાસ માટે પોતાના ગામથી દરરોજ ભાવનગર અપ-ડાઉન કરતો તેથી દિવસ નો ઘણો ખરો સમય બસમાં આવવા જવામાં જ જતો તેથી પોતાનો અભ્યાસ તે રાત્રીનાં મોડે સુધી કે વહેલા ઉઠીને કરતો. એક વખત જયદેવ રાત્રે બે વાગ્યે ઉઠીને વાંચતો હતો અને તેને કુદરતી હાજતે જવાનું થયું તે સમયે ગામડામાં ગામ બહાર જંગલમાં જ કુદરતી હાજતે જવાનું રહેતું. જયદેવ પાણીનું કેન લઈ ઉપડયો અને ગામના પાદરમાં જયાં દરબારગઢ પૂરો થતો હતો અને ત્યાં થોડા શ્રમજીવીઓના મકાનો આવેલા હતા. ત્યાં એક ઈલેકટ્રીકનો થાંભલો અને લાઈટ હતી. તે પછી થોડી પડતર જમીન બાદ છએક ફૂટ ઉંચા પથ્થરના ઓટલા ઉપર એક નીચેના ભાગે ચોરસ અને ઉપર ધુમ્મટ વાળુ પૌરાણીક મંદિર હતુ જેમાં સુરધનદાદા તથા શંકરદાદાની લીંગ આવેલી હતી. આ મંદિરની સામે જ ખૂલ્લામાં એક ઘેઘુર વડલો અને સાથે ઉમરાનું વૃક્ષ હતુ વડ પછી થોડી પડતર જમીન અને તે પછી એક આંબાનું વન આવેલું હતુ પણ મંદિરની સમાંતરે જ આંબાના વન અનેએક ખેતરની વચ્ચેથી રસ્તો પસાર થતો હતો. જે નેળ હતી. જયદેવે નેળમાં જઈ ખેતરની ઝાંપલી ખોલી અંદર ગયો હજુ થોડીવાર થઈ ત્યાંજ આ મંદિર પાસે અને ગામના પાદરમાં માણસોનાં હાંકલા પડકારા થવા લાગ્યા અને પુષ્કળ માણસો એકઠા થઈ ગયા. જયદેવને ખ્યાલ હતો કે મંદિર પાસે આવેલ શ્રમજીવીઓનાં મકાન ઉપર વારંવાર અરધી રાત્રે પથ્થરમારો થતો હતો અને કોઈ પકડાતું નહતુ અને આજે પણ તે જ થયું હશે અને હવે પોતે મુંજાયો કે આમાં તો છીડે ચડયો તે ચોર આજે પોતે વગર વાંક ગુને સલવાઈ જવાનો છે.પરંતુ તેણે નકકી કર્યું કે સામે ચાલીને તો ત્યાં નથી જ જવું થોડીવાર ખેતરની વાડ પાસેથી લોકોની હીલચાલ જોતો ઉભો રહ્યો ત્યાં થોડીવારમાં નેળમાં ત્રણેક જણા વાતો કરતા કરતા આવતા જણાયા તેઓ વાતો કરતા હતા કે પથ્થરમારો કરનારા આ બાજુ જ ભાગ્યા હોય. જયદેવને પરસેવો વળી ગયો કે હવે આ રાત્રીના બે વાગ્યાનો ખુલાસો શું કરવો? પરંતુ તે માણસો એમ બોલીને પાછા વળી ગયા કે હવે તો તેઓ ઘણા દૂર નાસી ગયા હશે હવે હાથમાં ન આવે જયદેવ જાણતો હતો કે નેળમાંથી તો કોઈ ભાગેલુ જ નથી.
