હાર-જીત બાદ થયેલી બબાલમાં સામેની ટીમના ખેલાડીઓ બેટ વડે તૂટી પડ્યા
મોરબીના મકનસર ગામે આયોજિત પ્રજાપતિ ક્રિકેટ ટુર્નામેન્ટમાં હાર જીત મુદે મોરબી એકલવ્ય ઇલેવન અને રાજકોટની ગુલાબી ઇલેવન ટીમ વચ્ચે બોલાચાલી થયા બાદ બેટ વડે મારકૂટ થતાં રાજકોટના ઇજાગ્રસ્ત પિતા- પુત્રને અત્રે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટના સંતકબીર રોડ પર ગુજરાત હાઉસિંગ બોર્ડ ક્વાર્ટરમાં રહેતા ચાંદીકામની મંજૂરી કરતાં દર્શિત લક્ષ્મણભાઈ વારનેસીયા (ઉ.વ.24), તેના પિતા લક્ષ્મણ જાદવભાઈ વારનેસિયા (ઉ.વ.50)એ ગત તા.18મીના રોજ સવારના 10:30 વાગ્યાની આસપાસ મોરબીના મકનસર ગામે ક્રિકેટ ટુર્નામેન્ટ રમવા ગયા હતા.
જ્યાં મોરબીની એકલવ્ય ઇલેવન અને રાજકોટની ગુલાબી ઇલેવન ટીમ વચ્ચે રસપ્રદ મેચ જામ્યો હતો.અંતમાં મોરબીની એકલવ્ય ઇલેવનની ટીમે જીત હાંસલ કરી હતી. જીત્યા બાદ ક્રિકેટરો સાથે ચિયર્સ કરી જીતની ઉજવણી કરતાં હતા.ત્યારે રાજકોટના પિતા- પુત્રે કોઈ શાબ્દિક ટિપ્પણી કરતાં એકલવ્ય ટીમના રાજૂભાઈ, દિનેશભાઈ, કિશનભાઈ તથા અજાણ્યા શખ્સોએ બેટ વડે હુમલો કરી ખુનની ધમકી આપી હતી. ગંભીર રીતે ઘવાયેલા પિતા- પુત્રે અત્રે સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધી હતી.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધ્યો છે.