15 ઓક્ટોબરથી આચારસંહિતા લાગૂ થઇ જશે, કાર્યકરો કામે લાગી જાય: જિલ્લા ભાજપની કારોબારી બેઠકમાં ડો.ભરત બોઘરાના નિવેદનથી ભારે ઉત્તેજના
રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે આજે રાજકોટ જિલ્લા ભાજપની કારોબારી બેઠક યોજાઇ હતી. જેમાં પૂર્વ ધારાસભ્ય અને પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરાએ ગુજરાતમાં ક્યારથી આચારસંહિતા લાગૂ પડશે તેની તારીખ જાહેર કરી દેતા ભારે વિવાદ સાથે ઉત્તેજના જાગી છે. કાર્યકરોને સંબોધતા તેઓએ એવું નિવેદન આપ્યું હતું કે આગામી 15મી ઓક્ટોબરે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની આચારસંહિતા લાગૂ પડી જશે માટે કાર્યકરોને કામે લાગી જવા હાંકલ કરી હતી. આ નિવેદનને કોંગ્રેસના નેતાઓએ વખોડી કાઢ્યુ હતું. સાથોસાથ એવો પણ ટોળો માર્યો હતો કે ભાજપના નેતાઓ ચૂંટણીની તારીખ પણ જાહેર કરવા લાગ્યા છે.
14મી ગુજરાત વિધાનસભાની મુદ્ત આગામી 20મી ડિસેમ્બરે પૂર્ણ થઇ રહી છે ત્યારે નવેમ્બર માસના અંતમાં અને ડિસેમ્બર માસના પ્રથમ સપ્તાહમાં એમ બે તબક્કામાં મતદાન યોજાઇ તેવી સંભાવના જણાઇ રહી છે. રાજકીય માંધાતાઓ અને પંડિતોમાં થતી ચર્ચા મુજબ દિવાળી બાદ ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની ચુંટણીનું તારીખોનું એલાન કરવામાં આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. દરમિયાન આજે જિલ્લા ભાજપની કારોબારી બેઠકમાં પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરાએ એક મોટું નિવેદન આપ્યું હતું.
તેઓએ કાર્યકરોને સંબોધતા જણાવ્યું હતું કે આગામી 15મી ઓક્ટોબરથી વિધાનસભાની ચુંટણીની આચારસંહિતા લાગૂ પડી જશે. કાર્યકરો પાસે ચૂંટણીની તૈયારી કરવા માટે માત્ર 125 દિવસ બાકી રહ્યા છે. સામાન્ય રીતે કોઇ રાજકીય નેતાઓ ચૂંટણી નજીક હોય તેવું નિવેદન આપી કાર્યકરોને ચૂંટણીલક્ષી તૈયારી કરવા માટે હાંકલ કરતા હોય છે. પરંતુ ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ જાણે પોતાની જાતને જ ચૂંટણી પંચ સમજતા હોય તેવું લાગી રહ્યું છે. ઓક્ટોબર માસમાં ચૂંટણી જાહેર થશે તેવી સંભાવના વ્યક્ત કરવાના બદલે ડો.બોઘરાએ તો ચૂંટણીની તારીખનું એલાન કરી દેતા કાર્યકરોમાં ભારે આશ્ર્ચર્ય ફેલાઇ ગયું છે. પ્રદેશ ઉપાધ્યક્ષના આ નિવેદનથી ભાજપ વધુ એક વખત ઘેરાઇ ગયું છે.
પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય જયેશ રાદડિયા ડો.બોઘરાના બચાવમાં આવ્યા હતા અને તેઓએ એવું નિવેદન આપ્યું હતું કે પ્રદેશ ઉપાધ્યક્ષે એવી સંભાવના વ્યક્ત કરી છે કે 15 ઓક્ટોબર આસપાસ ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની તારીખોનું એલાન કરવામાં આવશે અને આચારસંહિતા લાગૂ પડી જશે. બીજી તરફ પ્રદેશ ભાજપના મિડીયા ક્ધવીનર યજ્ઞેશ દવેએ એવું જણાવ્યું હતું કે સામાન્ય રીતે વિધાનસભાની મુદ્ત પૂરી થાય તે પૂર્વે ચુંટણી પંચ દ્વારા 60 દિવસ અગાઉ ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવતી હોય છે. આ અનુમાન લગાવીને ડો.બોઘરા દ્વારા નિવેદન આપવામાં આવ્યું હશે.
ડો.બોઘરાના નિવેદન સામે કોંગ્રેસના ધારાસભ્યએ ભાજપ સામે પ્રહાર કરતા જણાવ્યું હતું કે ચૂંટણી પંચ વિધાનસભાની ચુંટણીની તારીખનું એલાન કરવાનું કામ કરે છે પરંતુ હવે આ કામ જાણે ભાજપના નેતાઓને સોંપી દેવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. ભરત બોઘરાના નિવેદનથી ભારે હોબાળો મચી જવા પામ્યો છે. કાર્યકરોનો ઉત્સાહ વધારવા માટે આપવામાં આવેલું નિવેદન હવે વિવાદ કરે તેવું લાગી રહ્યું છે.