જયદેવને થયું કે આજે પોતે વગર વાંકે ફસાઈ જવાનો વળી પોતાની તો ઠીક પણ કુટુંબની પણ સાથે સાથે બેઈજજતી તો થશે તે વિચારે તે ધ્રુજી ગયો જયદેવ મેટ્રીકમાં બોર્ડની પરીક્ષામાં ગામ આખામાં ફર્સ્ટ કલાસ ફર્સ્ટ ડીસ્ટીંકશન સાથે પાસ થયેલો ગામમાં તેની છાપ હોંશિયાર અને સજજન વિદ્યાર્થીની હતી. વળી જયદેવના પિતા પણ આકરા સ્વભાવના હતા જો આ બબાલમાં તેનું નામ આવે તો વાંસો પણ કાબરો થવાનો હતો તેવા ભયજનક વિચારો કરતો તે અરધો એક કલાક ઝાંપલી પાસે સંતાઈને ઉભો રહ્યો.
માણસોનો અવાજ અને વાતાવરણ બંને સાવ શાંત થતા તેણે ઝાંપલી ખોલી ને નેળમાં આવીને જોયું તો ઈલેકટ્રીક લેમ્પના અજવાળામાં પટ ખાલી ખમ હતો. તેથી તે ધીમે પગલે ચાલતો ચાલતો નેળની બહાર આવ્યો જયાં જમણી બાજુ જ વડનું ઝાડ હતુ જયદેવે ફરીથી ચોકસાઈ અને ખાત્રી કરીકે કોઈ જુએ છે કેમ? પરંતુ ત્યાં કોઈ જ માણસ નહતુ. અરધી રાત્રે પણ જયદેવ પરસેવે રેબઝેબ હતો. આ પરસેવો ભૂતાવળના ડરનો નહિ પરંતુ પોતાની પ્રતિષ્ઠા દાવ ઉપર હતી તેનો હતો. જયદેવે ઘર તરફ જવા પગ ઉપાડતા જ વડલાની ટોચ ઉપરની ડાળી જે મંદિર તરફ હતી તે હલતી જણાઈ. જયદેવને થયું કે જો હવા હોય તો આખુ વડનું ઝાડ હલવું જોઈએ એક જ ડાળ કેમ હલે છે તે ખાત્રી કરવા વડ તરફ જઈ બારી કાઈથી તે ડાળીનું નિરીક્ષણ કર્યું તો તે ડાળીની સાથે એક કાળી માનવ આકૃતિ પણ ચોટી હોય તેમ લાગ્યું આથી જયદેવે મોટેથી અવાજ કર્યો ‘એલા કોણ?’ પરંતુ કોઈ જવાબ ત્યાંથી નહિ આવતા જયદેવે આજુબાજુ જોઈ વાંકાવળી ને એક પથ્થર ઉપાડયો અને જેવો ડાળી ઉપર ઘા કરવા જતો હતો ત્યાંજ અવાજ આવ્યો ‘એ કાકા રહેવા દો હું છું’ જયદેવ અવાજ ઓળખી ગયો તે ગામનાે જ કુલદીપ હતો. તે હતો તો મોટી ઉંમરનો પણ જયદેવ સગપણમાં કાકા થતો. આ કુલદીપ સશસ્ત્રદળોમાં ભરતી થયેલો અને યુધ્ધમાં સીમા ઉપર દુશ્મન દેશે જીવતો પકડી લીધેલ.
દુશ્મન દેશમાં તેની પાસે મજુરી કરાવાતી ત્યાંથી રશીયન ટ્રકો ભુંગળા ભરીને નીકળતા આ કુલદીપ ચોરી છુપીથી ભુંગળામાં ગરી ગયેલો અને રશીયા પહોચી ગયેલો અને રશીયા વાળાએ તેને ભારતમાં ડીપોર્ટ કરી દીધેલો તેવી વાતો સાંભળેલી આ કુલદીપ અભણ હતો અને મજુરી કામ કરતો અને વાંઢો જ હતો ગામના નવરાઓની ટોળકીમાં ગંજીપાના રમતો અને ઘણી વખત મારામારી પણ કરતો ટુંકમાં રખડુ અને તોફાની હતો તે ધીમેધીમે વડલાની ડાળી ઉપરથી સરકીને નીચે ઉતરી રહ્યો હતો. તેણે જયદેવને વિનંતી કરી કે કાકા આ વાત કોઈને નહિ કહેતા ખાનગી જ રાખજો હવે કયારેય પથ્થર મારો નહિ જો આ વાત તમે જાહેર કરી દેશો તો મારા બાપુજી મને મારશે તો ખરાજ પણ ઘેરથી પણ કાઢી મૂકશે.
