છ લાખથી વધુ વીજ ગ્રાહકોને સરકારની યોજનાનો લાભ મળશે પાછલી બાકી રકમની ચૂકવણી સરળ હપ્તે કરવાની પણ સવલત
રાજયમાં કાયમી ધોરણે કપાયેલા વિવિધ કક્ષાના વીજ જોડાણોના ગ્રાહકોની બાકી લેણા રકમ પ્રત્યે ઉદાત અભિગમથી માફી યોજના ૨૦૧૭ અન્વયે રૂપાણી સરકારે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. બીપીએલ અને એપીએલ કેટેગરીના ઘર વપરાશના વીજ ગ્રાહકો જો ત્રણ માસની અંદર મુદ્દલની રકમ ભરી દે તો મુદ્દલની રકમમાં ૫૦ ટકા માફી અને સંપૂર્ણ વ્યાજ માફી મળશે.
ખેતીવાડી ગ્રાહકોને પણ આ જ પ્રકારે જો ત્રણ માસની અંદર મુદ્દલની રકમ ભરી દે તો મુદ્દલની રકમમાં ૫૦ ટકા માફી અને સંપૂર્ણ વ્યાજ માફીનો લાભ સરકાર આપશે. અન્ય તમામ કક્ષાના વીજ ગ્રાહકો જો ત્રણ માસની અંદર મુદ્દલની રકમ સંપૂર્ણ ભરે તો વ્યાજમાં પૂરેપૂરી માફી મળશે. સરકારની યોજનાના કારણે રાજયના અંદાજે ૬ લાખથી વધુ વીજ ગ્રાહકોને આ યોજનાનો લાભ મળશે અને એકંદરે રૂ.૧૧૩ કરોડથી વધુની રકમની વ્યાજ માફી સરકાર આપશે. આ યોજનાના કારણે અનેક લોકોને પોતાના નામે વીજ જોડાણ મળશે. કોર્ટમાં કરવામાં આવેલા દિવાની દાવાઓ પાછા ખેંચી લેવામાં આવશે. તેમની પાછલી બાકી રકમની ચૂકવણી સરળ હપ્તે કરવાની સવલત મળી શકશે. તેમજ આ યોજના હેઠળ બીપીએલ અને નોન બીપીએલ ઘર વપરાશના ગ્રાહકો તેમજ ખેડૂતો બાકી વીજ બીલની પુરેપુરી રકમ નહીં પરંતુ ૫૦ ટકા રકમ ભરી જવાબદારીમાંથી મુક્તિ મેળવી શકશે. ખેડૂતોને તેમનું વીજ જોડાણ પુન: સ્થાપિત થવાથી ખેત ઉત્પાદનમાં વધારો થશે અને આવક વધતા તેમનું જીવન ધોરણ સુધરશે તેવી અપેક્ષા સેવવામાં આવી રહી છે. અન્ય વર્ગના ગ્રાહકોને પણ ફકત મુદલની રકમ ભર્યેથી વીજ જોડાણ પુન: મળશે. આ રાજય સરકારના સંવેદનશીલ નિર્ણયથી વીજ બીલ ન ભરી શકવાના કારણે કાયમી વીજ જોડાણ ગુમાવનાર ગ્રાહકોને પુન: વીજ જોડાણ મેળવવામાં સરળતા રહેશે.