જયદેવે કહ્યું ‘એલા પથ્થરમારો તું કરે આ તારા કરતુતો ને કારણે આજે જો હું આવી ગયો હોત તો મારું શું થાત? આવા કિસ્સામાં તો જે ‘છીંડે ચડે તે ચોર’ માફક હું જ ફસાવાનો હતો ને?’ પણ કુલદીપે કહ્યું પ્લીઝ કાકા પગે લાગુ હવે હું કયારેય આવું નહિ ક‚ પણ કોઈને કહેતા નહિ. તે પછી કયારેય પથ્થરમારો તો થયો નહિ. પણ જયદેવે ઘેર પહોચીને મનોમન કહ્યું આજે બચી ગયો.
તે સમયે યુવાનો ઉપર માતા પિતાનો એટલો કાબુ હતો કે આવા વંઠેલ છોકરા પણ માતા પિતાના ડરનાં કારણે અસામાજીક કાર્યો કરતા અચકાતા હતા. હાલમાં તમામ માતા પિતાઓએ વિચારવું જોઈએ કે બાળકોને આવા સંસ્કાર છે?
જયદેવને આ ભૂતકાળનો વિચાર આવતાં જ કોન્સ્ટેબલ દિલાવર ખાનને કહ્યું ચાલ ખોડપરામાં અને બંને જણા મોટર સાયકલ લઈ ખોડપરામાં આવ્યા એક ચોક વચ્ચે જ ગાયોનું ટોળુ બેઠેલું હતુ જયદેવે જગ્યાનું નિરીક્ષણ કર્યું ચોક ફરતે અમુક બે માળના પણ મકાન હતા. આથી આ વિસ્તારની ફરજ વાળા કોન્સ્ટેબલને કહ્યું કે તું ભલે આ ચોકમાં ન રહે પણ આજુબાજુમાં રહેજે અરધી રાત્રે જયારે ગાયોમાં નાસભાગ થાય કે તુરત તું સાયકલ લઈ સ્ટેન્ડ ચોકમાં અમને જાણ કરજે.
અરધી રાત્રે કોન્સ્ટેબલ સાયકલ લઈ ને સ્ટેન્ડ ચોક્માં હાંફળો ફાંફળા આવ્યો કે ચાલો સાહેબ હમણાંજ બધડા સટી બોલી છે. જયદેવ મોટર સાયકલ લઈ ખોડપરામાં આવ્યો જે ચોકમાં ગાયો બેસેલી હતી તે જગ્યાએ બારીકાઈથી નીરીક્ષણ કર્યુ તો ચોકમાં પાણી ઢોળાયેલું હતુ અને પાણી ફેંકાયાની દિશા બે માળના મકાન તરફની હતી. જયદેવે તે મકાનનો દરવાજો ખોલાવીને તેના માલીકને પૂછપરછ કરી તો તેણે કહ્યું ‘હા સાહેબ પાણી પીને લોટામાં જેટલુ વધેલુ તે પાણી બારીમાંથી બહાર ફેંકેલું તે ગાયો ઉપર પડેલું અને ગાયોમાં નાસભાગ થયેલી.
જયદેવને તાળો મળી ગયો કે એક તો ગાયો રસ્તામાં અડચણ કરે વળી છાણ પોદળા કરી ગંદકી કરતી હોય આ રહીશોએ જ બુધ્ધી પૂર્વક જે અરધી રાત્રે ઉઠે તેણે ગાયોને ચોરી છુપીથી ભગાડવા પાણી છાંટવાનું શરૂ કર્યું હશે અને દીલાવર ખાને પોતાનો કાન પકડીને કહ્યું ‘સાચુ સાહેબ’